૧૧ વાહનો, ૧ હિટાચી મશીન ઝડપાયું; ૩.૨૫ કરોડનો મુદ્દામાલ જપ્ત
* ખાનગી બાતમીના આધારે ફ્લાઈંગ સ્ક્વોર્ડની ટીમે મોડી રાત્રે સફળ ઓપરેશન પાર પાડ્યું.
* ૧૧ ખાલી ડમ્પરો-વાહનો અને એક હિટાચી મશીન કબજે કરી ગાગોદર પોલીસ મથકે સોંપાયા.
* ચોરી થયેલા ખનીજનો આંકડો કાઢવા ખાડાઓની માપણી અને સર્વેની કામગીરી તેજ.
* ફ્લાઈંગ સ્ક્વોર્ડની કડક અને સતર્ક કામગીરીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો.
ગાંધીધામ : પૂર્વ કચ્છના ગાગોદર પટ્ટામાં બેરોકટોક ચાલી રહેલી ચાઈનાક્લેની ગેરકાયદેસર ખનીજચોરી સામે ખાણખનિજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોર્ડે મોડી રાત્રે લાલ આંખ કરી મોટો સપાટો બોલાવ્યો છે. ફ્લાઈંગ સ્ક્વોર્ડના અધિકારી શ્રી મેહુલ શાહના કુશળ માર્ગદર્શન હેઠળ તેમની સમગ્ર ટીમે ચોક્કસ ખાનગી બાતમીના આધારે અત્યંત ગુપ્તતાપૂર્વક ગાગોદર વિસ્તારમાં તપાસ તવાઈ બોલાવી હતી. આ દરોડા દરમિયાન સ્થળ પરથી ૧૧ જેટલા ખાલી વાહનો-ડમ્પરો અને એક હિટાચી મશીન સહિત અંદાજે રૂ. ૩.૨૫ કરોડની કિંમતનો જંગી મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.ફ્લાઈંગ સ્ક્વોર્ડની ટીમ દ્વારા સ્થળ પર કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં અહીં મોટા પાયે ચાઈનાક્લેનું ગેરકાયદેસર ખોદકામ અને ખનીજચોરી થતી હોવાનું સ્પષ્ટપણે ફલિત થયું છે. રાત્રિના અંધારામાં ખનીજચોરીના નેટવર્કને ઝડપી પાડવા માટે મેહુલ શાહ અને તેમની ટીમે દાખવેલી સતર્કતા અને ઝડપી કામગીરીની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે. તંત્રની આ કડક કાર્યવાહીને પગલે સમગ્ર પંથકના ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.દરોડા બાદ જપ્ત કરવામાં આવેલા તમામ ૧૧ વાહનો અને હિટાચી મશીનનો કબજો કાયદેસરની કાર્યવાહી અર્થે હાલ ગાગોદર પોલીસ મથકે સોંપવામાં આવ્યો છે. બીજી તરફ, આ સ્થળેથી અત્યાર સુધીમાં કેટલા પ્રમાણમાં ચાઈનાક્લેની ચોરી કરવામાં આવી છે તેનો ચોક્કસ અંદાજ મેળવવા માટે ખાણખનિજ વિભાગની ટીમ દ્વારા ખાડાઓની માપણી અને સર્વે સહિતની કામગીરીનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.આ સમગ્ર ગેરકાયદેસર ખનીજચોરી કોના દ્વારા કરવામાં આવી રહી હતી અને આ કૌભાંડ પાછળ કયા મોટા માથાઓનો ઈશારો છે, તે સહિતની તમામ વિગતો વિભાગની ઊંડાણપૂર્વકની તપાસ અને માપણી પૂર્ણ થયા બાદ બહાર આવશે.

ટિપ્પણીઓ
હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.