ઉગ્ર તપારાધના નિમિત્તે ગૌ વંશ સેવાધામને માતબર રકમનું અનુદાન અપાયું
ભુજ-કચ્છઉદય : જૈન ધર્મમાં આત્મ નિર્જરાથે તપ કરવાનુ અનેરું મહત્વ છે તે જ રીતે સુપાત્ર દાનમાં જીવદયાને પણ અદકેરું અને ઉંચેરુ સ્થાન આપવામાં આવ્યું છે અને એટલે જ જૈન ધર્માવલંબીઓ જીવનમાં વિવિધ કાર્યોમાં જીવદયાને પ્રાધાન્ય આપતા હોય છે. મૂળ કચ્છ કોટડી મહાદેવપુરીના વતની અને હાલે થાણામાં રહેતા પ્રફુલભાઈ વિશનજી ગાલાએ તપ ધર્મની ઉત્તમ આરાધનાના અવસરને જીવદયા કાર્ય માટે અનુદાન આપી પ્રેરક ઉદાહરણ પુરૂ પાડ્યું છે.
પ્રફુલભાઈ ગાલાએ તેમના પત્ની ગીતાબેન ગાલાએ ૪૬ ઉપવાસની ઉગ્ર તપ આરાધના પૂર્ણ કરી તેની ઉજવણી આરંભ સમારંભ સાથે નહી પરંતુ તપસ્યાની અનુમોદના સત્કાર્યો સાથે કરવાનો નિર્ણય કર્યો તે અંતર્ગત જીવદયા તેમજ સાધર્મિક કાર્યમાં અનુદાન આપવાના નવા અભિગમ સાથે અજરામર ટ્રસ્ટ સંચાલિત ગૌ વંશ સેવા ધામને રૂા.૫૪, ૦૦૦ (ચોપન હજાર)ની માતબર રકમનું અનુદાન આપી જીવદયા કાર્યમાં સહયોગી બન્યા છે.
જૈન સમાજ અગ્રણી કમલેશભાઈ સંઘવીની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાન બદલ સંસ્થાના ટ્રસ્ટીઓ મયુર બોરીચા અને દીપક મહેતાએ દાતા પ્રફુલભાઈ ગાલાની ઉદારભાવના બિરદાવી સંસ્થાને અનુદાન આપવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી. જૈન ધર્મના પાવન પર્વ પર્યુષણ પ્રસંગે તપ આરાધના કરનારા દરેક તપસ્વીઓના તપની અનુમોદના માર્ગદર્શક મંડળના વરિષ્ઠ સભ્યો બાબુલાલ મેઘજીભાઈ શાહ, રવિન્દ્રભાઈ સંઘવી, હિંમતસિંહ વસણ, ઈલાબેન મહેતા, નીલેશ મહેતા વિગેરેએ કરતા સંસ્થાના જીવદયા કાર્યમાં સહભાગી બનવા દાતાઓને અનુરોધ કરતા વધુ વિગત માટે સંસ્થાનો સંપર્ક કરવા એક સમાચાર યાદીમાં જણાવ્યું છે.
------

Comments