જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા અને જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતનાના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ અભિયાનની કામીગીરી : મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના કચેરીની આરોગ્ય ટીમો દ્વારા પીવાના પાણી, ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાની ઝીણવટભરી તપાસ કરાઈ
ભુજ - કચ્છઉદય : જાહેર આરોગ્યનું જતન, નાગરિકોની સલામતી અને કચ્છની મુલાકાતે પધારતા પ્રવાસીઓને સ્વચ્છ તથા આરોગ્યપ્રદ વાતાવરણ પૂરું પાડવાના હેતુથી જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા તથા જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના નેતૃત્વમાં જિલ્લા આરોગ્ય વિભાગની વિવિધ ટીમો દ્વારા ભુજ - ધોરડો રોડ પર આવેલા વિવિધ રિસોર્ટ, હોટલ, રેસ્ટોરન્ટ, હોમ સ્ટે અને ખાણીપીણીના સ્થળોએ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત અંદાજે ૪૨ જેટલા રિસોર્ટ, હોટલ અને હોમ સ્ટેની મુલાકાત લઈને અધિકારીઓ દ્વારા સ્થળ પર આરોગ્ય અને સ્વચ્છતા સંબંધિત બાબતોની આકસ્મિક તપાસ કરવામાં આવી હતી.
કચ્છ જિલ્લો પ્રવાસન ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે. ખાસ કરીને ધોરડો, સફેદ રણ અને આસપાસનાં પ્રવાસન સ્થળોએ દેશ-વિદેશના પ્રવાસીઓ મોટી સંખ્યામાં મુલાકાત લેતા હોય છે. આવા સંજોગોમાં પ્રવાસીઓ તેમજ સ્થાનિક નાગરિકોને સ્વચ્છ, સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત ખોરાક તથા પીવાનું પાણી મળી રહે તે જરૂરી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ભુજ - ધોરડો માર્ગ પર આવેલા વિવિધ ખાણીપીણીના એકમો અને પ્રવાસન સાથે સંકળાયેલા વ્યવસાયિક સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવી હતી.આ ચેકિંગ અભિયાન દરમિયાન આરોગ્ય વિભાગની ટીમો દ્વારા વિવિધ રિસોર્ટ, હોટલ અને અન્ય એકમોમાં પીવાના પાણીની ગુણવત્તા, પાણીના સંગ્રહની વ્યવસ્થા, પાણીની ટાંકીઓની સ્વચ્છતા, પાણીના પુરવઠાના સ્ત્રોત, ટાંકીઓની નિયમિત સફાઈ તથા પીવાના પાણીની સુરક્ષિત જાળવણી અંગે તપાસ કરવામાં આવી હતી. પાણીના કારણે કોલેરા, ઝાડા-ઊલટી, ટાઈફોઈડ સહિતના પાણીજન્ય રોગો ફેલાવાની શક્યતાઓ ન રહે તે માટે પાણીની સ્વચ્છતા અને સુરક્ષિત વ્યવસ્થા જાળવવા ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.આ ઉપરાંત રેસ્ટોરન્ટ અને હોટલનાં રસોડાંની સ્વચ્છતા, ખાદ્યપદાર્થો તૈયાર કરવાની પ્રક્રિયા, રસોઈમાં ઉપયોગમાં લેવાતાં વાસણો અને સાધનોની સ્વચ્છતા, કાચા તથા તૈયાર ખોરાકના સંગ્રહની પદ્ધતિ, ખાદ્ય સામગ્રીની જાળવણી, રસોડામાં હવા-ઉજાસનીવ્યવસ્થા, કચરાના નિકાલની વ્યવસ્થા તેમજ સમગ્ર પરિસરની સાફ-સફાઈની ઝીણવટપૂર્વક ચકાસણી કરવામાં આવી હતી. ખાસ કરીને ખાદ્ય સામગ્રી ખુલ્લી રાખવામાં આવે છે કે નહીં, ખોરાકને ધૂળ, માખી અને અન્ય જીવાતોથી સુરક્ષિત રાખવામાં આવે છે કે નહીં તેમજ ખાદ્યપદાર્થો તૈયાર કરવામાં સ્વચ્છ પાણીનો ઉપયોગ થાય છે કે નહીં તેની તપાસ કરવામાં આવી હતી. વધુમાં રેસ્ટોરન્ટ કે રિસોર્ટના રસોડામાં કામ કરતા કર્મચારીઓ દ્વારા વ્યક્તિગત સ્વચ્છતાના નિયમોનું પાલન કરવામાં આવે છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી હતી.તપાસ દરમિયાન પીવાના પાણીની વ્યવસ્થા, ખાદ્ય સુરક્ષા, સ્વચ્છતા અને આરોગ્ય સંબંધિત બાબતોનું સ્થળ પર નિરીક્ષણ કરી સંચાલકોને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી. તમામ હોટલ, રિસોર્ટ, રેસ્ટોરન્ટ અને હોમ સ્ટેના સંચાલકોને ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા સંબંધિત લાગુ પડતા નિયમોનું કડક પાલન કરવા, પીવાના પાણીની ટાંકીઓની નિયમિત સફાઈ કરાવવા, ખાદ્ય સામગ્રીનો યોગ્ય સંગ્રહ કરવા, રસોડાંમાં સ્વચ્છતા જાળવવા તેમજ કચરાનો યોગ્ય અને સમયસર નિકાલ કરવા સૂચના આપવામાં આવી હતી.આરોગ્ય વિભાગ દ્વારા સંચાલકોને ખાસ અપીલ કરવામાં આવી હતી કે પ્રવાસીઓ અને ગ્રાહકોના આરોગ્ય સાથે કોઈ બાંધછોડ કરવામાં ન આવે. જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ખોરાક અને પાણીની ગુણવત્તા તથા સ્વચ્છતા સાથે જોડાયેલી નાની બેદરકારી પણ રોગચાળાનું કારણ બની શકે છે. ખાસ કરીને પ્રવાસન સ્થળોએ લોકોની અવરજવર વધુ રહેતી હોવાથી પાણીજન્ય અને ખોરાકજન્ય રોગોના નિયંત્રણ માટે નિયમિત દેખરેખ, સમયાંતરે તપાસ અને સ્વચ્છતાના નિયમોનું પાલન આવશ્યક છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આગામી સમયમાં પણ હોટલ, રિસોર્ટ, હોમ સ્ટે, રેસ્ટોરન્ટ તથા અન્ય ખાણીપીણીના સ્થળોએ ચેકિંગ અભિયાનો સતત ચાલુ રાખવામાં આવશે અને સ્વચ્છતા તથા આરોગ્યના નિયમોનું પાલન થાય તે સુનિશ્ચિત કરવામાં આવશે.
જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકો તથા પ્રવાસીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ ખોરાક અને પીવાના પાણીની સ્વચ્છતા અંગે જાગૃત રહે, સ્વચ્છ અને આરોગ્યપ્રદ સ્થળોએ જ ભોજન લે તેમજ ક્યાંય અસ્વચ્છતા કે આરોગ્યને જોખમરૂપ સ્થિતિ જોવા મળે તો કચ્છના આરોગ્ય તંત્રને જાણ કરે. જાહેર આરોગ્યનું રક્ષણ એ સૌની સહિયારી જવાબદારી છે તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત કચ્છ દ્વારા જણાવાયું છે.

ટિપ્પણીઓ
હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.