સગીરા પર અવારનવાર દુષ્કર્મ ગુજારનાર મુખ્ય આરોપીને ૨૫ વર્ષની સખત કેદ
મદદગારી કરનાર માતા-પિતા તથા બનેવીને પણ કડક સજા : કૂલ રૂપિયા ૧.૫૦ લાખનો દંડ : ભુજની સ્પેશિયલ પોક્સો અદાલતે તમામ ચાર આરોપીઓને તકસીરવાન ઠેરવી કડક શિક્ષા ફટકારી : પીડિતાને રૂ. ૩ લાખનું વળતર ચૂકવવા પણ મહત્ત્વનો હુકમ કરાયો
ભુજ - કચ્છઉદય : ભુજ શહેર ખાતે સગીર વયની દીકરી સાથે અવારનવાર બળાત્કાર ગુજારવાના અતિ ગંભીર અને ચકચારી કિસ્સામાં ભુજ કચ્છની નાઇન્થ એડિશનલ સેશન્સ એન્ડ સ્પેશિયલ પોક્સો અદાલતે એક ઐતિહાસિક અને દાખલારૂપ ચુકાદો સંભળાવ્યો છે. પોક્સો કોર્ટના સ્પેશિયલ જજ એમ.એફ. ખત્રીએ ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને મુખ્ય આરોપીને ૨૫ વર્ષની સખત કેદની સજા ફટકારી છે, જ્યારે આ ગુનાહિત કૃત્યમાં મદદગારી કરનારા તેના માતા-પિતા અને બનેવીને પણ ૨૦-૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારીને જેલહવાલે કરવાનો હુકમ કર્યો છે. આ ઉપરાંત કોર્ટે તમામ ચારેય આરોપીઓને કુલ મળીને રૂપિયા એક લાખ પચાસ હજારનો દંડ પણ ફટકાર્યો છે.
કેસની મળતી વિગતો અનુસાર, આ ગુનાની ફરિયાદ તારીખ ૨૨ એપ્રિલ ૨૦૨૫ના રોજ નોંધાવવામાં આવી હતી. આ કિસ્સામાં ૨૨ વર્ષીય મુખ્ય આરોપી સલમાન ગુલામશા સૈયદ, તેના ૫૮ વર્ષીય પિતા ગુલામશા ઇબ્રાહીમશા સૈયદ, ૫૩ વર્ષીય માતા શેરબાનુ ગુલામશા સૈયદ (તમામ રહે. ભુજ) તેમજ તેના ૩૦ વર્ષીય બનેવી અકરમશા મામદશા સૈયદ (રહે. મુંદ્રા) સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ફરિયાદ મુજબ, આ કામના ફરિયાદીની આશરે ૧૭ વર્ષ અને ૬ માસની સગીર વયની દીકરીના લગ્ન આરોપી સલમાન સાથે કરાવી આપવા માટે ગુલામશા તથા શેરબાનુ અવારનવાર દબાણ કરતા હતા. જોકે ફરિયાદીએ પોતાની સગીર વયની દીકરીના લગ્ન કરાવવાની સ્પષ્ટ ના પાડતા, આરોપીઓએ મનમાં દ્વેષ રાખીને સગીરાને ઉપાડી જવાની ગુનાહિત ધમકી આપી હતી.
ત્યારબાદ તમામ આરોપીઓએ એકસંપ કરીને ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી સગીરાનું ક્રેટા ગાડીમાં અપહરણ કરી તેને મુન્દ્રા ખાતે લઈ ગયા હતા. આરોપીઓને મદદગારી કરવાના ભાગરૂપે મુન્દ્રા ખાતે બનેવી અકરમશાએ એક મકાન ભાડે રાખી તેમાં સગીરાને છુપાવાની વ્યવસ્થા કરી આપી હતી. આ દરમિયાન આરોપી સલમાને ભોગ બનનાર સગીરાને લગ્નની લાલચ આપી તેને પોતાની કારમાં અજમેર લઈ ગયો હતો અને ત્યાંથી પરત આવ્યા બાદ મુન્દ્રાના ભાડાના મકાનમાં સગીરાની મરજી વિરુદ્ધ અવારનવાર શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ ગુજાર્યું હતું. આ સમગ્ર ગુનામાં તમામ સહઆરોપીઓએ એકબીજાને મદદગારી કરી હોવાનું સામે આવ્યું હતું.
આ બનાવ અંગે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા તેમજ પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો હતો. તપાસ કરનાર અધિકારી ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. પટેલ દ્વારા સંપૂર્ણ પુરાવાઓ એકત્રિત કરીને આરોપીઓ વિરુદ્ધ અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું. અદાલત સમક્ષ કેસ ચાલવા પર આવતા પ્રોસિક્યુશન પક્ષે કુલ ૫૬ દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા અને ૧૬ જેટલા સાક્ષીઓની વિસ્તૃત તપાસ કરવામાં આવી હતી. પ્રોસિક્યુશન તરફથી મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજાએ હાજર રહીને ધારદાર દલીલો કરી હતી, જ્યારે ભોગ બનનારના કાયદા સહાયક તરીકે એડવોકેટ માલશ્રીબેન ગઢવી હાજર રહ્યા હતા.
અદાલતે બંને પક્ષોની દલીલો અને સરકારી વકીલ દ્વારા રજૂ કરાયેલા મજબૂત પુરાવાઓને ધ્યાને રાખીને તમામ આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. શિક્ષાના હુકમમાં પોક્સો એક્ટની કલમ-૬ મુજબના ગુન્હામાં મુખ્ય આરોપી સલમાનને ૨૫ વર્ષની સખત કેદ અને રૂ. ૨૫,૦૦૦ દંડ તેમજ બી.એન.એસ.ની કલમ ૬૪(૨)(એમ) હેઠળ પણ ૨૦ વર્ષની સખત કેદ અને રૂ. ૨૫,૦૦૦ના દંડની સજા સંભળાવી છે. આ ઉપરાંત પોક્સો એક્ટની કલમ-૬ સાથે વાંચતા કલમ-૧૭ મુજબ મદદગારી કરનાર આરોપીઓ (માતા-પિતા અને બનેવી)ને ૨૦ વર્ષની સખત કેદ અને પ્રત્યેકને રૂ. ૧૦,૦૦૦ દંડ ફટકારાયો છે. તેમજ બી.એન.એસ.ની કલમ ૬૪(૨)(એમ) સાથે વાંચતા કલમ-૫૪ હેઠળ મદદગારી કરનાર આરોપીને ૧૦ વર્ષની સખત કેદ અને રૂ. ૧૦,૦૦૦ના દંડની સજા કરવામાં આવી છે. નામદાર કોર્ટે ભોગ બનનાર સગીરાને આર્થિક પુનર્વસન અને રાહત સ્વરૂપે રૂ. ૩,૦૦,૦૦૦નું વળતર ચૂકવવા ડીએલએસએને ભલામણ કરી છે, તેમજ આરોપીઓ દ્વારા ભરવામાં આવનાર દંડની રકમ પણ ભોગ બનનારને ચૂકવી આપવા હુકમ કર્યો છે.
----------

Comments