ટેકનિકલ સર્વેલન્સ અને ટોલ પ્લાઝાના વિશ્લેષણ બાદ પશ્ચિમ કચ્છ પેરોલ ફર્લો સ્કોડની સફળ કામગીરી
ભુજ - કચ્છઉદય : પશ્ચિમ કચ્છ ભુજ પોલીસના પેરોલ ફર્લો સ્કોડે પાંચ વર્ષથી ફરાર રહેલા ઈનામી આરોપી સુખજિંદર ઉર્ફે સુખી હજુરા સિંહને રાજસ્થાનના જોધપુર ખાતેથી ઝડપી પાડી મહત્ત્વપૂર્ણ સફળતા મેળવી છે. માંડવીના રહેવાસી એવા આ આરોપી સામે માંડવી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે. આ ગંભીર ગુનામાં પાલારા જેલમાં કેદી તરીકે રહેલા સુખજિંદરને ૨૮ જૂન, ૨૦૨૧ના રોજ ૧૫ દિવસની રજા મંજૂર થઈ હતી, જે બાદમાં ૨૦ દિવસ લંબાવાતાં કુલ ૩૫ દિવસની રજા પૂર્ણ થયા બાદ ૨ ઓગસ્ટ, ૨૦૨૧ના રોજ તે રજા પરથી ફરાર થઈ ગયો હતો.નાયબ પોલીસ અધિક્ષક વિશ્વા શાહના જણાવ્યા મુજબ, ફરાર આરોપીને પકડવા માટે પેરોલ ફર્લો સ્કોડે સઘન અને વ્યવસ્થિત ટેકનિકલ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ટીમને આરોપીનો જૂનો વોટ્સએપ નંબર હાથ લાગ્યો હતો, જેના આધારે તેના જીમેઈલ આઈડીની વિગતો મેળવવામાં આવી હતી. જીમેઈલ આઈડી પરથી પ્રાપ્ત થયેલા આઈપી એડ્રેસના આધારે આઈપીડીઆર મંગાવી ઝીણવટભર્યું વિશ્લેષણ કરતાં બે મોબાઈલ નંબર મળી આવ્યા હતા. ત્યારબાદ આ બંને મોબાઈલ નંબરના સીડીઆરનું વિશ્લેષણ કરીને આરોપીની અવરજવરનો માર્ગ નક્કી કરવામાં આવ્યો હતો.વિશ્લેષણમાં એ બાબત સ્પષ્ટ થઈ હતી કે આરોપી પંજાબથી રાજસ્થાન તરફ અને ખાસ કરીને જોધપુર સુધી નિયમિત અવરજવર કરે છે. આ માર્ગ પર આવેલા તમામ ટોલ પ્લાઝાની માહિતી મેળવી તેનું વિશ્લેષણ કરતાં એક બ્રેઝા કારના નંબર પ્લેટની વિગતો પોલીસને મળી હતી. દરમિયાન ગઈકાલે એક ફોન નંબર પરથી આરોપીનું ચોક્કસ લોકેશન મળતાં પશ્ચિમ કચ્છ પેરોલ ફર્લો સ્કોડની ટીમે જોધપુર જિલ્લાના બાલેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અંકોલાઈ ગામની ’માં નાગરેચા હોટલ’માંથી તેને દબોચી લીધો હતો. આરોપી અગાઉ આર્મ્સ એક્ટ અને હત્યાના કેસમાં પકડાઈ ચૂક્યો છે તેમજ તેની સામે પ્રોહિબિશનનો જૂનો ગુનો પણ નોંધાયેલો છે. ધરપકડ કરાયેલા આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે પાલારા ખાસ જેલમાં સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

ટિપ્પણીઓ
હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.