કેન્દ્ર સરકારનો આભાર માનતા સાંંસદ વિનોદભાઇ ચાવડા
ભુજ - કચ્છઉદય : અમૃતસર-જામનગર ઈકોનોમિક કોરિડોર અંતર્ગત ગુજરાત રાજ્યના મોરબી જિલ્લામાં માળિયા અને પીપળીયા વચ્ચેના નેશનલ હાઈવે-૧૫૧એના ૨૪.૫૧ કિલોમીટરના મહત્વપૂર્ણ મિસિંગ લિંકના અપગ્રેડેશન માટે ભારત સરકાર દ્વારા રૂ. ૧,૧૮૨.૪૦ કરોડના ખર્ચે મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયને સાંસદ વિનોદભાઈ ચાવડાએ આવકારી કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
વિનોદભાઈએ જણાવ્યું હતું કે, દેશના સર્વાંગી વિકાસ અને આર્થિક પ્રગતિમાં માળખાગત સુવિધાઓનું વિશેષ મહત્ત્વ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં રોડ અને હાઈવેના નેટવર્કને વધુ સુદ્રઢ અને આધુનિક બનાવવા માટે અભૂતપૂર્વ કામગીરી કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે ગુજરાતમાં પણ રાષ્ટ્રીય ધોરીમાર્ગોના વિકાસને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. અમૃતસર-જામનગર ઈકોનોમિક કોરિડોરનો આ મહત્વપૂર્ણ માર્ગ વિકસિત થવાથી મોરબી સહિત સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોને વધુ સારી રોડ કનેક્ટિવિટી મળશે. આ ઉપરાંત ઉદ્યોગો, વેપાર-ધંધા, પરિવહન અને લોજિસ્ટિક્સ ક્ષેત્રને વેગ મળશે તથા સ્થાનિક રોજગારી અને આર્થિક વિકાસની નવી તકોનું નિર્માણ થશે. ખાસ કરીને મોરબીના સિરામિક ઉદ્યોગ સહિત સમગ્ર વિસ્તારના વેપાર-ઉદ્યોગ માટે આ માર્ગ અત્યંત ઉપયોગી સાબિત થશે. માલસામાનની હેરફેર વધુ ઝડપી, સરળ અને સુગમ બનશે, જેના પરિણામે સમગ્ર વિસ્તારના વિકાસને નવી દિશા મળશે. આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટને મંજૂરી આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિનભાઈ ગડકરી તથા માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયનો આભાર માન્યો હતો. આ પ્રોજેક્ટ ગુજરાતના માળખાગત વિકાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે અને વિકસિત ગુજરાત તથા વિકસિત ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવશે.

ટિપ્પણીઓ
હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.