બે આરોપી મુદ્દામાલ સાથે ઝડપાયા : ૮૬ હજારનો મુદ્દામાલ કબ્જે
ભુજ - કચ્છઉદય : પશ્ચિમ કચ્છની લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જખૌ મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કોપર વાયરની ચોરીના વણશોધાયેલ ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.
એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. મકવાણા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.બી. જાદવ અને એમ.એચ. શીણોલના માર્ગદર્શન મુજબ એલસીબીની ટીમ અબડાસા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. પેટ્રોલિંગ દરમિયાન ટીમ સિંધોડી મોટી ગામના બસ સ્ટેશન નજીક પહોંચી ત્યારે એએસઆઈ વિકેશભાઈ રાઠવા અને હેડ કોન્સ્ટેબલ લાખાભાઈ રબારીને ચોક્કસ બાતમી મળી હતી કે આરીખણા ગામના વસંત મુરજી કોલી (ઉં.વ. ૨૧) અને સુથરી ગામના આરિફ નુરમામદ સાટી (ઉં.વ. ૨૬)એ એક દિવસ પહેલાં સિંધોડી મોટી ગામની પશ્ચિમ દિશાની સીમમાં આવેલી પવનચક્કીમાંથી કોપર વાયરવાળા બસબારની ચોરી કરી હતી. બાતમી મુજબ બંને આરોપીઓ ચોરી કરેલા મુદ્દામાલ સાથે સિંધોડીથી વાંકુ ગામ તરફ જતા માર્ગ પાસે બાવળની ઝાડીમાં છુપાયા હોવાની માહિતી મળતા પોલીસે ત્યાં તપાસ કરી બંનેને ઝડપી લીધા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી અંદાજે ૭૦ કિલોગ્રામ વજનના કોપર વાયરના ટુકડા કિંમત રૂ. ૫૬,૦૦૦, ચોરીના માલની હેરફેરમાં વપરાયેલી મોટરસાઈકલ નંબર જીજે ૧૨-બીકે ૯૩૯૪ કિંમત રૂ. ૩૦,૦૦૦ તેમજ ચોરીમાં ઉપયોગમાં લેવાયેલા એક ડિસમિસ અને એક ઇલેક્ટ્રિક પકડ મળી કુલ રૂ. ૮૬,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આ મામલે બંને આરોપીઓની અટકાયત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરીમાં પીઆઈ એ.એમ. મકવાણા, પીએસઆઈ જે.બી. જાદવ, પીએસઆઈ એમ.એચ. શીણોલ, એએસઆઈ વિકેશભાઈ રાઠવા, હેડ કોન્સ્ટેબલ લાખાભાઈ રબારી અને પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ ગઢવી જોડાયા હતા.

ટિપ્પણીઓ
હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.