૧ ડિસે.થી સેવાદૂત અભિયાનનો ધમધમાટ
દરેક વિધાનસભા ક્ષેત્રમાં સંગઠનની સક્રિયતા, સ્થાનિક સમસ્યાઓ અને મતદારોના મિજાજનો સીધો તાગ મેળવવો : કાર્યકરો અને જનતા સાથે સંવાદ : ચૂંટણીલક્ષી રિપોર્ટ તૈયાર કરવો
’
ભુજ : ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીની તૈયારીઓને વેગ આપવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર રાજ્યમાં ’સેવાદૂત અભિયાન’ શરૂ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત રાજ્યની તમામ ૧૮૨ વિધાનસભા બેઠકો પર બે-બે સિનિયર નેતાઓને ’સેવાદૂત’ તરીકે મોકલવામાં આવશે, જે મુજબ કચ્છ જિલ્લાની તમામ ૬ વિધાનસભા બેઠકો પર કુલ ૧૨ સિનિયર નેતાઓ સ્થાનિક સ્તરે જવાબદારી સંભાળશે.જાણકારોના મતે ૧ થી ૨૫ ડિસેમ્બર સુધી વિશેષ અભિયાન ચાલશે. પક્ષની વિશેષ બેઠકમાં ઘડાયેલી રણનીતિ મુજબ, આ અભિયાન ૧ ડિસેમ્બરથી ૨૫ ડિસેમ્બર એમ કુલ ૨૫ દિવસ સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન કચ્છની અબડાસા, માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ અને રાપર વિધાનસભા બેઠકો પર નિયુક્ત કરાયેલા સેવાદૂતો જે-તે વિસ્તારનો સઘન પ્રવાસ કરશે. અભિયાનના મુખ્ય ઉદ્દેશ્યોની વાત કરીએ તો દરેક વિધાનસભા ક્ષેત્રમાં
સંગઠનની સક્રિયતા, સ્થાનિક સમસ્યાઓ અને મતદારોના મિજાજનો સીધો તાગ મેળવવો.સરહદી અને દરિયાકાંઠાના ગ્રામીણ વિસ્તારોથી લઈને ઔદ્યોગિક તથા શહેરી વિસ્તારોમાં
પક્ષના કાર્યકરો અને સ્થાનિક નાગરિકો સાથે સીધો સંપર્ક સાધવો. ૨૫ દિવસના અભિયાન બાદ તમામ સેવાદૂતો દરેક બેઠકની રાજકીય પરિસ્થિતિનો
વિસ્તૃત અહેવાલ પ્રદેશ નેતૃત્વને સુપરત કરશે, જેના આધારે આગામી ચૂંટણી માટેની રણનીતિ ઘડવામાં આવશે.કચ્છ જિલ્લાની ભૌગોલિક વિશાળતા અને વિવિધતાને ધ્યાનમાં રાખીને ’સેવાદૂત અભિયાન’ દ્વારા તમામ ૬ બેઠકો પર સંગઠનને વધુ મજબૂત બનાવવા અને જનતાના પ્રશ્નોને વાચા આપવા માટે પક્ષ દ્વારા કવાયત તેજ કરવામાં આવી છે.

ટિપ્પણીઓ
હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.