અબડાસા - લખપત સહિતના વિસ્તારમા મોટા ખનિજ માફિયાઓ પર તંત્રના ‘ચાર હાથ’ : અવાર નવાર પોલીસ દ્વારા ટ્રક પકડવામાં આવે અને ખનિજ વિભાગ દંડ આપીને સંતોષ માની લે છે
વાહનોમાં જીપીએસ હોવા છતાં ખનિજ ક્યાંથી ભર્યું તે દિશામાં તપાસના બદલે કરાતા આંખ મિંચામણા સામે સવાલ ઉઠ્યા : વાહન ચાલકોની ઉલટ તપાસ અને લોકોશન ક્રોસ કરાય તો બધુ બહાર આવી જાય...
ભુજ -કચ્છઉદય : કુદરતી ખનીજ સંપત્તિનો અખૂટ ભંડાર ધરાવતા પશ્ચિમ કચ્છમાં ગેરકાયદેસર ખનન અને ખનીજ ચોરીનું દૂષણ હવે એક ખુલ્લું રહસ્ય બની ગયું છે. પોલીસ અને ખાણ ખનીજ વિભાગ દ્વારા રોયલ્ટી વિના ખનીજ ભરેલી ટ્રકોને અવારનવાર ઝડપી પાડવામાં આવે છે, વાહનો સીઝ કરાય છે અને માલિકોને કરોડોમાં દંડ પણ ફટકારાય છે. પરંતુ, આ કાર્યવાહી હંમેશાં ‘ટ્રક’ અને ‘ડ્રાઇવર’ પૂરતી સીમિત રહી જાય છે. આ ગેરકાયદેસર ખનીજ કઈ જગ્યાએથી ખોદીને ભરવામાં આવ્યું, એટલે કે ‘ખનીજની ચોરીનું મૂળ ઉદ્દગમસ્થાન’ કયું છે, તેની તપાસ ક્યારેય થતી નથી. આ અડધી-અધૂરી કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે, ગેરકાયદેસર ખનનનું સંચાલન કરતા મોટા ખનીજ માફિયાઓ પર વહીવટી તંત્રના જાણે ‘ચાર હાથ’ છે, જે તેમને છાવરી રહ્યા છે.
પશ્ચિમ કચ્છના અબડાસા, માંડવી અને ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બેન્ટોનાઇટ, ચાઇના ક્લે, બોક્સાઇટ, અને સાદી રેતી જેવી કિંમતી ખનીજોની ચોરી બેરોકટોક ચાલી રહી છે. તો પુર્વ કચ્છમાં ચાઈના કલે, રેતી, બેન્ટેનાઈટ સહિત અનેક ખનીજ પકડવામાં આવે છે. સ્થાનિક પોલીસ, એલસીબી અથવા ખાણ ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્કવોડ રોયલ્ટી પાસ કે પરમિટ વગર ઓવરલોડ ખનીજ ભરીને જતા વાહનોને પકડે છે, જે બાદ ભુજ ખનિજ વિભાગને રિપોર્ટ કરવામાં આવે છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા વાહન માલિકને નિયમો મુજબ, ચોરી કરાયેલા ખનીજના મૂલ્યના આધારે મોટો દંડ ફટકારવામાં આવે છે. કચ્છમાં કરોડો રૂપિયાનો દંડ વસૂલવાનો બાકી હોવાના સરકારી આંકડા પણ બહાર આવ્યા છે. અહીં સૌથી મોટો અને ગંભીર સવાલ એ ઊભો થાય છે કે, જો ખનીજ ચોરી થઈ છે, તો તે જમીન કઈ છે? કોની માલિકીની છે? અને કોણ ત્યાં ગેરકાયદેસર રીતે ખનન કરી રહ્યું હતું? આ ‘ખાણ’ સુધી પહોંચવાની તપાસ કરવામાં આવતી નથી.
