નખત્રાણા તાલુકા કક્ષાના ખેલ મહાકુંભનો સંતકૃપા વિદ્યાલય ખાતે પ્રારંભ
સંતો-મહંતોના આશીર્વાદ સાથે કબડ્ડી સ્પર્ધામાં ૪૫ ટીમો વચ્ચે જામ્યો રોમાંચક મુકાબલો : અંડર-૧૪ અને ૧૭માં યજમાન સંતકૃપા વિદ્યાલયનો દબદબો : ઓપન કેટેગરીમાં બિબ્બર અને જી.એમ.ડી.સી. કોલેજ ચેમ્પિયન
નખત્રાણા - કચ્છઉદય : તાલુકા કક્ષાના ‘ખેલ મહાકુંભ’નો સ્થાનિક સંતકૃપા વિદ્યાલયના રમત - ગમતના મેદાન ખાતે અત્યંત ઉત્સાહસભર વાતાવરણમાં ભવ્ય પ્રારંભ થયો હતો. રવિભાણ આશ્રમ વિરાણીના મહંત પૂજ્ય સરયુદાસજી બાપુ તેમજ મોરઝર અખાડાના મહંત પૂજ્ય દિલીપ રાજા કાપડીએ ખેલાડીઓને આશીર્વચન પાઠવી ખેલદિલીપૂર્વક શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
ઉદ્ઘાટન બી.આર.સી. કો-ઓર્ડિનેટર રામુભા જાડેજા, સી.આર.સી. કો.ઓ યોગેશભાઈ પટેલ તેમજ યજમાન સંતકૃપા વિદ્યાલયના આચાર્ય વિપુલભાઈ ધોળું ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય અને પ્રોત્સાહક ઉદ્બોધન સાથે તાલુકા કક્ષાના ખેલ મહાકુંભને વિધિવત રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. સંચાલન કન્વીનર તરીકે શંકરસિંહ સોઢા અને તેમની સાથે અનિલભાઈ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.
કબડ્ડી સ્પર્ધામાં અંડર-૧૪, અંડર-૧૭ તેમજ ઓપન કેટેગરીમાં ભાઈઓ અને બહેનોની મળીને તાલુકાભરમાંથી ૪૫ જેટલી ટીમોએ ભાગ લીધો હતો. અંડર-૧૪ (ભાઈઓ અને બહેનો વિભાગ) યજમાન સંતકૃપા વિદ્યાલયની ટીમો વિજેતા બની ચેમ્પિયન ટ્રોફી પોતાના નામે કરી હતી. અંડર-૧૭ (ભાઈઓ અને બહેનો વિભાગ) સંતકૃપા વિદ્યાલયે ઉત્કૃષ્ટ પ્રદર્શન દાખવી ચેમ્પિયનશીપ હાંસલ કરી હતી. ઓપન વિભાગ (ભાઈઓ) બિબ્બરની ટીમે શાનદાર રમત દાખવી પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ઓપન વિભાગ (બહેનો)માં જી.એમ.ડી.સી. કોલેજની ટીમ ચેમ્પિયન જાહેર થઈ હતી.
સ્પર્ધામાં ડો. વિપુલ કે. મોદી, નિલેશકુમાર એ. પટેલ, સરોજબેન પટેલ, રણવીરસિંહ સોઢા, માલાભાઈ રબારી, વિક્રમસિંહ, રાજેન્દ્રસિંહ, જગદીશ રબારી,પ્રવિણસિંહ તેમજ પાયલબાએ રેફરી તરીકે તટસ્થ સેવાઓ આપી સમગ્ર આયોજનને સફળ બનાવ્યું હતું. સ્પર્ધાના અંતે ઉપસ્થિત અગ્રણીઓ, મહાનુભાવો અને શાળા પરિવાર દ્વારા વિજેતા તથા સહભાગી ટીમોને અભિનંદન પાઠવી આગામી જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
-----

Comments