Trending News
સ્થાનિક સમાચાર

લખપતના અજમાયશી પ્રાંત અધિકારી તરીકે ૨૦૨૪ બેચના ગેસ અધિકારી મુકાયા

12 September



નખત્રાણા ડિવિઝન હેઠળ લખપતની જવાબદારી સંભાળશે અક્ષર ઠુમ્મર, ૨૬ ડિસેમ્બર સુધી સ્વતંત્ર હવાલો

ભુજ - કચ્છઉદય : ગુજરાતના વહીવટી તંત્રમાં મોડી રાત્રે થયેલા મહત્વના હુકમમાં ૨૦૨૪ બેચના ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ જુનિયર સ્કેલના પ્રોબેશનર અધિકારીઓને ફિલ્ડ ટ્રેનિંગના ભાગરૂપે વિવિધ તાલુકા અને સબ-ડિવિઝનમાં પ્રાંત અધિકારી તથા સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ તરીકે સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે. જેમાં કચ્છ જિલ્લા તાલીમ માટે ફાળવાયેલા અક્ષર રમેશભાઈ ઠુમ્મરને લખપત તાલુકાના અજમાયશી પ્રાંત અધિકારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ નખત્રાણા ડિવિઝન હેઠળ આવતા લખપત વિસ્તારમાં પ્રાંત અધિકારી અને સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ તરીકેની વહીવટી તથા મેજિસ્ટ્રિયલ કામગીરી સંભાળશે. આ જવાબદારી તા. ૨૬ ડિસેમ્બર, ૨૦૨૬ સુધી રહેશે.
મહેસૂલ વિભાગના તા. ૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૬ના હુકમ મુજબ અક્ષર ઠુમ્મર ફિલ્ડ ટ્રેનિંગ દરમિયાન લખપત તાલુકામાં સ્વતંત્ર રીતે વહીવટી કામગીરીનો અનુભવ મેળવશે. કચ્છમાં નખત્રાણા ડિવિઝન હેઠળ નખત્રાણા અને લખપત એમ બે તાલુકા આવે
છે. સામાન્ય રીતે નખત્રાણા ડિવિઝનના પ્રાંત અધિકારી દ્વારા બંને તાલુકાની કામગીરી જોવામાં આવે છે, ત્યારે હવે તાલીમના ભાગરૂપે લખપત માટે અલગથી અજમાયશી પ્રાંત અધિકારી મુકાતા નખત્રાણા ડિવિઝન વિસ્તારમાં એક સાથે બે અધિકારીઓ પ્રાંત અધિકારી કક્ષાની જવાબદારી સંભાળશે.
લખપત ગુજરાત સરકારની વ્યાખ્યા મુજબ વિકાસશીલ તાલુકો છે અને સરહદી વિસ્તાર હોવાના કારણે અહીં વહીવટ સામે અનેક પડકારો છે. તાલુકામાં શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ સાથે સંકળાયેલા પ્રશ્નો મહત્વના છે. ગ્રામ્ય વિસ્તારોની શાળાઓમાં શિક્ષકોની અછત તેમજ આરોગ્ય કેન્દ્રો અને દવાખાનાઓમાં સ્ટાફની અછત જેવા પ્રશ્નો વચ્ચે વહીવટી તંત્ર માટે અસરકારક કામગીરી પડકારરૂપ બની રહે છે. બીજી તરફ, ચાલુ વર્ષે વરસાદની સ્થિતિ નબળી રહેતા લખપત તાલુકાના અનેક ગામડાઓમાંથી રોજગાર અને ઘાસચારાની શોધમાં સ્થળાંતર શરૂ થયું છે અને કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં વસતી ઘટતી જોવા મળી રહી છે. 
લખપત તાલુકો આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલો હોવાથી સરહદી વિસ્તારની સુરક્ષા અને વહીવટી વ્યવસ્થા પણ મહત્વપૂર્ણ છે. આ ઉપરાંત તાલુકામાં આવેલા યાત્રાધામોના કારણે ધાર્મિક પ્રવાસન પણ મહત્વનું છે. આગામી આસો નવરાત્રી દરમિયાન માતાના મઢ ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટવાની શક્યતા છે ત્યારે યાત્રિકોની સુવિધા, ટ્રાફિક વ્યવસ્થા અને કાયદો-વ્યવસ્થાને લગતી કામગીરી પણ વહીવટી તંત્ર માટે મહત્વની રહેશે. 
લખપત વિસ્તારમાં ખનીજચોરીનો પ્રશ્ન પણ લાંબા સમયથી વહીવટી તંત્ર માટે પડકારરૂપ રહ્યો છે. તાજેતરમાં નખત્રાણા પ્રાંત અધિકારી તથા આસિસ્ટન્ટ કલેક્ટર ઉત્કર્ષ ઉજ્જવલની આગેવાની હેઠળની ખનીજચોરી વિરોધી કાર્યવાહી દરમિયાન લખપત તાલુકાના મુરચબાણ વિસ્તારમાં પથ્થરમારાની ઘટના પણ સામે આવી હતી. આવા સંજોગોમાં ખનીજચોરી સામે કાર્યવાહી, સરહદી વિસ્તારની સંવેદનશીલતા, ગ્રામ્ય સ્થળાંતર, શિક્ષણ-આરોગ્યના પ્રશ્નો અને આગામી તહેવારોની વ્યવસ્થા વચ્ચે લખપતના અજમાયશી પ્રાંત અધિકારી તરીકે અક્ષર ઠુમ્મર માટે ફિલ્ડ ટ્રેનિંગનો સમય પડકારો વચ્ચે વહીવટી અનુભવ મેળવવાનો રહેશે.

Comments

COMMENT / REPLY FROM