Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં વ્યાજવટાવના વિષચક્રમાં તારાજ થતી જિંદગીઓ

17 October

ચેક બાઉન્સના અનેક કેસો પાછળનું અસલી કારસ્તાન
કચ્છમાં વ્યાજવટાવના વિષચક્રમાં તારાજ થતી જિંદગીઓ

બજારમાંથી તાત્કાલિક નાણાં મેળવવાની મજબૂરીનો ફાયદો ઉઠાવીને રમાતો કાળો ખેલ : સહી કરેલા કોરા ચેક અને પ્રોપર્ટીના કાગળો હડપવાની મોડસ ઓપરેન્ડી

ધીરધારની આડમાં બળજબરીથી સંપત્તિ પચાવી પાડતા ‘વ્યાજ માફિયાઓ’નો વધતો આતંક : મહિને ૧૦થી ૨૦ ટકાના અવિશ્વસનીય વ્યાજદરે રકમ આપી સહી કરેલા કોરા ચેક અને પ્રોપર્ટીના કાગળો પડાવી લેવાની મોડસ ઓપરેન્ડી : નાની જરૂરિયાત માટે લેવાયેલી રકમ સામે કરોડોની મિલકતો સ્વાહા : તાજેતરમાં કોઠારાના વ્યાજખોરો સામે પોલીસે બોલાવ્યો હતો સપાટો 


ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લાની અદાલતોમાં દિન-પ્રતિદિન વધતા જતા નેગોશિયેબલ ઇન્સ્ટ્રૂમેન્ટ એક્ટ હેઠળના એટલે કે ચેક બાઉન્સના હજારો કેસોની પાછળ જો ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો એક ચોંકાવનારી હકીકત સામે આવે છે. આમાંના મોટાભાગના કેસો સામાન્ય વેપારી કે નાગરિકની નિયત ખરાબ હોવાના નથી, પરંતુ તેની પાછળ વ્યાજ માફિયાઓનું એક ભયાનક ષડયંત્ર કામ કરી રહ્યું છે. ગાંધીધામ અને મુન્દ્રાના ઔદ્યોગિક વિસ્તારોથી લઈને ભુજ, અંજાર અને વાગડ પંથક સુધી ગેરકાયદેસર રીતે વ્યાજનો ધંધો કરતા તત્વોએ પોતાનું જાળું મજબૂત બનાવ્યું છે. નાની-મોટી નાણાકીય અડચણમાં ફસાયેલા મધ્યમવર્ગીય પરિવારો, નાના વેપારીઓ અને પશુપાલકોને તાત્કાલિક રોકડ રકમ આપીને બાદમાં વ્યાજના વિષચક્રમાં હોમી દેવામાં આવે છે.બેંકોની જટિલ કાગળિયાંની પ્રક્રિયા અને લોન મેળવવામાં થતા વિલંબના કારણે લોકો લાચારીવશ બજારમાંથી નાણાં મેળવે છે. આ મજબૂરીનો સીધો ફાયદો ઉઠાવીને વ્યાજખોરો મહિને ૧૦ ટકાથી લઈને ૨૦ ટકા જેટલા અવાસ્તવિક દરો વસૂલે છે. મૂળ રકમ ચૂકવાઈ ગયા પછી પણ વ્યાજનું વ્યાજ અને પેનલ્ટીના નામે મુદલ કરતાં ચાર ગણી રકમ ઊભી કરી દેવામાં આવે છે. આ ચક્રમાંથી નીકળવું સાધારણ માણસ માટે અશક્ય બની જાય છે, જે આખરે મિલકતો ખોવાનો કે અંતિમ પગલું ભરવાનો વારો લાવે છે. વ્યાજ માફિયાઓની કાર્યપદ્ધતિ અત્યંત ચતુર અને કાયદાકીય લૂપહોલ્સનો ઉપયોગ કરનારી હોય છે. નાણાં ધીરતી વખતે જ સામે વાળી વ્યક્તિ પાસેથી સહી કરેલા કોરા ચેક, પ્રોમિસરી નોટ, વાહનોની આરસી બુક અને ઘર કે જમીનના મૂળ દસ્તાવેજો ગીરવે મૂકાવી લેવાય છે. જ્યારે દેવાદાર સમયસર અવાસ્તવિક વ્યાજ ન ભરી શકે, ત્યારે આ જ કોરા ચેકમાં મનસ્વી રકમ ભરીને બેંકમાં જમા કરાવી દેવામાં આવે છે. ચેક બાઉન્સ થતાં જ કાનૂની નોટિસો ફટકારીને અદાલતી કેસો ઠોકી બેસાડવામાં આવે છે. પોલીસ અને જેલના ડર બતાવીને દેવાદાર પર એવું માનસિક દબાણ ઊભું કરાય છે કે તે પોતાની કરોડોની મિલકત કૌડીના ભામે વ્યાજખોરના નામે કરી દેવા મજબૂર બને છે.પૂર્વ અને પશ્ચિમ કચ્છના શહેરી વિસ્તારોમાં વ્યાજની ઉઘરાણી માટે ખાસ રિકવરી એજન્ટો અને બાઉન્સરો રોકવામાં આવે છે. સાંજ પડતાં જ દેવાદારના ઘરે કે દુકાને જઈને જાહેર ગાળાગાળી કરવી, પરિવારના સભ્યોને ધમકાવવા અને વાહનો બળજબરીથી ઉપાડી જવાની ઘટનાઓ રોજિંદી બની ગઈ છે. સામાજિક પ્રતિષ્ઠા જવાના ભયથી પીડિતો પોલીસ ફરિયાદ કરવાનું ટાળે છે, જેનાથી આ અસામાજિક તત્વોના હોસલા વધુ બુલંદ થાય છે. કચ્છમાં તાજેતરના વર્ષોમાં બનેલી કેટલીક આત્મહત્યા અને ગુમશુદગીની ઘટનાઓ પાછળ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો મૂળિયાં આ વ્યાજવટાવના કાળા કારોબાર સુધી પહોંચે છે. પોલીસ દ્વારા સમયાંતરે ‘વ્યાજખોરી વિરોધી લોકદરબાર’ યોજવામાં આવે છે, પરંતુ કાયદાકીય ગુંચવણો અને પુરાવાના અભાવે મુખ્ય સૂત્રધારો છૂટી જાય છે અને આ અસંગઠિત અપરાધ વધુ ફાલે છે. તાજેતરમાં અબડાસા તાલુકાના કોઠારા ગામના વ્યાજખોર ભાઈઓ સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. સંબંધીઓ અને સાગરીતોના ઘરે છુપાવેલા લાખોના દાગીના, રોકડા, કરોડોના દસ્તાવેજ તેમજ કોરા અને સહી કરેલા ચેક અને ચેકબુકો કબજે કરવામાં આવી હતી. કાર્યવાહી થવા છતા વ્યાજખોરનો સીલસીલો અકબંધ રહ્યો છે. ઘણી વખત સહી કરીને આપેલા ચેક બેંકમાં વટાવી ચેક બાઉન્સના કેસ કરાવી બાદમાં સમાધાનના નામે રૂપિયા પડાવવામાં આવતા હોવાની પણ ચર્ચા છે.

