કોડાય પોલીસ સ્ટેશનમાં ૭૦ હજારની લાંચ લેતા હેડ કોન્સ્ટેબલ રંગે હાથે ઝડપાયા
વાહનો મુક્ત કરવાના બદલે લાંચ માંગનાર પશ્ચિમ કચ્છના પોલીસકર્મી સામે એસીબીની લાલ આંખ
ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લાના પશ્ચિમ કચ્છ વિસ્તારમાં આવેલા કોડાય પોલીસ સ્ટેશનમાં એન્ટિ કરપ્શન બ્યુરો (એસીબી) ની ટીમ દ્વારા એક સફળ ટ્રેપ કરવામાં આવી છે, જેમાં પોલીસ સ્ટેશનના જ એક હેડ કોન્સ્ટેબલ ૭૦,૦૦૦ રૂપિયાની માતબર લાંચ સ્વીકારતા રંગે હાથે પકડાઈ ગયા છે. આ બનાવથી
પોલીસ બેડામાં ભારે ચકચાર મચી જવા પામી છે.પ્રાપ્ત વિગતો અનુસાર વિપુલભાઈ દલજીભાઈ ચૌધરી કોડાય પોલીસ સ્ટેશનમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. ફરિયાદીના જણાવ્યા મુજબ, અગાઉ પકડાયેલા વાહનોને પોલીસ સ્ટેશનમાંથી મુક્ત કરવાના બદલે આ હેડ કોન્સ્ટેબલ દ્વારા લાંચની ગેરકાયદેસર માંગણી કરવામાં આવી હતી. આ મામલે ફરિયાદીએ ભુજ એસીબીનો સંપર્ક કરીને લેખિત ફરિયાદ નોંધાવી હતી.મળેલી ફરિયાદના આધારે ભુજ એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે. જે. ચૌધરી અને તેમની ટીમે નિયમો અનુસાર એક ગોપનીય છટકું ગોઠવ્યું હતું. આ યોજના મુજબ આરોપી વિપુલભાઈ દલજીભાઈ ચૌધરીએ કોડાય પોલીસ સ્ટેશનના પરિસરમાં જ ફરિયાદી પાસેથી નક્કી કર્યા મુજબની ૭૦,૦૦૦ રૂપિયાની લાંચની રકમ સ્વીકારી હતી. રકમ સ્વીકારવાની સાથે જ એસીબીની ટીમે તુરંત કાર્યવાહી કરીને આરોપીને રંગે હાથે ઝડપી લીધા હતા.
આ સફળ ટ્રેપ બાદ એસીબી દ્વારા આરોપી વિપુલભાઈ ચૌધરી વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને લાંચરૂપી નાણાં કબજે કરવાની સાથે આગળની વધુ તપાસ પણ શરૂ કરવામાં આવી છે. ભુજ એસીબીની આ ત્વરિત અને સચોટ કાર્યવાહીથી ભ્રષ્ટ કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

Comments