Trending News
સ્થાનિક સમાચાર

મંજલની વાડીમાં દંપત્તિએ હથિયારો સાથે ત્રાટકેલા કેબલ  ચોરોને પડકાર્યા પણ અંતે ખેતમજુરને મળ્યું મોત

12 September

બેફામ બનેલા કેબલ ચોરોમાં ખાખીની ધાક ઓસરી... પોલીસ પેટ્રોલીંગ માત્ર કાગળ પર...




રાત્રીના વાડીમાં ચોકીદારી કરતા હતા ત્યારે બે શખ્સો કેબલની ચોરી કરવા આવ્યા અને ઝપાઝપી બાદ ડરના મારે યુવાનનું હૃદય બેસી ગયું : રપ૦ મીટર કેબલ લુંટીને શખ્સો ફરાર : ખેતમજુર પરિવારનો સુખી સંસારનો માળો વિખાયો : પશ્ચિમ કચ્છ પોલીસ ગામડાઓમાં કેબલ ચોરી ડામવામાં નિષ્ફળ નિવડી


ભુજ - કચ્છઉદય : પશ્ચિમ કચ્છના નખત્રાણા વિસ્તારમાં અવારનવાર વાડીઓમાંથી કેબલ ચોરીની ઘટના સામે આવે છે. રાત્રીના સમયે વાડીઓમાં ખેત મજુરો રહેતા હોય અને કામ કરતા હોય ત્યારે નખત્રાણાના મંજલ વિસ્તારમાં ચોરી કરવા માટે આવેલા શખ્સોએ ખેત મજુર પર હુમલો કરતા ડરના માર્યા તે ભાગતા તેનું મોત થતા મામલો મનુષ્ય વધમાં પલ્ટાયો છે. 
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ મંજલ ગામની સીમમાં આવેલ પરેશ ચંદુલાલ માવાણીની વાડીમાં સવારે પાણીની મોટર બગડી જતા તેમણે મોટર બહાર કાઢી હતી. કેબલ ચોરાઈ ન જાય તે માટે વાડીની રખેવાડી કરતા મુળ બોડેલી તાલુકાના ગોગડીયા ગામના ૩પ વર્ષિય કિરણભાઈ દિનેશભાઈ નાયક અને તેમના પત્નિ વાડીમાં કેબલ નજીક એક જ ખાટલા પર સુઈ ગયા હતા. 
દરમ્યાન રાત્રે આશરે બે વાગ્યાના અરસામાં કુહાડી જેવા ઘાતક હથીયારો સાથે બે ઈસમો ચોરીના ઈરાદે વાડીમાં પ્રવેશ્યા હતા. અજાણ્યા આરોપીઓએ ધાક ધમકી કરી દોઢ સો મીટર કેબલની લૂંટ કરી હતી. આરોપીઓની બીકના કારણે દંપતિ અને તેમનું પુત્ર નજીકની વાડી પર ભાગી ગયા હતા. જયાં કિરણભાઈ દિનેશભાઈ નાયક અચાનક ઢળી પડતા મોત થયું હતું. પત્નિ, પુત્ર અને કિરણભાઈ ભાગતા ભાગતા હાઈવે પર આવેલી ભાણેજની વાડીએ પહોંચ્યા હતા. જયાંથી વાડી માલિકને ફોન પર જાણ કરવામાં આવી હતી. તે જ સમયે કિરણભાઈ ખાટલા પરથી ઢળી પડયા હતા. જેમને હોસ્પિટલ લઈ જવાતા તબીબે મૃત જાહેર કર્યા હતા. આ બાબતે હતભાગીના પત્નિ સવિતાબેને નખત્રાણા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ આરોપીઓએ લૂંટ કરવાના ઈરાદે પ્રાણઘાતક હથિયારો સાથે આવી ફરિયાદીની વાડીમાં ગેરકાયદે પ્રવેશ કરી ફરિયાદીના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી બોલાચાલી અને ઝપાઝપી કરી પતિને છાતીના ભાગે ઉંધી કુહાડી મારી હતી. 
ફરિયાદીના પતિ ત્યાંથી ભાગી બીજી વાડી પર ગયા ત્યારે મોત થયું હતું. વાડીમાં રહેલ રપ૦ મીટર કેબલ વાયરની લૂંટ કરવામાં આવી હતી. નખત્રાણા પોલીસે લૂંટ, મનુષ્ય વધ સહિતની કલમો તળે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ આ વિસ્તારમાં વધતી કેબલ ચોરી અને તસ્કરોના આતંક અને અધમ સામે પોલીસ નબળી પુરવાર થઈ રહી છે તેવું વધુ એક વખત સાબિત કર્યું છે.



