દિલ્હીથી ભુજ આવતી ટ્રેનમાં કુખ્યાત ગોલ્ડી બરાડ ગેંગનો શૂટર ઝડપાયો
રેવાડી આરપીએફની ટાસ્ક ટીમે ફોટોના આધારે ટ્રેનમાંથી દબોચી અલવર સ્ટેશનેં ઉતાર્યો, દિલ્હી એસટીએફએ પૂછપરછ બાદ ધરપકડ કરી : કચ્છમાં આરોપી છુપાવા આવતો હતો કે અન્ય કોઈ કડી ? તપાસ તેજ
ભુજ - કચ્છઉદય : દિલ્હીથી ભુજ આવતી દિલ્હી-ભુજ એક્સપ્રેસમાંથી ગોલ્ડી બરાડ ગેંગના કથિત શૂટર નવાબ અલીને રેવાડી આરપીએફની ટાસ્ક ટીમે ઝડપી પાડ્યો હતો. દિલ્હી પોલીસ પાસેથી મળેલા ફોટોના આધારે આરપીએફ ટીમે રેવાડીથી અલવર વચ્ચે સ્લીપર કોચમાં તપાસ કરતા ત્રીજા સ્લીપર કોચની સીટ નંબર ૨૩ પર બેઠેલો નવાબ અલી ફોટા સાથે મળતો આવતા તેને ઝડપી લેવાયો હતો. અલવર સ્ટેશન પર ટ્રેન રોકાતા તેને ઉતારી
આરપીએફ ચોકીમાં રાખવામાં આવ્યો હતો. બાદમાં દિલ્હી
પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સની ટીમ અલવર પહોંચી હતી અને પૂછપરછ બાદ તેની ઔપચારિક ધરપકડ કરી હતી.
દિલ્હી પોલીસ તરફથી માહિતી મળી હતી કે નવાબ અલી દિલ્હીથી દિલ્હી-ભુજ એક્સપ્રેસમાં સવાર થયો છે. ૩૦ સપ્ટેમ્બરે સાંજે આશરે ૬ વાગ્યે ટાસ્ક ટીમને તેનો ફોટો અને ઓળખ સંબંધિત વિગતો અપાઈ હતી. ત્યારબાદ ટીમ રેવાડી ખાતે ટ્રેનમાં સવાર થઈ હતી. ટ્રેન રેવાડીથી રવાના થયા બાદ રેવાડી-અલવર રેલખંડમાં સ્લીપર કોચમાં શંકાસ્પદની શોધ શરૂ કરાઈ હતી. પૂછપરછ દરમિયાન દિલ્હી પોલીસ પાસેથી જાણવા મળ્યું હતું કે નવાબ અલી નવી દિલ્હીના રૂપનગર પોલીસ મથકમાં નોંધાયેલી એક ગુનામાં વોન્ટેડ છે.
નવાબ અલીને લેવા માટે ગુરુવારે રાત્રે આશરે ૨ વાગ્યે દિલ્હી પોલીસની ટીમ પહોંચી હતી. પૂછપરછ કર્યા બાદ સંબંધિત કેસમાં તેની ધરપકડ કરી હતી.દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, પૂછપરછ દરમિયાન નવાબે પોતાને ગોલ્ડી બરાડ ગેંગનો સભ્ય અને શૂટર હોવાનું જણાવ્યું છે.
મહત્વનું છે કે, કચ્છમાં ઉદ્યોગોના કારણે પરપ્રાંતિય વસ્તી હોવાથી ઘણા ગુનેગારો કચ્છમાં આવીને છુપાઈ જાય છે અને મજુરના વેશમાં કામે લાગી જાય છે. અગાઉ પણ કચ્છમાંથી ગુનાહિત ઈસમો ઝડપાઈ ચુકયા છે. ત્યારે આ વ્યક્તિ કચ્છમાં છુપાવવા માટે આવતો હતો કે કેમ ? તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.
.....................
ગોલ્ડી બરાડ અને લોરેન્સ બિશ્નોઈની જોડી ભારે ચર્ચામાં
ગોલ્ડી બરાડનું મૂળ નામ સતવિંદરસિંહ છે. તેના પિતા
પોલીસમાં સબ-ઇન્સ્પેક્ટર હતા. અભ્યાસ દરમિયાન તેના ચચેરા ભાઈ ગુરલાલ બરાડની ૧૧ ઓક્ટોબર ૨૦૨૦ની રાત્રે ચંડીગઢના ઇન્ડસ્ટ્રીયલ એરિયા ફેઝ-૧માં આવેલા એક ક્લબ બહાર ગોળી મારી હત્યા કરાઈ હતી. ગુરલાલ બરાડ પંજાબ યુનિવર્સિટીનો વિદ્યાર્થી નેતા હતો અને લોરેન્સ બિશ્નોઈનો નજીકનો સાથી હોવાનું જણાવાય છે. ગુરલાલ બરાડ અને લોરેન્સ બિશ્નોઈ બંને પંજાબ યુનિવર્સિટીના સ્ટુડન્ટ ઓર્ગેનાઇઝેશન ઓફ પંજાબ યુનિવર્સિટી સાથે જોડાયેલા હતા. ગુરલાલની હત્યા બાદ લોરેન્સ ગેંગે સોશિયલ મીડિયા પર બદલો લેવાની વાત કરી હતી. ગુરલાલ બરાડની હત્યા બાદ ગોલ્ડી બરાડ ગુનાખોરી તરફ વળ્યો હતો અને જગ્ગુ ભગવાનપુરિયા તથા લોરેન્સ બિશ્નોઈ જેવા ગેંગસ્ટરોના સંપર્કમાં આવ્યો હતો. ત્યારબાદ તેણે અનેક ચર્ચિત લોકોની હત્યાઓ કરી છે. ગોલ્ડી બરાડે સલમાન ખાનને પોતાની ગેંગના નિશાન પર હોવાનો દાવો કર્યો હતો.
પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાની ગોળી મારી હત્યા કરાઈ હતી.

Comments