તહેવારો ટાંકડે કાંઠાળ કચ્છ પટે નાપાક સડવળાટથી હલચલ
BSF ની સતર્કતાથી ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ; બોટમાંથી માછીમારીના સાધનો મળ્યા, પરંતુ સઘન પૂછપરછ અનિવાર્ય
ગાંધીધામ : કચ્છના સંવેદનશીલ સરહદી લખપત અને કોટેશ્વર ક્રિક વિસ્તારમાં સુરક્ષા દળોએ વધુ એક વખત પાકિસ્તાની ઘૂસણખોરીનો નાપાક પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. લખપત સંવેદનશીલ દરિયાઈ વિસ્તારમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ ની ટુકડી પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન શંકાસ્પદ હલચલ જણાઈ આવતા જવાનોએ ત્વરિત અને સક્રિયતાપૂર્વક છાનબીન હાથ ધરી હતી. આ દરમિયાન ભારતીય જળસીમામાં ગેરકાયદેસર રીતે પ્રવેસી આવેલી એક પાકિસ્તાની બોટ અને એક શખ્સને ઝડપી પાડવામાં સફળતા મળી છે. સુરક્ષા દળો દ્વારા હાલ આ અંગેની ધોરણસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.પ્રાથમિક તપાસ અને બોટમાંથી મળી આવેલા સાધનો
ઝડપાયેલી આ પાકિસ્તાની બોટની પ્રાથમિક તપાસ કરતાં તેમાંથી માછીમારી માટેના સાધનો મળી આવ્યા છે, અને હાલની પ્રાથમિક તપશામાં બોટમાંથી કોઈ વાંધાજનક કે શંકાસ્પદ વસ્તુ નજરે પડી નથી. જોકે, આંતરરાષ્ટ્રીય જળસીમા ઓળંગીને આ શખ્સ ભારતીય હદમાં કઈ રીતે અને કયા ઈરાદાથી પ્રવેસી ચૂક્યો છે તથા અગાઉ પણ તે આ પ્રકારે કેટલી વખત ભારતીય જળસીમામાં આવ્યો છે તેવા ગંભીર સવાલો ઊભા થયા છે. પકડાયેલ શખ્સ અને બોટને સુરક્ષિત રીતે કિનારે લાવ્યા બાદ ઇન્ટેલિજન્સ એજન્સીઓ અને સુરક્ષા દળો દ્વારા સંયુક્ત પૂછપરછ (‘જોઈન્ટ ઇન્ટ્રોગેશન’) હાથ ધરવામાં આવશે, જેથી તેની વાસ્તવિક ગતિવિધિઓ અને કાવતરાનો
પર્દાફાશ થઈ શકે.તહેવારો ટાંકડે કચ્છ સરહદે ખડભડાટઃ અનેક ગંભીર સવાલો ચર્ચાના એરણે આગામી તહેવારો ટાંકડે કચ્છના કાંઠા પટ્ટેથી પાકિસ્તાની બોટ સાથે શખ્સનું ઝડપાવું તે અત્યંત ગંભીર બાબત છે અને તેને હળવાશથી લઈ શકાય નહીં. આ ઘટનાને પગલે સમગ્ર સરહદી વિસ્તારમાં ખડભડાટ મચી ગયો છે અને સુરક્ષાના ભાગરૂપે BSF તથા અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા દરિયાઈ અને કાંઠા વિસ્તારમાં
પેટ્રોલિંગ સઘન બનાવી દેવાયું છે તેમજ નાકાબંધી અને વોચ ગોઠવી દેવાઈ છે.સરહદ પર BSF દ્વારા દાખવવામાં આવેલી સતર્કતા અને સક્રિયતા અત્યંત સરાહનીય છે, ત્યારે હવે આ ઝડપાયેલા શખ્સની ઊંડાણપૂર્વક સંયુક્ત પૂછપરછ કરી તેના દરેક કાવતરાનું સાચું મૂલ્યાંકન કરવું સુરક્ષા એજન્સીઓ માટે ખૂબ જ અનિવાર્ય બની ગયું છે.
.....................
શું બોટ પર અન્ય શખ્સો પણ સવાર હતા?
ગાંધીધામ : જો બોટ પર એક કરતાં વધુ શખ્સો સવાર હતા, તો શું તેઓ BSF ની સઘન બંધી અને સતર્કતા જોઈને દરિયામાં કૂદીને પરત પાકિસ્તાન ભાગી ગયા છે કે પછી કોઈ ક્રિકમાં છુપાઈને બેઠા છે?
.................
સઘન પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન તેજ બનાવાયું
ગાંધીધામ : ઘટના બાદ BSF દ્વારા બોટ અને પકડાયેલા શખ્સને દરિયાકિનારે લાવવામાં આવ્યા હતા. જ્યાં વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા પકડાયેલા શખ્સની સંયુક્ત પૂછપરછ હાથ ધરવામાં આવી છે. પકડાયેલા શખ્સની સાચી ઓળખ તેમજ અન્ય વિગતો મેળવવા માટે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે. કચ્છના દરિયાઈ વિસ્તારમાં ઘૂસણખોરી અટકાવવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન વધુ તેજ બનાવાયું છે.
.............
નશાકારક પદાર્થોની હેરાફેરીની આશંકા
ગાંધીધામ : આ બોટ મારફતે કોઈ શંકાસ્પદ કે પ્રતિબંધિત નશાકારક પદાર્થ ભારતીય જળસીમામાં ઉતારી દેવામાં આવ્યો તો નથી ને? તે દિશામાં પણ ઊંડાણપૂર્વક તપાસ કરવી અત્યંત આવશ્યક છે.
....................
રેકી કે ગુપ્ત ડીલિંગ?
ગાંધીધામ : શું આ શખ્સ ભારતીય સુરક્ષા તંત્રની સલામતી વ્યવસ્થાની રેકી કરવા આવ્યો હતો, કે પછી સામે પારથી કોઈ ગુપ્ત ડીલિંગ પાર પાડવા માટે આવ્યો હતો?

Comments