આરટીઓ સર્કલ પાસે બસોને રોકી રાજસ્થાન જવાનો પ્રયાસ કરતી બાળકીની જાગૃત નાગરિકની જાણથી પોલીસે સમયસર સંભાળી સુરક્ષિત સોંપણી કરી
ભુજ - કચ્છઉદય : ભુજ શહેરમાં ઘરેથી કોઈને જાણ કર્યા વિના નીકળી ગયેલી આશરે ૧૦ વર્ષની બાળકીનું ભુજ શહેર પોલીસની શી-ટીમે સમયસૂચકતા અને સંવેદનશીલતાથી પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ, શી-ટીમના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એક જાગૃત નાગરિકે જાણ કરી હતી કે આરટીઓ સર્કલ પાસે એક નાની બાળકી રસ્તા પરથી પસાર થતી બસોને હાથ બતાવી રોકવાનો પ્રયાસ કરી રહી છે અને પોતાને રાજસ્થાન લઈ જવા જણાવી રહી છે. આ જાણના આધારે એએસઆઈ શીતલબેન નાઈ તથા જશોદાબેન ધ્રાંગી તાત્કાલિક સ્થળ પર પહોંચ્યાં હતાં. પોલીસ કર્મચારીઓએ બાળકીને વિશ્વાસમાં લઈ હૂંફપૂર્વક પૂછપરછ કરતાં તેનું નામ આરતી, ઉંમર આશરે ૧૦ વર્ષ અને રહેવાનું સ્થળ ભુજના કોડકી ચાર રસ્તા નજીકનો ઝૂંપડપટ્ટી વિસ્તાર હોવાનું જાણવા મળ્યું હતું. વધુ વાતચીતમાં બાળકીના પિતાએ ઠપકો આપતાં તે કોઈને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગઈ હોવાનું સામે આવ્યું હતું. પરિસ્થિતિની ગંભીરતા સમજી શી-ટીમે તાત્કાલિક બાળકીના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો અને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રૂબરૂ જઈ બાળકીને હેમખેમ પરિવારને સોંપી હતી. પોલીસની સમયસરની કામગીરીથી બાળકી સુરક્ષિત રીતે પોતાના પરિવાર પાસે પહોંચી હતી. જાગૃત નાગરિકની સતર્કતા અને શી-ટીમની ત્વરિત કાર્યવાહીથી સંભવિત મુશ્કેલી ટળી હતી.

ટિપ્પણીઓ
હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.