કચ્છના કુદરતી સૌંદર્ય, ઐતિહાસિક ધરોહર અને પર્યાવરણના સંરક્ષણ માટે વિશેષ અભિયાન શરૂ કરવા સાંસદ વિનોદભાઇ દ્વારા રજૂઆત
ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લો પોતાની આગવી ભૌગોલિક વિશેષતાઓ, સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો, ઐતિહાસિક ધરોહર અને અદભુત કુદરતી સૌંદર્યને કારણે દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ખાસ કરીને વિશ્વવિખ્યાત સફેદ રણ ધરાવતા ધોરડો, યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે સ્થાન પામેલી પ્રાચીન હડપ્પીય સંસ્કૃતિની નગરી ધોળાવીરા અને ધોળાવીરાને જોડતો અદભુત ’રોડ ટુ હેવન’ આજે ગુજરાતના પ્રવાસન ક્ષેત્રની આગવી ઓળખ બની ચૂક્યા છે.
આ પ્રવાસન સ્થળોએ દર વર્ષે મોટી સંખ્યામાં દેશ-વિદેશના પ્રવાસીઓ મુલાકાતે આવે છે. જોકે, પ્રવાસીઓની વધતી સંખ્યા સાથે પ્લાસ્ટિકની થેલીઓ, પાણીની બોટલો, ખાદ્ય પદાર્થોના પેકિંગ મટિરિયલ અને અન્ય કચરાના કારણે આ વિસ્તારોની સ્વચ્છતા, કુદરતી સુંદરતા, વન્યજીવ સૃષ્ટિ તથા ઐતિહાસિક ધરોહરને નુકસાન થવાની શક્યતાઓ વધી રહી છે. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીનેધોરડો (સફેદ રણ), ધોળાવીરા તથા સમગ્ર ’રોડ ટુ હેવન’ વિસ્તારને તબક્કાવાર પ્લાસ્ટિક મુક્ત પ્રવાસન વિસ્તાર તરીકે જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. આ માટે પ્રવાસન સ્થળોએ પૂરતી સંખ્યામાં કચરાપેટીઓ, પ્લાસ્ટિક કચરાના સંગ્રહ કેન્દ્રો અને કચરાના વૈજ્ઞાનિક નિકાલની વ્યવસ્થા ઊભી કરવી જરૂરી છે. સાથે જ સ્થાનિક ગ્રામ પંચાયતો, પ્રવાસન વિભાગ, વન વિભાગ, વેપારીઓ, હોટેલ સંચાલકો, સ્થાનિક સ્વસહાય જૂથો અને પ્રવાસીઓની સહભાગિતાથી વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી છે.
પ્રવાસીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે તે માટે પ્રવેશદ્વારો, પાર્કિંગ સ્થળો અને મુખ્ય પ્રવાસન સ્થળોએ પ્લાસ્ટિક મુક્ત વિસ્તાર અંગેના સૂચના બોર્ડ લગાવવા, સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને નિયંત્રિત કરવા તથા સ્થાનિક યુવાનો અને સ્વસહાય જૂથોને જોડીને પ્લાસ્ટિક કચરાના વ્યવસ્થાપન અને સ્વચ્છતા જાળવણીની રોજગારીલક્ષી વ્યવસ્થા વિકસાવવા પણ સૂચન કરવામાં આવ્યું છે.વૈશ્વિક સ્તરે કચ્છને પ્રવાસન ક્ષેત્રે પ્રસિધ્ધ કરનાર યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીના પ્લાસ્ટિક મુક્ત ભારત ના સ્વપ્ન ને સિધ્ધ કરવા. આ સમગ્ર અભિયાનનું અસરકારક અમલીકરણ થાય અને સ્વચ્છતાની કામગીરી સતત ચાલુ રહે તે માટે જિલ્લા વહીવટી તંત્રના નેજા હેઠળ વિશેષ સમિતિની રચના કરી નિયમિત દેખરેખ અને મૂલ્યાંકનની વ્યવસ્થા ઊભી કરવાની સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા માંગ કરવામાં આવી છે. કચ્છના આ અમૂલ્ય પ્રવાસન સ્થળોને પ્લાસ્ટિક અને કચરા મુક્ત બનાવવાની પહેલ માત્ર સ્વચ્છતા પૂરતી મર્યાદિત નથી, પરંતુ આવનારી પેઢીઓ માટે કુદરતી સંપદા, વન્યજીવ સૃષ્ટિ અને ઐતિહાસિક ધરોહરનું જતન કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. કચ્છને સ્વચ્છ, સુંદર અને પર્યાવરણલક્ષી પ્રવાસનનું શ્રેષ્ઠ ઉદાહરણ બનાવવા માટે આ પ્રસ્તાવને પ્રાથમિકતા આપી સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપવા અને વહેલી તકે નક્કર કાર્યવાહી હાથ ધરવા જિલ્લા વહીવટી તંત્ર તથા રાજ્ય સરકાર સમક્ષ નમ્ર અપીલ કરવામાં આવી છે.

ટિપ્પણીઓ
હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.