જો ખનીજ ચોરીની જગ્યા પર દરોડો પાડવામાં આવે અને ત્યાં ખોદકામ કરી રહેલા હેવી મશીનરી (હિટાચી કે જેસીબી) પકડાય, તો ખનીજ માફિયાઓ સીધા પકડમાં આવી શકે. પરંતુ, તંત્ર માત્ર રોડ પર જતા વાહનોને જ પકડીને સંતોષ માની લે છે, જેનાથી મોટા માફિયાઓ દર વખતે બચી જાય છે. આ અડધી-અધૂરી કાર્યવાહી પાછળ બે ગંભીર પરિણામો છુપાયેલા છે, જેમાં ગેરકાયદેસર ખનન નિયમોનું પાલન કરાતું નથી. તેના કારણે કુદરતી પાણીના વહેણ બદલાય છે, જમીનની ફળદ્રુપતા ઘટે છે અને પર્યાવરણને અકલ્પનીય નુકસાન થાય છે. જો ટ્રક પકડાય અને ખનીજ ચોરીનું સ્થળ છુપાવવામાં આવે, તો સ્પષ્ટ છે કે, ખનીજ ચોરી પાછળ કોઈ શક્તિશાળી અને રાજકીય પીઠબળ ધરાવતા માફિયાઓ છે. તંત્ર દ્વારા માત્ર ટ્રક ડ્રાઇવરો કે નાના માલિકોને જ દંડ ફટકારવામાં આવે છે, જેથી કરીને મોટા ખનીજ માલિકો અને તેમના ક્વોરી સામ્રાજ્યો સુરક્ષિત રહે. જો ખનીજ ચોરીનું સ્થળ શોધી કાઢવામાં આવે તો, જમીન માલિક સામે કે લીઝ ધારક સામે કડક કાર્યવાહી થઈ શકે અને ખનીજ માફિયાઓ સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ શકે, જેની જગ્યાએ માત્ર દંડ લઈને મામલો રફેદફે કરવામાં આવે છે.
.........
સરકારી તિજોરીને કરોડોનું નુકસાન
પશ્ચિમ કચ્છમાં ખનીજ ચોરીનો દંડ વસૂલવાનો આંકડો પણ કરોડોમાં છે, પરંતુ મોટાભાગનો દંડ હજુ વસૂલવામાં આવ્યો નથી. જો ખનીજ ચોરીના મૂળિયાં સુધી જઈને કડક કાર્યવાહી કરવામાં આવે, તો રાજ્ય સરકારની તિજોરીમાં વાર્ષિક કરોડો રૂપિયાની રોયલ્ટીની આવક થઈ શકે ત્યારે પ્રબુદ્ધ નાગરિકો અને પર્યાવરણ પ્રેમીઓ માંગ કરી રહ્યા છે કે, ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દ્વારા આ સમગ્ર મામલાની ગહન તપાસ થવી જોઈએ અને ખનીજ ચોરીના મૂળ ઉદ્દગમસ્થાન પર સીધી રેડ પાડીને કાયદાનું પાલન કરાવવું જોઈએ, નહીં તો આ માફિયાઓ કચ્છની કુદરતી સંપત્તિનું નિકંદન કાઢતા રહેશે.
............
વિચાર તો કરો કે, આ ખનીજ વિભાગના અમુક બની બેઠેલાઓ કેટલા પાણીમાં બેસી ગયા હશે..! ખાણખનિજ વિભાગે કરવાનુ કામ પોલીસતંત્ર કરે છે, રેવેન્યુ અધિકારીઓ, તંત્ર કરે છે, કલેકટરશ્રીને પણ એક સંયુકત ટાસ્કફોર્સ બનાવવાની જરૂર પડે છે? : માંડવીના વાંઢ પટ્ટામાં પશ્ચીમ કચ્છ એલસીબીએ ખનીજના ગેરકાયદેસર ખનનનો પર્દાફાશ કર્યાના તાજા જ કિસ્સા રહેલા છે, પ્રાંત અધિકારી માંડવી-મુંદરા, ભચાઉએ પણ લાખોની ખનીજચોરી તેમની ઉડતી મુલાકાતે પકડી પાડયા હોવાના કિસ્સા છે, શિરડીમાં પણ હાલમાં મામતલદારશ્રીએ દરોડો પાડી સફળ બેન્ટોઈન ચોરી પકડી પાડી છે, તો પછી ખાણખનિજ વિભાગ શેના માટે છે? તેમના સુપરવાઇઝરને કેમ કોઈ ચોકકસ વિગતો મળતી નથી? કાર્યવાહી થાય છે તેમાં પણ મહદઅંશે કુલડીમાં ગોળ કેમ ભંગાઈ જાય છે?

ટિપ્પણીઓ
હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.