અદાલતી કેસો ઉપરાંત ટ્રાફિકના બાકી દંડ સહિતના વિવાદોનો સમજૂતીથી નિકાલ કરવાની તક
ભુજ-કચ્છઉદય : કચ્છ જિલ્લાના નાગરિકોને લાંબા સમયથી ચાલતા કાનૂની વિવાદોનો સરળતાથી અને પરસ્પર સમજૂતીથી ઉકેલ મેળવવાની તક મળવા જઈ રહી છે. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ, નવી દિલ્હી તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ આગામી ૧૨ ડિસેમ્બર, ૨૦૨૬ના શનિવારે કચ્છ જિલ્લાની તમામ અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે વિશેષ મેજિસ્ટ્રેટ બેઠક પણ યોજાશે.આ લોક અદાલતમાં અદાલતોમાં અગાઉથી ચાલી રહેલા સમાધાન થઈ શકે તેવા સિવિલ તેમજ ફોજદારી કેસોનો સમાવેશ કરવામાં આવશે. જેમાં સમાધાનપાત્ર ફોજદારી ગુનાઓ, જમીન સંપાદન વળતર, નેગોશિયેબલ ઇન્સ્ટ્રૂમેન્ટ એક્ટ, ગ્રાહક તકરાર, બેંક વસૂલાત, વીજ કંપનીના વિવાદો, મજૂર સંબંધિત પ્રશ્નો, મોટર અકસ્માત વળતર, લગ્નવિષયક તકરારો અને અન્ય દિવાની કેસોનો પરસ્પર સંમતિથી નિકાલ કરવામાં આવશે.
આ ઉપરાંત હજુ સુધી અદાલત સુધી ન પહોંચેલા વિવાદો માટે પણ પૂર્વ-મુકદ્દમા તબક્કાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમાં બેંક લેણાં, ચેક પરત થવાના કિસ્સા, મજૂર વિવાદો તેમજ વીજળી અને પાણીનાં બાકી લેણાં જેવા પ્રશ્નોનો સમાવેશ થશે. વાહન અકસ્માત વળતરના કેસોનો ઝડપી ઉકેલ લાવવા લોક અદાલત પહેલાં ખાસ પૂર્વ સમાધાન બેઠકો પણ યોજવામાં આવી છે.બીજી તરફ, ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહનચાલકોને તેમના બાકી દંડ અંગે નોટિસ પાઠવવામાં આવશે. કચ્છ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળની ટીમ દ્વારા ભુજ તથા ગાંધીધામના પોલીસ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની ટીમ સાથે સંકલન કરીને ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા વાહનોની વિગતોના આધારે ચલણની કાર્યવાહી કરવામાં આવી છે. આવા વાહનચાલકોને બાકી દંડની રકમ સમયસર ભરપાઈ કરવા અપીલ કરવામાં આવી છે. ચલણ અને દંડની વિગત મેળવવા વાહનચાલકો નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ અથવા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, જિલ્લા ન્યાયાલય, કચ્છ-ભુજનો સંપર્ક કરી શકશે.લોક અદાલત અંગે વધુ માહિતી માટે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, જિલ્લા ન્યાયાલય, કચ્છ-ભુજના ફોન નંબર ૦૨૮૩૨-૨૫૪૯૭૦ પર સંપર્ક કરી શકાશે. ઉપરાંત રાપર, ભચાઉ, ગાંધીધામ, અંજાર, ભુજ, નખત્રાણા, દયાપર, નલિયા, માંડવી અને મુંદ્રાની તાલુકા અદાલતો ખાતે કાર્યરત તાલુકા કાનૂની સેવા સમિતિનો પણ સંપર્ક કરી શકાશે. લોક અદાલતનો લાભ લઈ નાગરિકો સમય અને ખર્ચ બચાવી પરસ્પર સહમતિથી પોતાના વિવાદોનો ઉકેલ મેળવી શકશે.

ટિપ્પણીઓ
હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.