કચ્છ પોલીસનું દેશવ્યાપી મેગા ઓપરેશન ! ૮.૪૬ કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ : ૧૩ આરોપીઓ ઝડપાયા
ગુજરાત સહિત દેશનાં ૯ રાજ્યોમાં પૂર્વ કચ્છ પોલીસની ૧૦ ટીમોએ હાથ ધર્યું ઓપરેશન, અલગ-અલગ રાજ્યોમાંથી ૧૩ આરોપીઓને દબોચ્યા : યશ બેંકના કંપની એકાઉન્ટમાંથી OTP અને ઓથોરાઇઝેશન વગર ૨૧૧ ટ્રાન્ઝેક્શન કરી રૂ.૮,૪૬,૦૭,૮૪૯ની ઉચાપત કરાઈ હતી : સાયબર ફ્રોડની રકમમાંથી રૂ.૩,૮૨,૭૩,૯૮૭ હોલ્ડ અને ફ્રીઝ કરાવવામાં સફળતા, ૧૪ મોબાઇલ, ૨ લેપટોપ અને CPU હાર્ડડિસ્ક કબજે
ગાંધીધામ : સાયબર ગુનેગારો સામે પૂર્વ કચ્છ પોલીસે દેશવ્યાપી મેગા ઓપરેશન હાથ ધરી રૂ.૮.૪૬ કરોડના મહાકાય ઓનલાઇન સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો છે. ગાંધીધામ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગંભીર ગુનામાં દેશનાં અલગ-અલગ રાજ્યોમાંથી કુલ ૧૩ આરોપીઓને ઝડપી પાડવામાં પૂર્વ કચ્છ જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે. આ સાથે જ છેતરપિંડીની રકમમાંથી રૂ.૩.૮૨ કરોડથી વધુની રકમ હોલ્ડ અને ફ્રીઝ કરાવવામાં પણ પોલીસ સફળ રહી છે.આ સમગ્ર બનાવમાં ફરિયાદીની યશ બેંકના કંપની એકાઉન્ટમાંથી કોઈપણ પ્રકારના OTP કે ઓથોરાઇઝેશન વગર કુલ ૨૧૧ અલગ-અલગ ટ્રાન્ઝેક્શન મારફતે રૂ.૮,૪૬,૦૭,૮૪૯ની ઓનલાઇન ઉચાપત કરવામાં આવી હતી. આટલી મોટી રકમની સાયબર છેતરપિંડીની ગંભીરતાને ધ્યાને લઈ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષક સાગર બાગમારના સીધા માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો તપાસમાં જોડાઈ હતી.ગુનાના મૂળ સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ, બેંક એકાઉન્ટ ટ્રેસિંગ અને સાયબર નેટવર્કની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. આરોપીઓને ઝડપી પાડવા માટે કુલ ૧૦ પોલીસ ટીમો અલગ-અલગ રાજ્યોમાં રવાના કરવામાં આવી હતી. ગુજરાત ઉપરાંત રાજસ્થાન, આસામ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, દિલ્હી અને હરિયાણા સહિતનાં રાજ્યોમાં તપાસનો વ્યાપ વધારી કુલ ૧૩ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.પકડાયેલા આરોપીઓમાં પ્રવિણ ભેરૂલાલ રેગર, રઝાક મોહમ્મદ સુલતાનમોહમ્મદ મંસુરી, સમૈયાહ મલ્લયાહ દામેરા, રાકેશ દલારામ સોલંકી, મનીષ રામાનંદ આહીર, સચીન સુરેન્દ્રસિંહ આહીર, પ્રભુદાદાસ પ્રતાપ કુમાર દાસ, ભાનુપ્રતાપ બીસાહુદાસ, સોહિલખાન અજબખાન પઠાણ, અરમાન સલીમભાઈ ચૌહાણ, રાહુલ રામજીભાઈ સોલંકી, હિરેનભાઈ સવજીભાઈ સોનાગરા અને કૈલાશચંદ્ર ગીરધારીલાલ ભીલનો સમાવેશ થાય છે.
પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે સાયબર ગુનેગારો બોગસ એટલે કે શેલ કંપનીઓ તથા ભાડે મેળવેલા અલગ-અલગ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરીને છેતરપિંડીથી મેળવેલી રકમ એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર કરતા હતા. આ રીતે સમગ્ર નેટવર્ક મારફતે નાણાંની હેરાફેરી કરવામાં આવતી હતી.
