રતિયા- સુખપરની સીમમાં કુવામાંથી યુવાનનો દેહ મળી આવ્યો
કુવાની આસપાસ બાઈક અને કપડા મળી આવતા શંકાના આધારે કરાઈ હતી તપાસ : ભુજ ફાયર વિભાગની ટીમે ૧૧ કલાક મહેનત કરી ૧૧૦ ફૂટ ઉંડા કુવામાંથી દેહ બહાર કાઢયો : જી.કે.માં પરિવારજનોએ હત્યાની આશંકા દર્શાવી દેહ સ્વીકારવાનો કર્યો ઈન્કાર
ભુજ - કચ્છઉદય : તાલુકાના સુખપર ગામેથી બે દિવસ અગાઉ રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલા યુવકનો વાડી વિસ્તારમાં આવેલ એક કૂવામાંથી મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ હતી. ૧૧ કલાકની મહેનત બાદ કુવામાંથી દેહ મળી આવ્યો હતો.
આ અંગેની વિગતો મુજબ ૧૦મી તારીખે રાત્રે ૮ વાગ્યા પછી યુવક ગુમ થયો હતો. સુખપર કોલીવાસમાં રહેતો રર વર્ષિય ભરત રામજી કોલીની શોધખોળ કરવામાં આવી હતી. દરમિયાન ખારી નદીના પૂર્વ કિનારા પાસે આવેલ સર્વે નંબર ૬૦ વાળી જમીનમાં કુવાની બાજુમાં તેની બાઈક અને કપડા મળી આવતાં કુવામાં તપાસ કરતાં દેહ મળી આવ્યો હતો. ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે રતિયા અને સુખપર ગામની સીમમાં આવેલો આ કુવો ૧૦૦થી ૧૧૦ ફૂટ ઉંડો હતો. અન્ડર વોટર કેમેરાથી તપાસ કરતાં પાણી ૧૭ ફૂટ ઉંડુ અને માનવ બોડીનું લોકેશન મળી આવ્યુું હતું. જો કે કુવામાં બાવળિયા અને ઝાડી ઝાંખરા વધુ હોવાથી રેસ્કયુ માટેના દોરડા અને સાધનો ફસાઈ જતા હતા, જેથી કુવામાંથી ઝાડી ઝાખરા બહાર કાઢવામાં આવ્યા, બાદમાં ફાયરમેનને ઉતારવામાં આવ્યો પરંતુ કુવામાં ૧૭ ફૂટ પાણી હોવાથી રેસ્કયુમાં વિલંબ થતો હતો. જેથી બીજા દિવસે સવારે સ્થાનિકોની મદદથી મોટર લગાવીને કુવાનું પાણી બહાર કાઢવામાં આવ્યું, બાદમાં ક્રેનની મદદથી બે ફાયર મેનને નીચે ઉતારવામાં આવ્યા, ૪પ મિનિટ સુધી લટકીને ફાયરમેનોએ કુવામાં રહેલી બોડીને દોરડા વડે બાંધીને બહાર કાઢી હતી. ૧૧ કલાક સુધી ચાલેલી કામગીરીમાં ફાયર વિભાગના સચિન પરમાર, રવિરાજ ગઢવી, વિશાલ ગઢવી, અસલમ પટણી, કમલેશ મતિયા, ઈમ્તિયાઝ સમા, સોહમ ગોસ્વામી, સુરમલ ડામોર, ઋષિ ગોર, સાહિલ પટણી, ઉદયસિંહ જાડેજા, સ્થાનિક આગેવાનો, ખેડૂતો, એ ડિવિઝન, માનકૂવા સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો. દેહ બહાર કાઢીને પીએમ માટે જી.કે. જનરલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ડૂબી જવાના કારણે મોત થયાનું પીએમ રિપોર્ટમાં સામે આવ્યું છે. જો કે હોસ્પિટલમાં પરિવારજનોએ દેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. ગઈકાલે સાંજથી આ માટે મડાગાંઠ ચાલી રહી છે. આ લગાય છે, ત્યારે હજુ પણ પરિવાર દ્વારા દેહ સ્વીકારવામાં આવ્યો નથી. પરિવાર દ્વારા હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ બનાવથી ભારે ચકચાર ફેલાઈ છે.
.......

Comments