અબડાસા પંથકને મળ્યું ગૌરવભર્યું પ્રતિનિધિત્વ : નલિયા સહિત ગામોમાં ખુશીની લાગણી
નલિયા-કચ્છઉદય : કચ્છ જિલ્લા સંઘની ચૂંટણીમાં અબડાસા તાલુકાના નલિયા નિવાસી હકુમતસિંહ જુવાનસિંહ જાડેજાની બિનહરીફ વરણી થતાં અબડાસા પંથકમાં આનંદની લાગણી ફેલાઈ છે. સ્વ. જાડેજા જુવાનસિંહ હમીરજીના સુપુત્ર હકુમતસિંહ જાડેજાને સંઘમાં મહત્વની જવાબદારી મળતાં નલિયા સહિત આસપાસનાં ગામોના લોકોમાં ખુશી અને ગૌરવનો માહોલ જોવા મળી રહ્યો છે.
કચ્છ જિલ્લા સંઘમાં બિનહરીફ પસંદગી પામવી એ અબડાસા વિસ્તાર માટે નોંધપાત્ર બાબત બની છે. આ વરણીથી સ્થાનિક આગેવાનો, ગ્રામજનો અને શુભેચ્છકોએ હકુમતસિંહ જાડેજાને અભિનંદન પાઠવ્યા છે. સંઘની કામગીરીને વધુ અસરકારક બનાવવા, વિકાસલક્ષી પ્રવૃત્તિઓને પ્રાધાન્ય આપવા તેમજ વિસ્તારના હિતને વાચા આપવા તેઓ સક્રિય ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે. નલિયા અને અબડાસા પંથકના લોકોમાં આ પસંદગીને લઈને વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવી જવાબદારી સાથે હકુમતસિંહ જાડેજા સંઘની પ્રગતિમાં યોગદાન આપે અને કચ્છના સહકારી ક્ષેત્રને નવી ઊંચાઈએ લઈ જાય તેવી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.

ટિપ્પણીઓ
હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.