આ ઓપરેશનમાં પૂર્વ કચ્છ પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે. સાયબર ફ્રોડમાં ગયેલી કુલ રૂ.૮,૪૬,૦૭,૮૪૯ની રકમમાંથી રૂ.૩,૮૨,૭૩,૯૮૭ જેટલી રકમ હોલ્ડ અને ફ્રીઝ કરાવવામાં આવી છે. આ ઉપરાંત આરોપીઓ પાસેથી ૧૪ મોબાઇલ ફોન, ૨ લેપટોપ તથા ૧ CPU હાર્ડડિસ્ક મળી કુલ રૂ.૧,૧૩,૦૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.આ સમગ્ર કામગીરીમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. હુણ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજીયા ઉપરાંત પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.બી. કોવાડિયા, આર.એમ. દુવા, ડી.જી. પટેલ, કે.જે. વાઢેર અને સી.એમ. ચૌધરી સહિતની પોલીસ ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ કામગીરીમાં અમદાવાદ સાયબર ક્રાઇમ સેલ અને સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ ગાંધીનગરની ટીમનો પણ સહયોગ મળ્યો હતો.સમગ્ર ઓપરેશનમાં ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક જ્ઞાનેન્દ્રસિંહ મલિક, સરહદી રેન્જ ભુજ-કચ્છના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ ગાંધીનગરના પોલીસ મહાનિરીક્ષક બિપીન આહિરેની સૂચનાઓ અને માર્ગદર્શન મહત્વપૂર્ણ સાબિત થયાં હતાં.હાલ આ ગુનામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. રૂ.૮.૪૬ કરોડની સાયબર છેતરપિંડીમાં ૧૩ આરોપીઓને દેશનાં અલગ-અલગ રાજ્યોમાંથી ઝડપી પાડવા અને રૂ.૩.૮૨ કરોડથી વધુની રકમ ફ્રીઝ કરાવવી એ પૂર્વ કચ્છ પોલીસની નોંધપાત્ર સફળતા ગણાય છે.
..........
SP સાગર બાગમાર ના સીધા માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છ પોલીસનું સફળ મેગા ઓપરેશન
ગાંધીધામ : રૂ.૮.૪૬ કરોડની જંગી સાયબર છેતરપિંડીનો પર્દાફાશ કરવો અને દેશનાં ૯ રાજ્યોમાં ૧૦ અલગ-અલગ ટીમો મોકલી ૧૩ આરોપીઓને ઝડપી
પાડવા એ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષક સાગર બાગમારની અસરકારક કામગીરી અને મજબૂત નેતૃત્વનું પરિણામ છે. સમગ્ર તપાસ દરમિયાન ટીમો વચ્ચે સંકલન, ઝડપી નિર્ણયશક્તિ અને ગુનાના મૂળ સુધી પહોંચવાની કાર્યપદ્ધતિના કારણે રૂ.૩.૮૨ કરોડથી વધુની રકમ ફ્રીઝ કરાવવામાં પણ સફળતા મળી છે. પૂર્વ કચ્છ પોલીસની આ કામગીરી સાયબર ગુનેગારો માટે કડક સંદેશ સમાન છે.
...........
સાયબર ગુનાઓ સામેની લડાઈને નવી દિશા આપતા IG બિપીન આહિરે
ગાંધીધામ : સાયબર ગુનાઓની જટિલતા અને દેશવ્યાપી નેટવર્કને ધ્યાનમાં રાખીને સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ ગાંધીનગરના પોલીસ મહાનિરીક્ષક બિપીન આહિરેનું માર્ગદર્શન આ સફળ ઓપરેશનમાં મહત્વપૂર્ણ રહ્યું હતું. ટેકનિકલ તપાસ, સાયબર નેટવર્કની કડીઓ જોડવા અને વિવિધ ટીમો વચ્ચે સંકલન સાધવા માટે મળેલી સૂચનાઓએ તપાસને વેગ આપ્યો. સાયબર ગુનેગારો સામે ટેકનોલોજી આધારિત પોલીસિંગને મજબૂત બનાવવામાં તેમનું માર્ગદર્શન પ્રશંસનીય રહ્યું છે.
...........

Comments