ભુજ - કચ્છઉદય : વેકરીયા ના રણ પાસે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં સાત લોકોના મોતના અહેવાલની હજુ શાહી પણ સુકાઈ નથી ત્યાં કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલા હાજીપીર રોડ પર ઢોરોથી વજીરા વાંઢ તરફ જતા માર્ગ પર એક કિલોમીટરના અંતરે આજે બપોરે અત્યંત કરુણ અને ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. માર્ગની બાજુમાં ચાલી રહેલા કામ દરમિયાન ઉભેલા ટ્રેક્ટરને કોઈ મોટા વાહને જોરદાર ટક્કર મારતાં ટ્રેક્ટર નીચે દબાઈ જવાથી ત્રણ શ્રમિકોને અતિ ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે અન્ય બેથી ત્રણ લોકોને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે.
પ્રાથમિક વિગતો મુજબ ઈજાગ્રસ્ત તમામ લોકો રોડ પર મજૂરી કામ કરતા પરપ્રાંતીય શ્રમિકો હોવાનું જણાય છે, અકસ્માત સર્જાતા જ ઘટનાસ્થળે લોકોની ચીસાચીસથી વાતાવરણ ગમગીન બની ગયું હતું અને આસપાસના સ્થાનિક લોકોએ તાત્કાલિક દોડી આવીને દબાયેલા અને ગંભીર રીતે ઘાયલ થયેલા શ્રમિકોને બચાવવા ભારે જહેમત ઉઠાવી હતી.
બનાવની જાણ થતાં સ્થાનિક લોકોએ તુરંત ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી, પરંતુ અંદાજે ૪૫ મિનિટ સુધી ૧૦૮ ઘટનાસ્થળે ન પહોંચી શકતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો, જ્યારે પોલીસની ૧૧૨ની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. ઈજાગ્રસ્ત્રોને ખાનગી વાહનો મારફતે નખત્રાણા ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં જ વેકરીયા રણ વિસ્તાર પાસે સર્જાયેલા અકસ્માતમાં સાત લોકોના મોત થયાની ઘટનાની શાહી હજી સુકાઈ નથી, ત્યાં કચ્છના માર્ગો ફરી એક વખત રક્તરંજિત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે.

ટિપ્પણીઓ
હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.