ગાંધીધામ મહાનગરપાલિકાઃ મેયરપદ માટે ‘પેરાશૂટ’ ઉમેદવાર કે, પાયાના કાર્યકર?ઃ રાજકીય ગરમાવો તેજ
ભાજપના રણનીતીકારો-આગેવાનો ચેતે : અગાઉ નગરપાલીકા હતી તે વખતે રાતોરાત જ ઉમેદવાર બનાવી ચુંટણી લડાવી અને પ્રમુખપદ સોપી દેવાયુ, શું થયુ હતુ તે વખતે યાદ કરી લેજો.! પ્રમુખ સભ્ય પણ ન હોતા, મનમાની જ ચલાવી, એટલી હદે કે વીરોધ પક્ષ તો ઠીક ખુદ પક્ષના જ સભ્યોની નારાજગીસહન કરવી પડી, તે પણ એટલી ખરાબ રીતે કે પક્ષની આબરૂના પણ ધજાગરા થયા હતા, ભ્રષ્ટાચારને લઈને પક્ષના જ લોકો મોરચા ખુલ્લીને માંડતા થઈ ગયા હતા, ફરીથી સનિષ્ઠ કાર્યકર્તાઓની બાદબાકી કરી અને આવા પેરાસુટ રાતોરાત ચુંટણી લડેલા અને સભ્ય પણ ન રહેલાઓને મેયર પદની તક અપાઈ તો
પક્ષની ફજેતી ખરાબ રીતે થશે, ૯૦૦ કરોડનું બજેટ વેડફાઈ જતા પણ વાર નહી થાય.ઃ રાજકીય પંડિતોની લાલબત્તી
અગાઉ પણ આવા પેરાસુટ પ્રમુખ બનાવ્યા હતા, સવાર પડે અને આખેઆખુ કુટુંબ નગરપાલીકાને લુંટવા માટે પોતાના વ્યવસાય-ધંધાને મુકીને અહી જ પડથાપાથર્યા રહેતા હતા : કઈક વખત આવા પેરાસુટ બની બેઠેલ પ્રમુખ-સબંધીઓનેા સિનિયર આગેવાનોએ નાક કાપ્યા..! પણ આ પેરાસુટ પ્રમુખ પક્ષની પ્રક્રીયા શું છે, તે જાણતા જ ન હતા, પ્રાથમિક સભ્ય પણ ન હતા, તો પછી પક્ષના નીતનિયમોના તો તેઓ ધજાગરા જ ઉડાળવાના હતા નેે..? : શું હવે ફરીથી ગાંધીધામ મનપામાં આવું જ થવા પામશે?
ગાંધીધામ : ગાંધીધામ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ હવે સૌની નજર મેયર પદના તાજ પર ટકેલી છે. મહિલા સામાન્ય રોટેશન મુજબ મેયરની
પસંદગી થવાની છે ત્યારે શહેરમાં ચર્ચાનો વિષય એ બન્યો છે કે, પક્ષ વર્ષોથી મહેનત કરતા નિષ્ઠાવાન કાર્યકરને તક આપશે કે ફરી એકવાર કોઈ ‘પેરાશૂટ’ ઉમેદવારને બેસાડી દેવામાં આવશે?રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે કે અગાઉ
નગરપાલિકામાં પ્રમુખ પદે જે રીતે રાતોરાત આકાશમાંથી ઉતરી આવેલા એટલે કે
‘પેરાશૂટ’ નેતાની પસંદગી કરવામાં આવી હતી, તેનાથી પક્ષ અને શહેર બંનેને નુકસાન થયું હતું. જે તે સમયે પસંદ કરાયેલા નેતા
પક્ષની વિચારધારા કે નીતિ-નિયમોથી અજાણ હતા, જેના કારણે તેમના શાસનકાળમાં ભ્રષ્ટાચારના અનેક કિસ્સાઓ સામે આવ્યા હોવાના આક્ષેપો થયા હતા. શિસ્તના ધજાગરા ઉડતા પક્ષની છબી પણ ખરડાઈ હતી અને સભ્યોમાં ભારે નારાજગી જોવા મળી હતી.
રાજકિય પંડિતો ભાજપ હાઈકમાન્ડ સહિતનાઓને સાવધ કરતા ચર્ચા કરી રહ્યા છે કે, ગાંધીધામ મહાનગર
પાલિકાની ચૂંટણીના જંગમાં જનતાએ પોતાનો જનાદેશ આપી દીધો છે, પરંતુ હવે અસલી પરીક્ષા શાસક
પક્ષની છે. મેયર પદ માટે જ્યારે ‘મહિલા સામાન્ય’ રોટેશન જાહેર થયું છે, ત્યારે ગાંધીધામના રાજકીય આકાશમાં ફરી એકવાર
‘પેરાશૂટ’ નેતાગીરીના વાદળો ઘેરાવા લાગ્યા છે. સવાલ એ નથી કે મેયર કોણ બનશે, સવાલ એ છે કે મેયર પદ માટેની લાયકાત શું હશે?
પક્ષ માટે લોહી-પરસેવો એક કરનાર નિષ્ઠાવાન કાર્યકર કે પછી રાતોરાત પક્ષનો ખેસ
પહેરીને સત્તાના સપના જોનારા ‘નવા નિશાળિયા’?
ભૂતકાળ સાક્ષી છે કે જ્યારે પણ સંગઠનને નેવે મૂકીને આકાશમાંથી નેતાઓ ઉતારવામાં આવ્યા છે, ત્યારે શહેર અને પક્ષ બંનેને મોટું નુકસાન વેઠવું પડ્યું છે. અગાઉના નગરપાલિકા શાસનમાં આપણે જોયું છે કે
પેરાશૂટ પ્રમુખને કારણે વહીવટ કથળ્યો હતો.
