નખત્રાણાના મથલ બ્રિજ નજીક નર્મદાની પાઇપલાઇનમાં ભંગાણ
એરવાલ્વમાંથી પાણીના ફુવારા ઊડતાં હજારો લીટર પાણી વેડફાયું
નખત્રાણા - કચ્છઉદય : નખત્રાણા - લખપત હાઇવે પર આવેલા મથલ બ્રિજ નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય પાઇપલાઇનમાં અચાનક મોટું ભંગાણ સર્જાયું છે. લાઇનના એરવાલ્વમાં ક્યાંક ખામી સર્જાતાં અથવા ભંગાણ પડતાં પાણીના ઉંચા ફુવારા ઊડવાનું શરૂ થયું હતું, જેના કારણે જોતજોતામાં હજારો લીટર પીવાનું કિંમતી પાણી રસ્તા પર વહીને વેડફાઈ ગયું હતું.
હાઇવેની બિલકુલ નજીક જ આવેલા આ એરવાલ્વમાંથી મોટી માત્રામાં પાણીનો જથ્થો બહાર ધસી આવતાં વિસ્તારમાં પાણીના ફુવારા દ્રશ્યમાન થયા હતા. એક તરફ સરહદી વિસ્તારમાં પાણીની તંગી અનુભવાતી હોય છે, ત્યારે બીજી તરફ આ પ્રકારે પાઇપલાઇનમાં લિકેજના કારણે વ્યાપક પ્રમાણમાં પાણીનો બગાડ થતાં સ્થાનિકોમાં અસંતોષ જોવા મળ્યો છે. ઘટના અંગે જાણ થતાં જ સંબંધિત તંત્ર દ્વારા વહેલી તકે સમારકામ હાથ ધરી પાણીનો વ્યય અટકાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

Comments