સફળતાની દોડમાં સ્વાસ્થ્ય ન ભૂલશો : નિયમિત તપાસ અને શિસ્તબદ્ધ જીવનશૈલીથી ડાયાબિટીસને રાખો દૂર
વિશ્વ ડાયાબિટીસ દિવસ નિમિત્તે એમએમપીજે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને કે.કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના તબીબોનો જનજાગૃતિ સંદેશ
ભુજ - કચ્છઉદય : આજના ઝડપી અને સ્પર્ધાત્મક યુગમાં કારકિર્દી, વ્યવસાય અને જવાબદારીઓ વચ્ચે વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર બની રહ્યો છે. અનિયમિત ખાનપાન, બેઠાડુ જીવનશૈલી, માનસિક તણાવ અને શારીરિક શ્રમના અભાવને કારણે ડાયાબિટીસ (મધુપ્રમેહ) આજે નાની ઉંમરે પણ લોકોને ઝપેટમાં લઈ રહ્યો છે.કચ્છના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ૩૦ થી ૪૦ વર્ષના યુવાનોમાં બ્લડ સુગરનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે.
તા.૧૪ નવેમ્બર વિશ્વ ડાયાબિટીસ દિવસ નિમિત્તે કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ સંચાલિત માતૃશ્રી મેઘબાઈ પ્રેમજી જેઠા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, ભુજના તબીબો, ફિઝિશિયન ડૉ. આશિષ માકડિયા અને કે.કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના તબીબો દ્વારા સમગ્ર કચ્છવાસીઓને આરોગ્ય પ્રત્યે સજાગ રહેવા ખાસ અપીલ કરવામાં આવી છે. ડૉ.આશિષ માકડિયાએ જણાવ્યું હતું કે, ડાયાબિટીસ એક ‘સાઇલન્ટ કિલર’ છે, કારણ કે ૫૦% થી વધુ લોકોને શરૂઆતના વર્ષોમાં તેની જાણ જ હોતી નથી. વારંવાર ખૂબ તરસ લાગવી, રાત્રે વધુ પેશાબ લાગવો, અચાનક વજન ઘટવું, સતત થાક લાગવો, ઘા રૂઝાવામાં વાર લાગવી કે હાથ-પગમાં ઝણઝણાટી થવી જેવા લક્ષણો જણાય તો તુરંત તપાસ કરાવવી જોઈએ. લાંબા સમય સુધી અનિયંત્રિત રહેલું સુગર આંખો (રેટિનોપેથી), કિડની, હૃદય અને પગની નસોને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.
ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવા માટે મેંદો, બેકરી પ્રોડક્ટ્સ, વધુ પડતી ખાંડ અને પેકેજ્ડ ફૂડ છોડી કચ્છના પરંપરાગત ધાન્ય જેવા કે બાજરી, જુવાર, રાગી, કઠોળ, સલાડ અને લીલા શાકભાજીનો આહારમાં સમાવેશ કરો, દરરોજ ઓછામાં ઓછી ૩૦ થી ૪૫ મિનિટ ઝડપી ચાલવું, યોગ કે કસરત કરો. જમ્યા પછી ૧૦-૧૫ મિનિટ ચાલવાની આદત પાડો. પેટની આસપાસની ચરબી ઘટાડવા પ્રયત્ન કરો. પુરુષોએ કમરનો ઘેરાવો ૯૦ સેમી અને મહિલાઓએ ૮૦ સેમીથી ઓછો રાખવો હિતાવહ છે. દરરોજ ૭ થી ૮ કલાકની ગાઢ ઊંઘ લો અને માનસિક તણાવ ઘટાડવા ધ્યાન-પ્રાણાયામ કરો. સિગારેટ અને આલ્કોહોલથી દૂર રહો. ૩૦ વર્ષની ઉંમર પછી વર્ષમાં ઓછામાં ઓછી એકવાર ફાસ્ટિંગ સુગર, પીપ સુગર અને એચબીએ૧સીની તપાસ કરાવવી જોઈએ.
તબીબોના જણાવ્યા અનુસાર જેમને ડાયાબિટીસનું નિદાન થયું છે તેમણે માત્ર સુગર માપીને સંતોષ ન માનતા ડૉક્ટરની સલાહ મુજબ વર્ષમાં એકવાર આંખના પડદાની તપાસ, કિડની ફંક્શન ટેસ્ટ, લિપિડ પ્રોફાઇલ (કોલેસ્ટ્રોલ), ઈસીજી, પગની નસોની તપાસ અને દાંત-પેઢાની તપાસ અવશ્ય કરાવવી જોઈએ. હાલમાં સીજીએમ અને અત્યાધુનિક દવાઓ ઉપલબ્ધ હોવાથી ડાયાબિટીસનું સંચાલન ખૂબ સરળ બન્યું છે. વારસાગત જોખમ હોવા છતાં શિસ્તબદ્ધ જીવનશૈલીથી ડાયાબિટીસને દૂર રાખી શકાય છે. વિશ્વ ડાયાબિટીસ દિવસે નિયમિત તપાસ અને સ્વસ્થ જીવનશૈલી અપનાવી ‘સ્વસ્થ કચ્છ’ના નિર્માણમાં સહભાગી બનવા કચ્છી લેવા પટેલ સમાજ ભુજના પ્રમુખ વેલજીભાઈ પિંડોરિયા, ટ્રસ્ટ અધ્યક્ષ ગોપાલભાઈ માવજી ગોરસિયા, અરજણભાઈ પિંડોરિયા, ધનસુખભાઈ સિયાણી, મનજીભાઈ પિંડોરિયા, દાતાશ્રીઓ અને તબીબ પરિવાર તરફથી અનુરોધ કરાયો છે.
---------

Comments