Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં દિવાળી ટાંકણે ફૂડ સેફ્ટી વિભાગની લાલ આંખ 

07 November


ભુજ, રાપર અને માંડવી સહિત છ તાલુકામાંથી ખાદ્ય સામગ્રીના ૫૬ નમૂના લેવાયા : તહેવારોની મોસમમાં નાગરિકોના સ્વાસ્થ્ય સુરક્ષાાર્થે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વ્યાપક અને આક્રમક ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી

ભુજ - કચ્છઉદય : આગામી દિવાળીના પર્વને અનુલક્ષીને કચ્છ જિલ્લાના નાગરિકોના સ્વાસ્થ્ય અને આરોગ્યની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (એફડીસીએ), ભુજના ફૂડ સેફ્ટી ઑફિસર એસ.બી. પટેલ તથા એમ.એમ. પટેલ દ્વારા સમગ્ર જિલ્લામાં સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તહેવારોની મોસમમાં બજારમાં મીઠાઈ અને ફરસાણની માંગમાં અતિશય વધારો થતો હોય છે, ત્યારે નાગરિકોને શુદ્ધ, ગુણવત્તાસભર અને સુરક્ષિત ખાદ્ય સામગ્રી મળી રહે તેવા ઉદ્દેશ્યથી આ વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું છે.
આ સઘન ઝુંબેશ અંતર્ગત ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમે કચ્છ જિલ્લાના મુખ્ય ઔદ્યોગિક અને વ્યાપારી કેન્દ્રો ગણાતા રાપર, ભુજ, નખત્રાણા, મુન્દ્રા, માંડવી અને અંજાર વિસ્તારમાં આવેલી અસંખ્ય મીઠાઈની દુકાનો, ડેરી ફાર્મ તથા ફરસાણ હાઉસ પર ઓચિંતી તપાસ હાથ ધરી હતી. બજારમાં વેચાતી ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તાની પારદર્શક ચકાસણી કરવા માટે કુલ ૫૬ જેટલા વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂનાઓ એકત્રિત કરીને સ્ટેટ ફૂડ લેબોરેટરીમાં પૃથ્થકરણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે.
આ વિશેષ ડ્રાઇવ દરમિયાન તહેવારોમાં સૌથી વધુ વપરાતી અને લોકપ્રિય મીઠાઈઓ જેવી કે કાજુકતરી, કચ્છી પેંડા, બરફી, મિલ્ક કેક અને મગજના લાડુ તેમજ ડેરી સેક્ટરમાંથી શુદ્ધ માવા ઉપરાંત ફરસાણ અને નાસ્તા વર્ગમાંથી સાટા, ડ્રાયફ્રુટ સેવ, ગાંઠિયા અને હલવા પાપડી જેવા ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવામાં આવ્યા છે. લેબોરેટરીમાંથી આ નમૂનાઓના પૃથ્થકરણ અહેવાલ પ્રાપ્ત થયા બાદ, જો કોઈ ધંધાર્થી દ્વારા ગુણવત્તાના ધોરણોનો ભંગ કરાયો હોવાનું સાબિત થશે તો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્‌સ એક્ટની જોગવાઈઓ મુજબ સખત કાનૂની અને દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
તપાસ દરમિયાન તંત્ર દ્વારા તમામ વેપારીઓને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્‌સ રેગ્યુલેશન્સના શેડ્યુલ ચાર મુજબના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા તાકીદ કરવામાં આવી હતી. ઉત્પાદન અને વેચાણના સ્થળોએ ઉચ્ચ સ્તરીય સ્વચ્છતા જાળવવા, કર્મચારીઓ દ્વારા માસ્ક, ગ્લોવ્સ અને કેપ પહેરવા તેમજ પેસ્ટ કંટ્રોલની યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચના અપાઈ હતી. આ સાથે વેપારીઓને ભારપૂર્વક ચેતવણી આપવામાં આવી હતી કે ગરમ કે તળેલા ખાદ્ય પદાર્થો ગ્રાહકોને આપતી વખતે ક્યારેય પણ પ્રિન્ટેડ ન્યુઝપેપર કે છાપાના કાગળનો ઉપયોગ કરવો નહીં, કારણ કે ન્યુઝપેપરની સહીમાં રહેલા રસાયણો માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક સાબિત થાય છે. આ ઉપરાંત નાસ્તા હાઉસ અને ફરસાણની દુકાનોમાં તળવા માટે વારંવાર એક જ તેલનો પુનઃઉપયોગ ન થાય તે માટે ટીપીસી મશીન દ્વારા તેલની ગુણવત્તા પણ સ્થળ પર ચકાસવામાં આવી હતી.
ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન, કચ્છ દ્વારા તમામ વેપારીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ નાગરિકોના આરોગ્ય સાથે કોઈ ચેડાં ન કરે અને માત્ર શુદ્ધ તથા તાજા ખાદ્ય પદાર્થોનું જ વેચાણ કરે. જનહિતમાં નાગરિકોના સ્વાસ્થ્યની રક્ષા માટે તંત્ર દ્વારા આ પ્રકારની ચેકિંગ અને સર્વેલન્સની કાર્યવાહી આગામી સમયમાં પણ સતત અને સઘનપણે ચાલુ રાખવામાં આવશે.
--------- 



 

Comments

COMMENT / REPLY FROM