મુખ્ય સમાચાર પર જાઓ
ટ્રેન્ડિંગ
આડેસરમાં કચ્છ જિલ્લા વહીવટી તંત્રની માનવતાભરી પહેલ બ્રહ્માકુમારીજ ગોડલિવૂડ સ્ટુડિયોના વડા બી.કે. હરિલાલભાઈ ને પ્રથમ મહર્ષિ નારદ સન્માન એવોર્ડ  વડીલોના માર્ગદર્શન હેઠળ ભુજમાં ભવ્ય તુલસી વિવાહ મહોત્સવ યાજાયો કચ્છ જિલ્લા સંઘમાં નલિયાના હકુમતસિંહ જાડેજાની બિનહરીફ વરણી દેવદિવાળીએ જનસેવાની કચેરીએ જૈનાચાર્યની પાવન પધરામણી અમદાવાદમાં રેલવે કર્મચારીઓની રમતોત્સવ સ્પર્ધાનો પ્રારંભ રેલડી મોટી વિસ્તારમાં ખાણ-ખનિજ વિભાગની તવાઈ : છ વાહનો ઝડપાયાં ભુજમાં ગુરુભગવંતોના ચાતુર્માસ પરિવર્તન પ્રસંગે ભક્તિનો માહોલ કચ્છના ધોરડો, ધોળાવીરા અને ‘રોડ ટુ હેવન’ને પ્લાસ્ટિક મુક્ત પ્રવાસન વિસ્તાર જાહેર કરવાની માંગ વજીરા વાંઢ ફાટક પાસે ટ્રેક્ટર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત : ત્રણને ગંભીર ઈજાઓ  ભચાઉના મોટી ચીરઈમાં સાદી માટીના  ગેરકાયદે પુરાણ બદલ ૧.૯૯ કરોડનો દંડ બાલાસર- મૌવાણા ચેકપોસ્ટ પાસેથી પોષડોડાના ભુક્કા અને સ્કોર્પિયો સાથે ત્રણ શખ્સ ઝડપાયા

પશ્ચિમ કચ્છમાં નશાના કારોબારને નેસ્તોનાબૂદ કરવા પોલીસ પ્રતિબદ્ધ : એસપી 

WhatsApp X

પશ્ચિમ કચ્છમાં ડ્રગ્સ સામે કડક કાર્યવાહી : વર્ષ ૨૦૨૬માં રૂ. ૧૦૨.૨૬ કરોડથી વધુના માદક પદાર્થ સાથે ૧૦૧ આરોપી ઝડપાયા : ભુજમાં આયોજિત પત્રકાર પરિષદમાં પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા વિકાસ સુંડાએ આપી માહિતી 

ડ્રગ માફિયાઓના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવવાની કાર્યવાહી રહેશે અવિરત ; નાગરિકો અને પત્રકારોને ગુપ્ત માહિતી આપવા પોલીસ વડાની અપીલ

ભુજ - કચ્છઉદય : કેન્દ્ર અને રાજ્ય સરકારના ગુજરાતને ડ્રગમુક્ત બનાવવાના સંકલ્પ હેઠળ પશ્ચિમ કચ્છ પોલીસે નો ડ્રગ્સ ઇન વેસ્ટ કચ્છ અભિયાન અંતર્ગત વર્ષ ૨૦૨૬ દરમિયાન નશીલા પદાર્થોની હેરાફેરી અને ગુનાહિત પ્રવૃત્તિઓ સામે આકરી કાર્યવાહી હાથ ધરી છે. પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા વિકાસ સુંડાએ ભુજમાં આયોજિત પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, એસઓજી, એન્ટી નાર્કોટિક્સ વિંગ તથા વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કુલ ૭૭ કેસ નોંધવામાં આવ્યા છે. આ કેસોમાં ગાંજો, ચરસ, એમ.ડી., હેરોઈન/બ્રાઉન સુગર, એમ્ફેટામાઈન અને પોષડોડા સહિત કુલ ૩૯૭.૪૯૯ કિલોગ્રામ માદક પદાર્થ જપ્ત કરાયો છે, જેની બજાર કિંમત રૂપિયા ૧,૦૨,૨૬,૭૭,૬૬૩ થાય છે અને આ મામલે કુલ ૧૦૧ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