...............

કેબલ ચોરો સામે કડક ગાળીયો કસાતો નથી... પરિણામે બેફામ બન્યા

એક તરફ હાલમાં પશ્ચિમ કચ્છના ગામડાઓમાં અછતનો માહોલ છે. પાણીનો અપુરતો જથ્થો છે. ખેડૂતો અને પશુપાલકો ઘાસચારાની વ્યવસ્થામાં પરોવાયેલા છે. ભલે ખેતરમાં પાક ન હોય પરંતુ મોટર, કેબલ સહિતનો મુદ્દામાલ વાડીઓમાં રાખેલો હોય છે. સ્વભાવીક રીત કિંમતી મુદ્દામાલ હોવાથી વાડી માલિકો અથવા મજુરો રાત્રીના રખેવાળી કરતા હોય છે. અવારનવાર નખત્રાણા, ભુજ, માંડવી, મુંદરા સહિતના વાડી વિસ્તારમાં બોરના કેબલની ચોરી કરવામાં આવે છે. એક તો ખેતી નથી નુકશાન છે તેમાં ચોરી થાય તો વધારાનું નુકશાન સહન કરવું પડે છે. આવી પરિસ્થિતિમાં પોલીસની કામગીરી પશ્ચિમ કચ્છમાં સાવ ખાડે ગઈ છે. પશ્ચિમ કચ્છ પોલીસની કામગીરી પર નજર કરીએ તો અવારનવાર ચોરાઉ મુદ્દામાલ સાથે શંકાસ્પદ ઈસમો પકડાય પરંતુ કેબલ ચોરોને કડક સજા થઈ હોય અથવા કેબલ ચોરોમાં ધાક બેસી હોય તેવા કોઈ પગલા લેવાયા નથી. તસ્કરો આવે, વાડીઓમાંથી ચોરી કરે, જો પકડાઈ જાય તો મુદ્દામાલ જપ્ત થાય અન્યથા ભંગારના વાડાઓમાં વેચી દેવામાં આવે છે. ઈલેકટ્રીક ડીવાઈસ હોય તો ટ્રેક થાય. તસ્કરો ચોરી કરીને તરત જ કેબલમાંથી કોપર કાઢી લે છે. પછી આ કોપર કઈ વાડીમંથી ચોર્યું હતું તે નક્કી થતું નથી.



................

હુમલાખોરોને પોલીસનો કોઈ ભય જ નથી

લખપતમાં ખનિજ ચોરી રોકવા ગયેલા પ્રાંત અધિકારી પર હુમલો થાય, નખત્રાણામાં જુગારની બાતમી આપવાના મનદુઃખે યુવાન પર હુમલો, ખાવડામાં ચોરી બાબતે પોલીસને બાતમી આપવાના મનદુઃખે સરપંચના પ્રતિનિધિ પર હુમલો અને હવે રાત્રીના વાડીમાં ચોકીદારી કરતા ખેતમજુર દંપતિને ડરાવી ધમકાવતા તેમનો સુખી સંસારનો માળો વિખાય ગયો છે. ભુજમાં બાળકને ગાળ આપવાના મુદ્દે યુવાનની હત્યા કરવામાં આવી હતી. પોલીસની કામગીરી સામે અનેકવિધ સવાલો ઉભા થઈ રહ્યા છે. 

Comments

COMMENT / REPLY FROM