પ્રજાને સમયસર અને અસરકારક સેવાઓ મળી રહે તે માટે તમામ વિભાગો વચ્ચે સંકલન જરૂરી : કલેક્ટર
કચ્છ જિલ્લા સંકલન-સહ-ફરિયાદ નિવારણ સમિતિની બેઠક કલેકટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને યોજાઈ : પ્રજાકીય પ્રશ્નોને હકારાત્મક અભિગમ સાથે પ્રજાના હિતમાં સમયસર ઉકેલ લાવવો જોઈએ : રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા
ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લા સંકલન- સહ- ફરિયાદ નિવારણ બેઠક શનિવારે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને અને ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની વિશેષ ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં યોજાઈ હતી. બેઠકમાં સાંસદ વિનોદભાઈ ચાવડા તેમજ ધારાસભ્યો કેશુભાઈ પટેલ, પ્રધ્યુમનસિંહ જાડેજા અને વિરેન્દ્રસિંહ જાડેજાએ પ્રજાના પ્રતિનિધિ તરીકે વિવિધ પ્રજાકીય પ્રશ્નો અને રજૂઆતો કલેક્ટર સમક્ષ કરી હતી. બેઠકમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પાણી, સિંચાઈ, રસ્તા, વીજળી, શિક્ષણ અને નાગરિક સુવિધાઓને લગતા પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે કચ્છમાં ખાસ કરીને બન્ની - પચ્છમ વિસ્તારમાં, પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે લાંબાગાળાનું આયોજન હાથ ધરવા સંબંધિત અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું. સાથે જ આગામી ઉનાળાની ઋતુમાં પાણીની અછત ઊભી ન થાય અને લોકોને નિયમિત પાણી વિતરણ સુનિશ્ચિત કરી શકાય તે માટે અત્યારથી જ સુચારુ આયોજન ઘડવા ભારપૂર્વક રજૂઆત કરી હતી.
અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ દયાપર ખાતે સરકારી કોલેજની મંજૂરી, નખત્રાણા તાલુકાના બિબ્બર ગામે મંજૂર થયેલા જાબરી ડેમ તથા તલ - લૈયારી ડેમના નિર્માણમાં થઈ રહેલા વિલંબ જેવા મુદ્દાઓ રજૂ કર્યા હતા. આ ઉપરાંત નખત્રાણા બાયપાસ માર્ગ, પ્રાથમિક શાળાઓનાં જર્જરિત ઓરડાઓ, રસ્તાઓની સ્થિતિ, વીજફોલ્ટ, પીવાના પાણી અને સિંચાઈ સહિતના પ્રશ્નો અંગે સંબંધિત વિભાગોનું ધ્યાન દોર્યું હતું.
રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ જન્મ-મરણનાં પ્રમાણપત્રોની પ્રક્રિયામાં જોવા મળતી વિસંગતતાઓ તેમજ ભચાઉ અને રાપર વિસ્તારમાં પાણી, વીજળી, રસ્તા તથા સિંચાઈને લગતા પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરી હતી અને તેના યોગ્ય નિરાકરણ માટે રજૂઆતો કરી હતી.
ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે, સંકલન બેઠકમાં રજૂ થતા પ્રજાકીય પ્રશ્નોને હકારાત્મક અભિગમ સાથે ધ્યાનમાં લઈને પ્રજાના હિતમાં તેમના સમયસર ઉકેલ માટે તમામ પ્રયાસો કરવા જોઈએ. કચ્છ જિલ્લામાં થયેલા વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સંબંધિત વિભાગોએ અત્યારથી જ પાણી સહિતની આવશ્યક સુવિધાઓ માટે સુચારુ અને આગોતરું આયોજન કરવું જોઈએ. રાજ્યમંત્રીએ પાણીની ચોરીને કોઈપણ સંજોગોમાં ચલાવી ન લેવા સ્પષ્ટ સૂચના આપતાં જણાવ્યું હતું કે, જરૂર જણાય ત્યાં પાણીચોરી કરનાર સામે પોલીસ ફરિયાદ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવી જોઈએ. આગામી સમયમાં પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ચોક્કસ અને સચોટ આયોજન તૈયાર કરવા તેમજ તમામ વૈકલ્પિક વ્યવસ્થાઓનું આગોતરું આયોજન કરવા તેમણે સંબંધિત અધિકારીઓને અનુરોધ કર્યો હતો. પાણીના પ્રશ્નો અંગે જરૂરિયાત મુજબ વિભાગવાર અલગ બેઠકો યોજીને સંકલિત અને અસરકારક આયોજન હાથ ધરવા પણ સૂચન કર્યું હતું. વધુમાં તમામ વિકાસલક્ષી અને પ્રજાલક્ષી કામો ગુણવત્તાસભર રીતે, નિર્ધારિત સમયમર્યાદામાં અને પ્રજાના હિતને કેન્દ્રમાં રાખીને પૂર્ણ થાય તે બાબતે રાજ્યમંત્રીએ ભાર મૂક્યો હતો. અધિકારીઓ અને પદાધિકારીઓ પરસ્પર સંકલન સાથે કામગીરી કરશે તો પ્રજાના પ્રશ્નોનું સમયસર નિરાકરણ લાવવામાં વધુ સફળતા મળશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. દરેક પરિસ્થિતિમાં તમામ પદાધિકારીઓ અધિકારીઓની સાથે છે તેવી ધરપત આપતાં તેમણે જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લાના વિકાસ અને પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્ય સરકાર સતત ચિંતિત છે.
બેઠકના અધ્યક્ષસ્થાનેથી જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ તમામ વિભાગના અધિકારીઓને પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોમાં અંગત રસ દાખવીને સમયમર્યાદામાં અને ગુણવત્તાસભર કામગીરી પૂર્ણ કરવા અનુરોધ કર્યો હતો. તેમણે પ્રજાકીય પ્રશ્નોના નિરાકરણ માટે ત્વરિત અને યોગ્ય નિર્ણયો લેવા તેમજ ફરિયાદોના નિકાલમાં જરૂરી સંવેદનશીલતા અને જવાબદારી દાખવવા પર ભાર મૂક્યો હતો. પ્રજાને સમયસર અને અસરકારક સેવાઓ મળી રહે તે માટે તમામ વિભાગો વચ્ચે સંકલન જાળવીને કામગીરી કરવા પણ તેમણે સૂચના આપી હતી.
આ બેઠકમાં પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષક વિકાસ સુંડા, પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમાર, નિવાસી અધિક કલેક્ટર પાર્થ કોટડિયા, અધિક કલેક્ટર પારસ વિઠાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નીકુંજ પરીખ, તમામ પ્રાંત અધિકારીઓ, જિલ્લા કક્ષાની કચેરીઓના વડાઓ તેમજ વિવિધ વિભાગોના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
------

Comments