Trending News
સ્થાનિક સમાચાર

દુષ્કાળથી બેહાલ કચ્છી ધરતીપુત્રો પર સરકારે લાદયો બોજ

08 November

ડાબા હાથે રાહતની વાતો અને જમણા હાથે લૂંટ




સહાયના પત્તા નથી ને ૧૪,૪૫૦ના વીમા-પાર્સિંગના ફતવા! : કચ્છના ખેડૂતોમાં ભારે રોષ અને આક્રોશનો જ્વાળામુખી ફાટ્યો


ભુજ - કચ્છઉદય : દુષ્કાળની વિષમ પરિસ્થિતિ વચ્ચે ઝોલા ખાતા કચ્છ જિલ્લાના અન્નદાતાઓ માટે શાસન-પ્રશાસનની નીતિઓ જલે પર મીઠું ભભરાવવા સમાન સાબિત થઈ રહી છે. વાવાઝોડા, કમોસમી વરસાદ અને દુષ્કાળ જેવા કુદરતી કોપ સામે ઝઝૂમી રહેલા કચ્છના ખેડૂતોને સહાય મેળવવાની આશા હતી, પરંતુ તેની જગ્યાએ હવે સરકારી તંત્ર દ્વારા વસૂલાતનો ફતવો છોડવામાં આવતાં સમગ્ર સરહદી જિલ્લામાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. સરકારે જાહેર કરેલી હેક્ટર દીઠ રાહત સહાયની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં જ જિલ્લાના ખેડૂતોના મોબાઇલ ફોન પર સહાય જમા થયાના બદલે મીની ટ્રેક્ટર અને ટ્રોલીના વીમા તથા પાર્સિંગ પેટે અધધ રૂ. ૧૪,૪૫૦ ભરી દેવાના સરકારી મેસેજ ધડાધડ આવી રહ્યા છે. સ્થાનિક ધરતીપુત્રો આ વલણને ડાબા હાથે રાહત આપીને જમણા હાથે બે ગણી લૂંટ ચલાવવા સમાન ગણાવી રહ્યા છે.કચ્છના શુષ્ક વાતાવરણ અને મર્યાદિત ખેતીની સ્થિતિમાં લાખો રૂપિયાના 
મોટા ટ્રેક્ટર ખરીદવા અસમર્થ નાના ખેડૂતો વાવણી અને ખેતરના કામકાજ માટે મીની ટ્રેક્ટરનો આશરો લેતા હોય છે. આ નાનકડાં ટ્રેક્ટર કોઈ હાઈવે પર દોડાવવા માટે નહીં, પરંતુ રણપ્રદેશમાં કાળી મજૂરી કરીને  અનાજ પકવવા માટે વસાવવામાં આવે છે. તેમ છતાં સરકારી તંત્ર દ્વારા મીની ટ્રેક્ટરના થર્ડ પાર્ટી વીમાના નામે રૂ. ૮,૬૫૦ અને પીયુસીના નામે રૂ. ૩૦૦ વસૂલવાનું શરૂ કરાતાં ખેડૂતો અકળાઈ ઊઠ્યા છે. માંડ માંડ ડીઝલના નાણાં એકઠા કરતા કચ્છના સીમાંત ખેડૂતો પાસેથી આટલી મોટી રકમ ખંખેરવી એ સરેઆમ લૂંટ સમાન હોવાનો આરોપ કચ્છી ખેડૂત વર્ગ લગાવી રહ્યો છે.
સૌથી વધુ વિરોધ ટ્રેક્ટર પાછળ જોડાતી ટ્રોલીના અલગ વીમા અને પાર્સિંગના નામે વસૂલાતા રૂ. ૫,૫૦૦ સામે થઈ રહ્યો છે. ખેડૂતો અને સ્થાનિક ખેડૂત સંગઠનો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો મૂળ ટ્રેક્ટરના એન્જિનનો વીમો અને પાર્સિંગ નિયમિત ભરાતું જ હોય, તો પાછળ લટકતી ટ્રોલી માટે અલગથી કાવડિયાં શા માટે ઉઘરાવાય? શું ટ્રોલી ટ્રેક્ટર વિના એકલી રસ્તા પર દોડવાની છે? કચ્છના ખેડૂતોનું કહેવું છે કે દુષ્કાળના આ વિકટ સમયમાં હજુ તો સરકાર તરફથી મળનારી રૂ. ૧૭,૦૦૦ની સહાયનો કોઈ પત્તો નથી, પણ તેની સામે રૂ. ૧૪,૪૫૦નો બોજ તુરંત ઝીંકી દેવામાં આવ્યો છે. 
કૃષિ મહોત્સવોના નામે આવક બમણી કરવાના દાવા કરતી સરકારની આ નીતિઓને કારણે ખેડૂતોનું દેવું બમણું થઈ રહ્યું હોવાનો આક્રોશ કચ્છના ગામડે-ગામડેથી ઊઠી રહ્યો છે.

Comments

COMMENT / REPLY FROM