........................

નાના દેવા સામે મોંઘી મિલકતો પચાવી પાડવાનું સુનિયોજિત ષડયંત્ર


ચેક બાઉન્સના કેસનો ડર બતાવી જમીન-મકાન હડપવાની પેટર્ન

ભુજ : વ્યાજખોરો માત્ર વ્યાજની કમાણીથી સંતોષ નથી માનતા, પરંતુ તેમનો મુખ્ય ડોળો દેવાદારની મૂલ્યવાન જમીન કે મકાન પર હોય છે. નાણાં આપતી વખતે જ સુરક્ષાના નામે નોટરાઇઝ્‌ડ સોગંદનામું કે પાવર ઓફ એટર્ની કરાવી લેવાય છે. વ્યાજની રકમ ચૂકવવામાં વિલંબ થાય એટલે ચેક બાઉન્સની ફરિયાદ દાખલ કરી દેવાય છે. ત્યારબાદ કેસ પરત ખેંચવાના બદલામાં પ્રોપર્ટીનો નામના દામનો સોદો નક્કી કરી અંદરઅંદર સાટાખત બનાવી લેવાય છે. એકવાર કાગળિયાં હાથમાં આવ્યા બાદ સ્થાનિક અસામાજિક તત્વોની મદદથી મકાન કે જમીનનો કબ્જો ખાલી કરાવી લેવામાં આવે છે. ગાંધીધામ અને ભુજના કેટલાય શિપિંગ, ટ્રાન્સપોર્ટ અને કપડાના વેપારીઓ આ જ પેટર્નનો ભોગ બનીને પોતાની દુકાનો અને ગોડાઉનો ખોઈ ચૂક્યા છે.


....................


વ્યાજખોરો સામે પીડિતો માટે કાયદાકીય રક્ષણના ઉપાયો


ડર્યા વગર પોલીસ અને મની લેન્ડિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવી જરૂરી


ભુજ : ગેરકાયદે વ્યાજવટાવના દૂષણથી બચવા માટે કાયદામાં સ્પષ્ટ જોગવાઈઓ છે. ગુજરાત મની લેન્ડર્સ એક્ટ મુજબ પરવાના વગર નાણાં ધીરવા અને મનસ્વી વ્યાજ વસૂલવું એ બિનજામીનપાત્ર ગુનો છે. જો વ્યાજખોર ધાક-ધમકી આપે કે સહી કરેલા કોરા ચેકનો દુરુપયોગ કરવાની ધમકી આપે તો તુરંત નજીકના પોલીસ સ્ટેશન અથવા પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો જોઈએ. આ ઉપરાંત જે બેંકના કોરા ચેક આપેલા હોય, તે બેંકને અને સ્થાનિક પોલીસને લેખિતમાં અગાઉથી જ જાણ કરી રાખવી હિતાવહ છે. વ્યાજખોરોના ત્રાસથી ડરીને કોઈ અંતિમ પગલું ભરવાને બદલે સગા-સંબંધીઓ અને કાનૂની સલાહકારની મદદ લઈને કાયદાકીય લડત આપવી જોઈએ.


 

Comments

COMMENT / REPLY FROM