જે વ્યક્તિને પક્ષની વિચારધારા, નીતિ કે શિસ્તની ગતાગમ ન હોય, તે જ્યારે સત્તાના ઉચ્ચ સ્થાને બેસે છે ત્યારે ભ્રષ્ટાચાર અને મનસ્વી વહીવટ ફૂલેફાલે છે. ગાંધીધામમાં અગાઉ આવા પ્રયોગોને કારણે પક્ષના
પાયાના સભ્યોમાં જે નારાજગી વ્યાપી હતી, તેની કિંમત હજુ પણ સંગઠન ચૂકવી રહ્યું છે.
આજે જ્યારે રાજ્ય સરકાર ગાંધીધામના વિકાસ માટે ૯૦૦ થી ૧૦૦૦ કરોડ જેવું માતબર બજેટ ફાળવવાની તૈયારીમાં છે, ત્યારે વહીવટી સૂત્રધાર કોણ હશે તે ખૂબ મહત્વનું છે. શું આટલી મોટી રકમ કોઈ એવા વ્યક્તિના હાથમાં સોંપી શકાય જે માત્ર ચૂંટણીના ગણતરીના દિવસો પહેલા જ
પક્ષમાં જોડાયા હોય? રાજકીય પંડિતો સાચું જ કહી રહ્યા છે કે જો ફરીથી ભૂતકાળનું
પુનરાવર્તન થશે અને કોઈ બિનઅનુભવી કે ‘પેરાશૂટ’ ઉમેદવારને મેયર પદ તાસકમાં ધરી દેવામાં આવશે, તો શહેરનો વિકાસ માત્ર કાગળ પર રહી જશે.ગાંધીધામની જનતા અને પક્ષના પાયાના કાર્યકરોની અપેક્ષા છે કે પક્ષ શિસ્ત અને નિષ્ઠાને સન્માન આપે. સત્તા એ સેવાનું માધ્યમ છે, કોઈ ‘રાતોરાત નેતા’ બનવાની જાદુઈ છડી નથી. જો પક્ષ પોતાની છબી સુધારવા માંગતો હોય અને ગાંધીધામને સાચો વિકાસ આપવા માંગતો હોય, તો ‘પેરાશૂટ’ સંસ્કૃતિને તિલાંજલિ આપીને જમીની સ્તરના કાર્યકર પર ભરોસો મૂકવો અનિવાર્ય છે. અન્યથા, ભ્રષ્ટાચાર અને શિસ્તના ધજાગરા ઉડતા રહેશે અને જનતા ફરી એકવાર ઠગાયેલી અનુભવશે.
.............................
કાર્યકરોની માંગઃ
પાયાના સભ્યને ન્યાય મળે
ગાંધીધામ : પક્ષના પાયાના કાર્યકરોની આંતરિક માંગ છે કે, જે સભ્યોએ પક્ષના સિદ્ધાંતોને વરેલા રહીને રાત-દિવસ મહેનત કરી છે, તેમને જ પ્રાધાન્ય મળવું જોઈએ. જો ફરીથી સત્તાની લાલચમાં રાતોરાત પક્ષમાં જોડાયેલા લોકોને તક અપાશે, તો ગાંધીધામ શહેર વિકાસના નામે માત્ર ‘ઠેંગો’ જ પામશે તેવી લોકચર્ચા જાગી છે.?હવે જોવાનું એ રહે છે કે હાઈકમાન્ડ ભૂતકાળની ભૂલોમાંથી શીખ મેળવીને કોઈ કર્મઠ કાર્યકરને મેયર પદ સોંપે છે કે ફરી ‘પેરાશૂટ’ નેતાને લાવીને શહેરના ભવિષ્યને જોખમમાં મૂકે છે.’
........................
જનતાના મનમાં ઉઠતા વેધક સવાલો
૧.નિષ્ઠા કે સગવડ?ઃ શું પક્ષ માટે વર્ષોથી લોહી-પરસેવો એક કરનારા કાર્યકરો કરતાં ‘રાતોરાત’ પક્ષમાં આવેલા લોકો વધુ લાયક છે? ર.પેરાશૂટનો મોહ કેમ?ઃ અગાઉ પેરાશૂટ નેતાને કારણે ભ્રષ્ટાચારના રેકોર્ડ તૂટ્યા હોવા છતાં, ફરી એ જ ભૂલ કરવાનું જોખમ પક્ષ કેમ લઈ રહ્યો છે? ૩.બજેટનું શું?ઃ સરકાર દ્વારા ફાળવવામાં આવનાર ૯૦૦ થી ?૧૦૦૦ કરોડનું બજેટ વિકાસમાં વપરાશે કે પછી અગાઉની જેમ ભ્રષ્ટાચારની ભેટ ચડી જશે? ૪.શિસ્તના ધજાગરા કોણ જવાબદાર?ઃ જેમને પક્ષની વિચારધારા કે પ્રાથમિક સભ્યપદની પણ ખબર નથી, તેઓ મહાનગરપાલિકામાં શિસ્ત કેવી રીતે જાળવશે? પ.વિકાસ કે વિનાશ?ઃ ગાંધીધામની જનતાને સક્ષમ નેતૃત્વ જોઈશે કે માત્ર આકાશમાંથી ઉતરી આવેલા નેતાના નામે ‘ઠેંગો’ ૬.પાયાના કાર્યકરોની ઉપેક્ષા ક્યાં સુધી?ઃ શું ચૂંટણીમાં મહેનત પાયાના કાર્યકરોએ કરવાની અને સત્તાનો સ્વાદ ‘પેરાશૂટ’ નેતાઓએ જ ચાખવાનો?

Comments