ભુજ અને ગાંધીધામમાં કોમર્શિયલ ગરબીઓ બની કમાણીનો અડ્ડો
શું.... જીએસટી તંત્રને કોમર્શિયલ ગરબીઓ દેખાશે....
૧૦ની પાણીની બોટલના ૩૦ રૂપિયા અને નાસ્તાના ત્રણ ગણા ભાવ : સુરક્ષાના નામે મીંડું, તોલમાપ, ફૂડ વિભાગ અને વહીવટી તંત્ર મૂકપ્રેક્ષક : લુખ્ખા તત્વો-નશાખોરોનો ત્રાસ અને પાર્કિંગની લાલિયાવાડીથી પરિવારો પરેશાન : જીએસટી તંત્રને એન્ટ્રી ટીકીટના પ૦૦ થી ૧પ૦૦ લેનાર અને ટેબલ એક લાખથી વધુ રૂપીયા લેનાર આયોજકો દેખાશે.... : પોલીસ સિક્યોરીટીના સરકારમાં કેટલા પૈસા જમા થાય છે તે પણ એક વિષય છે....
ભુજ : આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રીમાં હવે કચ્છમાં પણ પ્રાઇવેટ ગરબીઓનો ક્રેઝ વધ્યો છે. કચ્છના અબડાસા, લખપત, નખત્રાણા, માંડવી, મુન્દ્રા, રાપર, ભચાઉ અને અંજાર એમ ૮ તાલુકાઓમાં ક્યાંય પ્રાઇવેટ ગરબી થતી નથી, ત્યાં શેરીઓ ગરબી તો જુથ ખાનગી ગરબી ચાલી રહી છે પરંતુ ભુજ અને ગાંધીધામ શહેરી વિસ્તારમાં પ્રાઇવેટ ગરબીઓના આયોજકો દ્વારા નવરાત્રીના નામે મોટો વેપાર શરૂ કરી દેવાયો છે. પાસથી લઈને મહેમાનોનો ખાસ ટેબલ વ્યવસ્થા સહિત ખાણી-પીણીમાં ઉઘાડી લૂંટ, સિક્યુરિટીના નામે લાલિયાવાડી અને પોલીસ-તંત્રની નિષ્ક્રિયતાથી ખેલૈયાઓ અને પરિવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ભુજના મુન્દ્રા રોડ સહિત ગાંધીધામના અલગ અલગ રિસોર્ટમાં યોજાતી પ્રાઇવેટ ગરબીઓમાં એન્ટ્રી પાસના ૫૦૦ થી ૧૫૦૦ રૂપિયા વસૂલાય છે, જ્યારે ટેબલ બુકિંગના દોઢ લાખ રૂપિયા સુધીના ભાવ લેવાય છે. અંદર ગયા પછી પણ ખેલૈયાઓનું ખિસ્સું ખંખેરવામાં આવે છે. ૧૦ રૂપિયાની પાણીની બોટલના ૩૦ રૂપિયા, ૧૦૦ ગ્રામ ફાફડા-જલેબીના ૧૫૦ થી ૨૦૦ રૂપિયા, સેવપુરીના ૧૫૦, મેગીના ૧૪૦ અને ગાર્લિક બ્રેડના ૧૨૦ થી ૧૫૦ રૂપિયા લેવાય છે. બજાર કરતા ત્રણ ગણા ભાવ લેવા છતાં કેટરર્સ દ્વારા અપાતા ફૂડની ક્વોલિટી સાવ ભંગાર હોય છે. તોતિંગ ચાર્જ વસૂલવા છતાં ’સેલ્ફ સર્વિસ’ના બોર્ડ મારી દેવાય છે, અને ફૂડ વિભાગ ચેકિંગના નામે દેખાતું જ નથી. અધિકારીઓને મફતના પાસ મળી જતા હોવાથી કોઈપણ જાતની તપાસ કરવામાં આવતી નથી.
ખેલૈયાઓના જણાવ્યા મુજબ, પ્રાઇવેટ ગરબીઓમાં દરરોજ ડખા થાય છે. બાઉન્સર હોવા છતાં યોગ્ય વ્યવસ્થા જળવાતી નથી. લુખ્ખા તત્વો અને પીધેલા લોકો ઘૂસી આવે છે, જેના કારણે માતા-બહેનો અસુરક્ષિતતા અનુભવે છે અને પરિવારો આવી ગરબીઓથી દૂર રહેવાનું પસંદ કરી રહ્યા છે. આડેધડ પાર્કિંગને લીધે કોઈને ઇમરજન્સીમાં વાહન કાઢવું મુશ્કેલ બને છે અને પાર્કિંગ એટલા દૂર રખાય છે કે લોકોને ચાલી ચાલીને પગ તૂટી જાય તેવી સ્થિતિ સર્જાય છે. વધુ પડતા ડેસિબલ સાથે સ્પીકરો વગાડવા છતાં મામલતદાર કે તંત્ર દ્વારા કોઈ ચેકિંગ કરાતું નથી. ભીડમાં સફોકેશનના બનાવો પણ બની રહ્યા છે.
....................
શેરી ગરબીઓઃ જ્યાં આજે પણ સાચી નવરાત્રી ઉજવાય છે
એક તરફ પ્રાઇવેટ ગરબીઓમાં લૂંટ છે, તો બીજી તરફ ભુજ અને કચ્છની પ્રાચીન શેરી ગરબીઓ કે સોસાયટીઓમાં આજે પણ સેવાભાવ જોવા મળે છે. અહીં ખેલૈયાઓ પાસેથી કોઈ ચાર્જ લેવાતો નથી અને દાતાઓ તરફથી નાસ્તો, પાણી અને ઇનામ અપાય છે. ભુજમાં ઘણા દુકાનદારો નફા માટે નકલી બ્રાન્ડનું પાણી વેચે છે, પરંતુ પ્રાચીન ગરબીઓ બહાર આજે પણ ઓરિજિનલ બ્રાન્ડની પાણીની બોટલ માત્ર છાપેલી કિંમતે (૨૦) અને તે પણ ઠંડી આપવામાં આવે છે. કોઈ વધારાનો રૂપિયો લેવાતો નથી. અહીં જ સાચા અર્થમાં નવરાત્રીની ઉજવણી થતી જોવા મળે છે. ત્યારે સવાલ એ ઊઠે છે કે, પ્રાઇવેટ ગરબીઓની આ ઉઘાડી લૂંટ અને બેદરકારી સામે તંત્ર કેમ સાવ નિષ્ક્રિય છે.
..............
’પોલીસ બંદોબસ્તમાં નહિ, પણ ગરબા રમવામાં મસ્ત!
સુરક્ષા વ્યવસ્થા જાળવવાની જેની જવાબદારી છે તે પોલીસની ભૂમિકા પણ શંકાસ્પદ છે. કેટલાક પોલીસકર્મીઓ સાદા વેશમાં ગરબા રમતા જોવા મળે છે, તો કેટલાક પોતાના સગાવહાલાઓને અંદરથી પાસ અપાવતા હોવાની ચર્ચા છે. ચા કરતા કીટલી ગરમ જેવો ઘાટ સર્જાયો છે. નશાખોરો ઘૂસી આવતા હોવા છતાં ૮ દિવસમાં એકપણ પીધેલા શખ્સને પકડવામાં આવ્યો નથી. પોલીસ માત્ર બ્રેથ એનેલાઇઝર મશીન લઈને ફરે છે, પણ કાર્યવાહી કરતી નથી.
............

Comments