માદક પદાર્થોના ગુનામાં સંડોવાયેલા અને વારંવાર આવી પ્રવૃત્તિ આચરતા આરોપીઓ સામે પિટ એન.ડી.પી.એસ. એક્ટ ૧૯૮૮ હેઠળ અટકાયતી કાર્યવાહીની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. આ ઉપરાંત ગુનેગારોની ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓ સામે જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં રહીને કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં એન.ડી.પી.એસ.ના ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓના ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવ્યા છે. જેમાં મુંદરાના હરીનગર ખાતે રહેતા ઇશાક ફકિરમામદ કુંભારનું એક મકાન અને વરંડો, મુંદરાના શક્તિનગર લેબર કોલોનીમાં રહેતા બીરબલકુમાર બુધન મંડલની ઓરડી અને આગળના ભાગે છાપરાનું બાંધકામ તથા ભુજના ભુતેશ્વર વિસ્તારમાં હીનાપાર્ક ૪ પાછળ રહેતા તોસીફ ઉર્ફે જેન્ગો મામદ લાખાના દબાણનો સમાવેશ થાય છે. આ ત્રણેય આરોપીઓના કુલ ૪૫૧ ચોરસ મીટરના રૂપિયા ૫૯,૯૨,૦૦૦ ની કિંમતના ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે, જ્યારે અન્ય ચાર ગેરકાયદે બાંધકામો દૂર કરવાની કામગીરી વહીવટી તંત્રના સંકલનમાં રહીને ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.

સમુદ્રી અને જમીની સરહદની સુરક્ષા બાબતે પણ પશ્ચિમ કચ્છ પોલીસે સિસ્ટર એજન્સીઓ સાથે સંકલન સાધીને મહત્વપૂર્ણ કામગીરી કરી છે. વર્ષ ૨૦૨૬માં દરિયાઈ વિસ્તારમાંથી સિસ્ટર એજન્સીઓ સાથે સંયુક્ત રીતે બિનવારસી ડ્રગ્સના કુલ ૨૨૮ પેકેટ મળી આવ્યા છે, જેનું વજન ૨૪૭.૪૮૯ કિલોગ્રામ અને કિંમત રૂપિયા ૫,૬૩,૦૫,૩૫૦ થાય છે. આ ઉપરાંત એ.ટી.એસ. અમદાવાદ સાથે સંયુક્ત પેટ્રોલિંગ દરમિયાન રૂપિયા ૧,૧૫૦ કરોડની કિંમતનું ૧૧૮.૯૭૭ કિલોગ્રામ વજન ધરાવતું હાઈ પ્રોફાઈલ કોકેઈન (૧૧૫ પેકેટ) ઝડપી પાડી નાઈજીરિયન, ટાન્ઝાનીયન, યુગાન્ડા અને દિલ્હી સહિતના આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટના આરોપીઓને પકડવામાં આવ્યા છે.

સરહદી અને કાયદાકીય કામગીરી હેઠળ આર્મ્સ એક્ટના ૨૫ ગુનામાં ૩૧ આરોપીઓની ધરપકડ, ફિશરીઝ એક્ટ ભંગના ૪૬ કેસ, નોટિફાઈડ એરિયામાં પરવાનગી વિના પ્રવેશ કરનાર કાશ્મીરીઓ સહિત અન્ય રાજ્યોના ૧૨ ઇસમો સામે ૫ ગુના, દરિયાઈ વિસ્તારમાં ૬ પાકિસ્તાની નાગરિકોને ૩ બોટ સાથે તથા જમીની સરહદે ૨ પાકિસ્તાની નાગરિકોને ઝડપી પાડવાની કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ દરિયાકાંઠા વિસ્તારમાં ઊંટસવાર, ઘોડેસવાર, ફૂટ, મોટરસાઈકલ અને બોટ પેટ્રોલિંગ દરમિયાન મળેલા બિનવારસી ડ્રોનના પાંખિયાના ૨ ડેબ્રીઝ અને ૧ સેટેલાઈટ બેઝ ટ્રાન્સપોન્ડર એરફોર્સ ભુજને સોંપવામાં આવ્યા છે.

અંતમાં પોલીસ વડા વિકાસ સુંડાએ કચ્છના નાગરિકો અને મીડિયાને ખાસ અપીલ કરી છે કે માદક પદાર્થો કે એન.ડી.પી.એસ.ના ગુનામાં સંડોવાયેલા આરોપીઓની ગેરકાયદેસર પ્રવૃત્તિ, ગેરકાયદે બાંધકામ કે ગેરકાયદે રીતે ઊભી કરાયેલી મિલકત અંગે કોઈપણ માહિતી મળે, તો તુરંત પોલીસ હેલ્પલાઈન નંબર ૧૯૩૩, એસઓજી નંબર ૬૩૫૯૬૨૯૦૯૧ અથવા ઈમેલ, મોબાઈલ અને વોટ્‌સએપ માધ્યમથી જાણકારી આપે. માહિતી આપનારની ઓળખ સંપૂર્ણ ગુપ્ત રાખવામાં આવશે અને આવી માહિતી પર એસઓજી, એન્ટી નાર્કોટિક્સ વિંગ, સ્થાનિક પોલીસ સ્ટેશન અને એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ દ્વારા તાત્કાલિક કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું.

આ સમાચાર મિત્રોને મોકલો

WhatsApp X

ટિપ્પણીઓ

હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.

તમારું નામ ટિપ્પણી સાથે દેખાશે

0 / 255

મોકલતી વખતે લોગિન પૂછાશે. તમારું લખાણ સચવાઈ રહેશે.