જિલ્લાના ધોરીમાર્ગો પર કાળચક્ર ફરી વળ્યા બાદ અને ત્રણ દિવસમાં ૧૧ જિંદગીઓ હોમાયા બાદ તંત્ર જાગ્યું : કલેક્ટર કચેરી પાસે સઘન ચેકિંગ હાથ ધરાતા ઓવરલોડ અને ખાનગી પેસેન્જર વાહનચાલકોમાં ફફડાટ
ભુજ - કચ્છઉદય : પશ્ચિમ કચ્છના માર્ગો જાણે રક્તરંજિત બન્યા હોય તેમ છેલ્લા માત્ર ત્રણ જ દિવસના ટૂંકા ગાળામાં માર્ગ અકસ્માતના બે અત્યંત ગંભીર અને ગોઝારા બનાવોમાં કુલ ૧૧ નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ હૃદયદ્રાવક ઘટનાઓને પગલે સમગ્ર કચ્છભરમાં ભારે શોક અને હાહાકાર ફેલાયો છે. ત્યારે હવે બેફામ બનેલા વાહનચાલકોને નાથવા અને અકસ્માતોની વણઝાર અટકાવવા પોલીસ તંત્ર દ્વારા કડક વલણ અપનાવી નિયમોનો ભંગ કરીને દોડતા વાહનો સામે સપાટો બોલાવવામાં આવ્યો છે. બોર્ડર રેન્જ આઈ.જી.પી. અને પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકની કડક સૂચનાને પગલે સમગ્ર જિલ્લામાં ખાસ ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે આજરોજ ભુજ શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના કાફલા દ્વારા ભુજની કલેક્ટર કચેરી નજીક સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ખાસ કરીને ભુજથી નલિયા, માંડવી, મુન્દ્રા, નખત્રાણા અને લખપત તરફ અવરજવર કરતા તમામ નાના-મોટા વાહનોને રોકીને તપાસ કરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન નિયમોને નેવે મૂકીને ક્ષમતા કરતા વધુ મુસાફરો (ઓવરલોડ) ભરીને દોડતા ખાનગી પ્રવાસી વાહનો, બસો અને માલવાહક વાહનો સામે પોલીસે લાલ આંખ કરી કડક દંડનીય અને કાયદેસરની કાર્યવાહી કરતા નિયમભંગ કરનાર વાહનચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.
આ કાર્યવાહી અંગે ભુજ શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રી નકુમે કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે, શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકને અડચણરૂપ બનતા વાહનો ઉપરાંત ઓવરલોડ મુસાફરોની હેરાફેરી કરતા વાહનો સામે કોઈ પણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. ટ્રાફિક એક્ટ હેઠળ લાયસન્સ વગર વાહન ચલાવવું, કાચ પર બ્લેક ફિલ્મ લગાવવી, નિર્ધારિત ગતિ મર્યાદા કરતા વધુ ઝડપે (ઓવરસ્પીડ) વાહન હંકારવું તેમજ નંબર પ્લેટ વગરના વાહનો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
વધુમાં પી.આઈ. શ્રી નકુમે સ્પષ્ટ કર્યું હતું કે, આ ઝુંબેશ માત્ર એક દિવસ પૂરતી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર જિલ્લામાં દરેક પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા પોતાના વિસ્તારના ભારે ટ્રાફિકવાળા માર્ગો અને જ્યાં અકસ્માતો વધુ સર્જાય છે તેવા એક્સિડન્ટ પ્રોન ઝોન વિસ્તારોમાં સતત ચેકિંગ ચાલુ રાખવામાં આવશે. વાહનોના તમામ જરૂરી દસ્તાવેજો અને કાયદાકીય જોગવાઈઓની ચકાસણી કરી, નિયમભંગ કરનાર તત્વો સામે કાયદેસરનો કોરડો વીંઝવામાં આવશે, જેથી લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને કોઈ નિર્દોષ માનવીની જિંદગી જોખમમાં ન મુકાય.
.......

ટિપ્પણીઓ
હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.