રોયલ્ટી પાસમાં દર્શાવેલા જથ્થા કરતાં વધુ સાદી માટીનું વહન કરતા રૂા. ૧.૫૦ કરોડનો મુદામાલ જપ્ત
ભુજ-કચ્છઉદય : કચ્છમાં ગેરકાયદેસર ખનન અને ખનિજોના નિયમવિરોધી વહન સામે ખાણ-ખનિજ વિભાગે કાર્યવાહી તેજ બનાવી છે. ભુજ તાલુકાના રેલડી મોટી વિસ્તારમાં હાથ ધરાયેલી તપાસ દરમિયાન રોયલ્ટી પાસમાં દર્શાવેલી મર્યાદા કરતાં વધુ સાદી માટીનું વહન કરતા છ વાહનો પકડાયા હતા. વિભાગે તમામ વાહનો સહિત અંદાજે રૂા. ૧.૫૦ કરોડનો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવાસિયાના માર્ગદર્શન અને ભૂસ્તરશાસ્ત્રી ડી. એસ. બારિયાના નેતૃત્વ હેઠળ ભૂસ્તરશાસ્ત્રીની કચેરી, કચ્છ પશ્ચિમ દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન રોયલ્ટી પાસમાં નોંધાયેલા જથ્થા કરતાં વધુ ખનિજનું વહન થતું હોવાનું સામે આવતાં છ વાહનોને અટકાવી કાર્યવાહી કરવામાં આવી હતી. પકડાયેલા તમામ વાહનોને આગળની કાયદેસરની કાર્યવાહી માટે પધ્ધર પોલીસ મથકે જમા કરાવવામાં આવ્યા છે. પકડાયેલા વાહનોમાં જીજે-૩૯-ટી-૩૭૭૮, જીજે-૩૯-ટીએ-૦૦૮૬, જીજે-૩૯-ટી-૦૯૮૪, જીજે-૩૯-વી-૦૭૯૨, જીજે-૩૯-ટી-૦૮૪૩ અને જીજે-૩૯-ટી-૩૭૨૩નો સમાવેશ થાય છે.
ખનિજ સંપત્તિનું રક્ષણ કરવા તેમજ ગેરકાયદેસર ખનન અને વહન પર નિયંત્રણ લાવવા વિભાગ દ્વારા હવે તપાસનો વ્યાપ વધારવાનો નિર્ણય લેવાયો છે. ભુજ, માંડવી, નખત્રાણા, લખપત અને અબડાસા સહિત કચ્છ પશ્ચિમના પાંચેય તાલુકાઓમાં આકસ્મિક તપાસ અને દેખરેખ રાખવામાં આવશે. ખનિજ નિયમોનો ભંગ કરનારાઓ સામે કોઈ પણ પ્રકારની બાંધછોડ વિના નિયમોનુસાર કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ વિભાગે સ્પષ્ટ કર્યું છે.

ટિપ્પણીઓ
હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.