સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોની તાત્કાલિક નોંધ લીધી : કચ્છ વહીવટીતંત્રે માનસિક બીમારીથી પીડાતા પુત્રની સારવારથી લઈ અંત્યોદય રાશનકાર્ડ અને આવાસ સુધીની મદદ ઘરે બેઠા પહોંચાડી
ભુજ - કચ્છઉદય : રાપર તાલુકાના આડેસર ગામે રહેતા વૃદ્ધ માતા અનિષાબેન ઈબ્રાહીમ મદારી પોતાની માનસિક આરોગ્યની સમસ્યાથી પીડાતા પુત્રની એકલા હાથે સારસંભાળ રાખી રહ્યા હતા. પરિવારનો વિષમ પરિસ્થિતિમાં ખુલ્લા પ્લોટમાં એક છાપરા નીચે પુત્રને લોખંડના ખીલે / સાંકળથી બાંધી રાખવાની મજબૂરી અંગેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ બાબત કચ્છ જિલ્લા વહીવટી તંત્રના ધ્યાને આવતા જ કચ્છ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ભચાઉ અધિકારી અભિષેક તલે તથા રાપર મામલતદાર એચ.બી. વાઘેલાની ટીમ દ્વારા તાત્કાલિક સંવેદનશીલતા દાખવી માનવતાભરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વહીવટી તંત્ર, ગ્રામ પંચાયત, વિચરતા સમુદાય સમર્થન મંચ એનજીઓ વગેરેના સંસ્થાઓના સંકલિત પ્રયાસોથી આ જરૂરિયાતમંદ પરિવારને જીવન જરૂરી તમામ સહાય પૂરી પાડવામાં આવી છે.
વિચરતા સમુદાય સમર્થન મંચના મિત્તલ બેનની રજૂઆતને પગલે સૌપ્રથમ પીડિત પુત્રના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપીને સ્થાનિક તાલુકા હેલ્થ ઓફિસર મારફતે મુલાકાત કરાવવામાં આવી હતી. તદુપરાંત, વહીવટી તંત્ર દ્વારા સ્વૈચ્છિક સંસ્થા સાથે સંકલન સાધીને મનોચિકિત્સક ડો. વિશાલ એમ. જાની દ્વારા પીડિતની તપાસણી કરાવીને નિયમિત દવાઓનો જથ્થો પૂરો પાડવામાં આવ્યો છે. સમયસર અને યોગ્ય માનસિક આરોગ્યની સારવાર શરૂ થવાના પરિણામે હાલમાં પુત્રની તબિયતમાં નોંધપાત્ર સુધારો જોવા મળી રહ્યો છે અને તેમને સતત યોગ્ય સંભાળ મળી રહે તે માટેની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે.
પરિવારની રહેઠાણની વિકટ મુશ્કેલીને ધ્યાને લઈ વહીવટીતંત્ર તંત્ર દ્વારા તેમની માલિકીના પ્લોટના આકારણી રજિસ્ટરની ખરાઈ કરવામાં આવી હતી. તલાટી અને પંચાયત વિભાગના અહેવાલ મુજબ અનિષાબેન પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળવાપાત્ર હોવાથી તે અંગેની જરૂરી કાર્યવાહી હાથ ધરવા પંચાયતને સૂચના આપવામાં આવી છે. સાથે જ પરિવારને તાત્કાલિક સુરક્ષિત છત મળી રહે તે હેતુથી વહીવટી તંત્ર, ગ્રામ પંચાયત અને એન.જી.ઓ.ના સહયોગથી નવું મકાન બનાવવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે, જેનું પાયાનું કામ હાલ પ્રગતિ હેઠળ છે. અનિષાબેન અને તેમના પરિવારને આર્થિક અને અન્ન સુરક્ષા પૂરી પાડવા માટે પુરવઠા શાખા દ્વારા તેમને અંત્યોદય યોજનાનું રેશનકાર્ડ પૂરું પાડવામાં આવ્યું છે. સરકારની જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ તેમને દર મહિને નિયમિતપણે સસ્તા દરે અનાજનો જથ્થો મળી રહે તે માટે સંબંધિત વ્યાજબી ભાવની દુકાનના સંચાલકને ખાસ સૂચના આપવામાં આવી છે. ઉપરાંત માતા અનિષાબેનને વૃદ્ધ સહાય યોજનાનો લાભ નિયમિત મળતો રહે તેની ચકાસણી કરવાની સાથે તેઓ વિધવા સહાય માટે પણ પાત્રતા ધરાવતા હોવાથી જરૂરી આધાર-પુરાવા એકત્રિત કરી પોર્ટલ પર એન્ટ્રી કરી તાત્કાલિક મંજૂરીનો હુકમ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. સરકારી સહાયની તમામ રકમ સીધી અને નિયમિત રીતે લાભાર્થીના હાથમાં પહોંચે તે માટે તેમનું બેંક ખાતું પણ ખોલાવી આપવામાં આવ્યું છે.
આ સંવેદનશીલ કામગીરીની સાથે જ ભચાઉ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે જિલ્લામાં કોઈ પણ જરૂરિયાતમંદ નાગરિક, વૃદ્ધ, દિવ્યાંગ, માનસિક આરોગ્યની સમસ્યાથી પીડાતા વ્યક્તિ અથવા મુશ્કેલ પરિસ્થિતિમાં જીવન જીવતા પરિવાર અંગે જાણ થાય તો તુરંત સંબંધિત સરકારી કચેરીનો સંપર્ક કરવો. આવા તમામ પરિવારોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ અને સમયસર સહાય પહોંચાડવા માટે કચ્છ જિલ્લા વહીવટી તંત્ર સંવેદનશીલતા સાથે કટિબદ્ધ છે.

ટિપ્પણીઓ
હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.