Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં દિવાળીની આડમાં બજારોમાં બેફામ ખેલાયો જીએસટી ચોરીનો કાળો કારોબાર

15 November



તહેવારોની રોનક અને ઉજવણીની આડમાં કેટલાક બેફામ તત્વો દ્વારા સરકારની તિજોરીને ચોપડાયો ચૂનો : તહેવારોના મોકાનો લાભ લઈને બિલ વગરના માલનું બેરોકટોક વેચાણ : અસલી બ્રાન્ડના નામે અદ્દભૂત રીતે હૂબહૂ મળતી આવતી નકલી અને લોકલ ગુણવત્તાવાળી ચીજવસ્તુઓનું આડેધડ વેચાણ

વેપારીઓએ પક્કા બિલ આપ્યા વિના જ રોકડમાં કે ડિજિટલ ટ્રાન્સફરથી કર્યા લાખો રૂપિયાના વ્યવહાર : આર્થિક છેતરપિંડી અને સરકારી તિજોરીને પહોંચાડેલા નુકસાનની તપાસ ક્યારે થશે? : જાગૃત નાગરિકોનો વેધક સવાલ 



ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લામાં દિવાળી અને નવા વર્ષના મહાપર્વ નિમિત્તે બજારોમાં ખરીદીનો ભારે ધમધમાટ જોવા મળ્યો હતો અને સામાન્ય દિવસો કરતાં કરોડો રૂપિયાની કમાણી વેપારીઓએ કરી હતી. પરંતુ આ તહેવારોની રોનક અને ઉજવણીની આડમાં કેટલાક બેફામ તત્વો દ્વારા રાજ્ય સરકારની તિજોરીને ચૂનો લગાવવાના અને ગ્રાહકોની આંખમાં ધૂળ નાખવાના ખેલ પરદા પાછળ પૂરબહારમાં ખેલાયા હોવાની માહિતી સામે આવી રહી છે. ભુજ, ગાંધીધામ, અંજાર અને મુન્દ્રા જેવા વ્યાપારી હબ ગણાતા શહેરોમાં તહેવારોના મોકાનો લાભ લઈને બિલ વગરના માલનું બેરોકટોક વેચાણ કરવામાં આવ્યું છે અને જીએસટી ચોરીના મોટા નેટવર્કે સક્રિય થઈને કરોડો રૂપિયાનું કાળું નાણું રળ્યું છે.તહેવારોની આ સિઝનમાં ગ્રાહકોની ભારે ભીડ અને દોડધામ વચ્ચે બ્રાન્ડેડ કપડાં, ઇલેક્ટ્રોનિક્સ સાધનો, ફટાકડા, સુકામેવા તેમજ ઘી અને તેલ જેવા ખાદ્ય પદાર્થોમાં અસલી બ્રાન્ડના નામે અદ્ભુત રીતે હૂબહૂ મળતી આવતી નકલી અને લોકલ ગુણવત્તાવાળી ચીજવસ્તુઓનું આડેધડ વેચાણ કરવામાં આવ્યું છે. બહારના જિલ્લાઓમાંથી અથવા તો સસ્તી કિંમતે માલ મંગાવીને જાણીતી બ્રાન્ડના અસલ જેવા જ પેકિંગમાં આ સામાન સામાન્ય ગ્રાહકોને ગમાવી દેવામાં આવ્યો છે. તહેવારોમાં ગ્રાહકોતહેવારની ખરીદીમાં વ્યસ્ત હોય છે અને ઉતાવળમાં બિલ કે પક્કી રસીદ લેવાનું ટાળતા હોય છે, આ જ નબળાઈનો લાભ ઉઠાવીને વેપારીઓએ પક્કા બિલ આપ્યા વિના જ લાખો રૂપિયાના વ્યવહારો રોકડમાં કે ડિજિટલ ટ્રાન્સફરથી કર્યા છે અને સરકારના કરવેરા વિભાગને કરોડો રૂપિયાની જીએસટીની ચોરી આચરી છે.આ પ્રકારે ચાલતા અનિયમિત અને ગેરકાયદેસર કારોબારના કારણે પ્રમાણપત્રો અને પક્કા બિલો સાથે કાયદેસરનો ધંધો કરનારા સ્થાનિક અને ઈમાનદાર વેપારીઓને મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે કારણ કે બજારમાં નકલી અને સસ્તા માલનું આક્રમણ વધવાથી સ્પર્ધામાં ટકવું મુશ્કેલ બન્યું છે. બીજી બાજુ, સરકારી એજન્સીઓ અને ફ્લાઈંગ સ્ક્વોડની ટીમો તહેવારોમાં માત્ર દેખાડા પૂરતી ચેકિંગની વાતો કરતી રહી હતી પરંતુ જમીની હકીકત એ છે કે જીએસટી ચોરી અને ડુપ્લીકેટ માલના આ વેપાર પર કડક અંકુશ લાવવામાં તંત્ર નિષ્ફળ સાબિત થયું છે. તહેવારો પૂરા થઈ ગયા છે અને વેપારીઓ પોતાના નફાના હિસાબો મેળવીને મોજ કરી રહ્યા છે, ત્યારે ગ્રાહકો સાથે થયેલી આ આર્થિક છેતરપિંડી અને સરકારી તિજોરીને પહોંચાડેલા નુકસાનની તપાસ ક્યારે થશે અને જવાબદારો સામે ક્યારે શિકંજો કસાશે તે એક મોટો સવાલ બનીને ઉભો છે.

Comments

COMMENT / REPLY FROM