કચ્છની રાષ્ટ્રીય લોક અદાલતમાં ૧૦,૪૯૧ કેસોનો નિકાલ
૨૬.૬૫ કરોડનું વળતર મંજૂર કરાયું : અકસ્માતમાં ૧.૩૦ કરોડ અને પ૮ લાખના વળતર સાથે ૧૧ દંપતીઓના ભાંગતા સંસાર પુનઃ સંધાયા
ભુજ - કચ્છઉદય : ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિશ્રી અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન હેઠળ તથા મુખ્ય જિલ્લા ન્યાયાધીશ મહિડા દિલીપ પી.ની રાહબરીમાં સમગ્ર કચ્છ જિલ્લામાં રાષ્ટ્રીય લોક અદાલતનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક અદાલતમાં જિલ્લાની તમામ અદાલતોના સહિયારા પ્રયાસોથી કુલ ૧૦,૪૯૧ જેટલા વિવિધ કેસોનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો હતો, જેમાં ૫,૭૫૧ પ્રી-લીટીગેશન કેસો, ૧,૧૭૦ સમાધાન લાયક કેસો અને ૩,૫૭૦ સ્પેશિયલ મેજિસ્ટ્રિયલ સીટીંગના કેસોનો સમાવેશ થાય છે. આ તમામ કેસોના નિકાલ સાથે કુલ ૨૬.૬૫ કરોડ રૂપિયાના એવોર્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. લોક અદાલતને સફળ બનાવવા માટે જિલ્લાના તમામ ન્યાયાધીશશ્રીઓ, વકીલશ્રીઓ અને અદાલતી કર્મચારીઓએ અગાઉથી જ સમાધાનની પ્રક્રિયા હાથ ધરી હતી. કાનૂની સેવા સત્તામંડળના સચિવ અને સીનિયર સિવિલ જજ એ. એમ. પાટડિયાએ આ સફળતા બદલ તમામ સ્ટેક હોલ્ડર્સનો આભાર વ્યક્ત કર્યો હતો.
લોક અદાલતમાં વાહન અકસ્માત વળતરના કેસોમાં પક્ષકારો અને વીમા કંપનીઓ વચ્ચે ઐતિહાસિક અને મોટું સમાધાન જોવા મળ્યું હતું. એક અકસ્માત વળતરના કેસમાં કોર્ટ, અરજદાર પક્ષના વિદ્વત્ વકીલ જી. એન. ઝવેરી, ઈન્સ્યોરન્સ કંપનીના વકીલ અજય સાહેદાણી તથા અધિકારી દીપભાઈ દવેના સંયુક્ત પ્રયાસોથી ગો ડીજિટ ઈન્સ્યુરન્સ કંપની દ્વારા અરજદારને રૂ. ૧,૩૦,૦૦,૦૦૦ (એક કરોડ ત્રીસ લાખ)નું જંગી વળતર ચૂકવવાનું નક્કી કરાયું હતું. આ જ રીતે અન્ય એક અકસ્માતના કિસ્સામાં વકીલ એમ. બી. ખટાણા, વકીલ અજય સાહેદાણી અને અધિકારી જીગ્નેશભાઈ રાવલની મધ્યસ્થતાથી ટાટા એઆઈજી જનરલ ઈન્સ્યુરન્સ કંપની સાથે સફળ સમાધાન કરી અરજદારને રૂ. ૫૮,૦૦,૦૦૦ (અઠાવન લાખ)નું વળતર અપાવવામાં આવ્યું હતું.
નાણાકીય વળતર ઉપરાંત આ લોક અદાલત સામાજિક અને કૌટુંબિક સંબંધોને જોડવામાં પણ આશીર્વાદરૂપ સાબિત થઈ હતી. કચ્છની તમામ ફેમિલી કોર્ટોમાં રજૂ કરાયેલા ૨૧૯ કેસોમાંથી ૧૪૮ કેસોનો નિકાલ કરાયો હતો, જેમાં ૧૧ જેટલા દંપતીઓ વચ્ચેનો લાંબા સમયનો મનભેદ ઉકેલાતા તેમના લગ્નજીવન ભાંગતા બચી ગયા હતા. આ સિવાય એક કિસ્સામાં બાળકની કસ્ટડી અને પિતા સાથેની મુલાકાત અંગે પણ અત્યંત સુખદ સમાધાન સાધવામાં આવ્યું હતું.
ભુજ ફેમિલી કોર્ટમાં આકાર પામેલી આવી જ એક પ્રેરણાદાયી ઘટનામાં સોળ વર્ષથી લગ્નગ્રંથિથી જોડાયેલા અને ત્રણ બાળકો ધરાવતા દંપતી રાજલ અને પંકજ (નામ બદલેલ છે) વચ્ચે નોકરી તથા વૈચારિક મતભેદોના કારણે અહમ ટકરાતાં મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. ભુજની ફેમિલી કોર્ટમાં કેસ નોંધાયા બાદ પ્રિન્સિપાલ જજ જે. એ. ઠક્કરના આદેશથી કાઉન્સિલિંગ બેઠક યોજવામાં આવી હતી. જેમાં વિદ્વત્ વકીલ એન. આર. સીજુ, કાઉન્સિલર દીપ્તી આર. અજાણી અને જજ દ્વારા પક્ષકારોને જીવનશૈલી બદલવા, એકબીજા પ્રત્યેની જવાબદારીઓ સમજવા અને સંતાનોના ભવિષ્ય માટે સાથે રહેવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સઘન પ્રયાસોના પરિણામે દંપતીએ જૂના મનભેદ ભૂલીને ફરી એકસાથે નવું જીવન શરૂ કરવાનો નિર્ણય લીધો હતો અને રાષ્ટ્રીય લોક અદાલતમાં આ કેસનો આત્યંતિક સુખદ અંત આવ્યો હતો.
--------------
રાષ્ટ્રીય લોક અદાલતમાં અંજાર કોર્ટના ૩૮૭ કેસનો નિકાલ
અંજાર : શનિવારે યોજાયેલી રાષ્ટ્રીય લોક અદાલતમાં અંજાર કોર્ટ ખાતે વિવિધ પ્રકારના કુલ ૧,૯૭૭ કેસોમાંથી ૩૮૭ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. લોક અદાલત દરમિયાન પક્ષકારોની સંમતિથી કેસોનો સમાધાનપૂર્વક નિકાલ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ડિજિટલ ઇન્સ્યોરન્સ તરફથી અનસુલ રાજેન્દ્ર કુમાર જેટલીયાને રૂ. ૧.૩૦ કરોડનો ચેક આપવામાં આવ્યો હતો. આ ચેક અધિક સેશન જજ જે.એલ. ચોવટીયા, જજ બી.આર. વાઘેલા તેમજ ઇન્સ્યોરન્સ કંપનીના સ્ટાફની ઉપસ્થિતિમાં અર્પણ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે અધિક સેશન જજ જે.એલ. ચોવટીયા, તાલુકા કાનૂની સેવા સમિતિના અધ્યક્ષ બી.આર. વાઘેલા, કે.આર. ગોહિલ તથા એ.એ. ખેરાદાવાલા ઉપસ્થિત રહ્યા હતા. લોક અદાલતના આયોજનમાં કોર્ટ સ્ટાફ તેમજ સંબંધિત કર્મચારીઓએ સહયોગ આપ્યો હતો.
-----

Comments