Trending News
ક્રાઈમ

ભાવનગરના ઝેરી દારૂકાંડમાં ભુજનું કનેક્શન  ઃ મહારાષ્ટ્રના લાતુરથી આરોપી દબોચાયો

02 October



ભુજમાં આઈસ્ક્રીમ પાર્લર ચલાવતો યુવક દારૂના ધંધાર્થીના સંપર્કમાં આવ્યા બાદ ભંગારીયાઓ પાસેથી દારૂની ખાલી બોટલો લઈ માલ ભરતો : ભાવનગરના કેસમાં દારૂના પેકીંગ માટેની સામગ્રી પહોચાડવાની હતી જવાબદારી : પોલીસથી બચવા ઠેકાણા બદલ્યા પણ આઈસ્ક્રીમની ફેકટરીમાંથી જ ઝડપાયો


ભુજ - કચ્છઉદય : ભાવનગરના ખારકડી ગામમાં ઓગસ્ટ-૨૦૨૬માં મીથેનોલયુક્ત ઝેરી દારૂ પીવાથી ૧૩ લોકોનાં મોત થયેલા ચકચારી કાંડમાં કચ્છ કનેક્શન સામે આવ્યું છે. આ કેસમાં રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના મહેંદગઢના ૨૨ વર્ષીય લાદૂરામ ઉર્ફે ગણેશ શ્યામલાલ ખારોલને લાતુરથી ઝડપી લેવાયો છે. ગુજરાત પોલીસની સ્ટેટ મોનિટરિંગ સેલ મુજબ તે કાંડનો સહ-માસ્ટરમાઇન્ડ હતો અને ગેરકાયદે દારૂના પેકિંગ માટે જરૂરી સામગ્રીની વ્યવસ્થા કરતો હતો. ૩૦ સપ્ટેમ્બરે રાજસ્થાન એટીએસની મદદથી તેની 
ધરપકડ કરી ગુજરાત લવાયો હતો. કોર્ટે તેને ૮ ઓક્ટોબર સુધી પોલીસ રિમાન્ડ પર મોકલ્યો છે. આ કેસમાં આ ૪૨મી ધરપકડ હોવાનું પોલીસે જણાવ્યું છે.
પોલીસ તપાસ મુજબ મૂળ ભીલવાડાનો લાદૂરામ વર્ષ ૨૦૧૮માં પિતા સાથે મધ્યપ્રદેશના ધાર ગયો હતો. ત્યારબાદ તેણે ભુજમાં આઇસક્રીમ પાર્લર, વડોદરામાં આઇસક્રીમની લારી અને ગાંધીનગરમાં પાણીપુરીનો વ્યવસાય કર્યો હતો. દરમિયાન ઓછા સમયમાં વધુ રૂપિયા કમાવવાની લાલચમાં તે ભુજના એક મોટા દારૂ તસ્કરના સંપર્કમાં આવ્યો અને ગેરકાયદે અંગ્રેજી દારૂના ધંધામાં પ્રવેશ્યો હોવાનું સામે આવ્યું છે. તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે બ્રાન્ડેડ દારૂની ખાલી બોટલો ભંગારવાળાઓ પાસેથી મેળવી તેમાં નકલી દારૂ ભરી પેકિંગ કરીને બજારમાં સપ્લાય કરવાની કામગીરી સાથે તે જોડાયો હતો. જોકે, ગુજરાત પોલીસની તાજી માહિતી મુજબ ભાવનગર કાંડમાં તેની મુખ્ય ભૂમિકા પેકિંગ માટેની સામગ્રીની વ્યવસ્થા કરવાની હતી. ભાવનગરમાં ઝેરી દારૂ પીધા બાદ લોકોનાં મોત શરૂ થતાં લાદૂરામ ગુજરાતમાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે તેણે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તેલંગાણા સહિતના વિસ્તારોમાં ઠેકાણા બદલ્યા હતા. આખરે મહારાષ્ટ્રના લાતુરમાં આઇસક્રીમ ફેક્ટરીની આડમાં છુપાયો હોવાની માહિતી રાજસ્થાનની તપાસ ટીમને મળતાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં મુખ્ય સૂત્રધાર તરીકે ગૌતમ સોલંકીનું નામ સામે આવ્યું છે. પોલીસના કહેવા મુજબ સોલંકી અને ગણેશ ખારોલ સંપર્કમાં હતા અને ભાવનગરમાં ગેરકાયદે દારૂ તૈયાર કરવાની કામગીરીમાં સંકળાયેલા હતા. ખારોલે પેકિંગ માટે જરૂરી સામગ્રી મેળવવામાં ભૂમિકા ભજવી હતી. 

 

Comments

COMMENT / REPLY FROM