સ્થાનિક સમાચાર
મહાદેવ સટ્ટાકાંડનો રેલો કચ્છ સુધી પહોંચ્યોઃ શું કચ્છના મોટા બુકીઓ તપાસ એજન્સીઓના સકંજામાં આવશે?
અમદાવાદ, વડોદરા, સુરત અને બનાસકાંઠાની સાથે સાથે કચ્છના પણ અમુક મોટા ગજાના બુકીઓ, ફાઇનાન્સરો અને હવાલા ઓપરેટરો કેન્દ્રીય તપાસ એજન્સીઓના રડાર પર આવી જતાં સટ્ટાબજારમાં ભારે ફફડાટ : દુબઈમાં યોજાયેલી મહાદેવ એપની સક્સેસ પાર્ટી અને ફેબ્રુઆરી ૨૦૨૩માં યુએઈના રાસ અલ ખૈમાહ ખાતે યોજાયેલા સૌરભ ચંદ્રાકરના શાહી લગ્નમાં કચ્છના ફાઇનાન્સરો, બુકિંગ ઓપરેટરો અને હવાલા ઓપરેટરો ચાર્ટર્ડ પ્લેન મારફતે પહોંચ્યા હોવાના ચોંકાવનારા ખુલાસા
એસપીશ્રી તપાસ કરાવે કે આ રોલેક્ષ ઘડિયાલ જેમને મળેલી છે તેમની સેવા તે વખતે કયા હતી? શેના પેટે આ રોલેક્ષ ઘડીયાલ અપાઈ છે? સાયબર ક્રાઈમમાં તે વખતના આ અધિકારીને સટ્ટાની માહીતીઓ ન બહાર લાવવા પેટે તો કયાંક રોલેક્ષ ઘડીયાલ લાખેણી અપાઈ ન હતી ને? હજુ પણ અમુક જુના જોગીઓ અહી ચીટકીને બેઠા છે, તેમની પણ ફેરતપાસ કરવી છે જરૂરી?
ખાટલે મોટી ખોટ : ક્રિકેટ સટ્ટાના કાળા નાણાંમાંથી કચ્છમાં કરોડોના રોકાણો; સિણાય પાસે બુકીઓએ સોસાયટીઓ ખડકી દઈ રિયલ એસ્ટેટમાં જંપલાવ્યું ‘ખાખી’ના અમુક અધિકારીઓ પણ બુકીઓની મહેરબાનીથી ‘બે પાંદડે’ થયા, આવા ભ્રષ્ટ ખાખી અધિકારીના કાંડા પર આજે પણ અને ૨૦ લાખની રોલેક્સ ઘડિયાળ શોભી રહી છે..? વિચાર તો કરો, ગાંધીધામ-કંડલા સંકુલમાં ક્રીકેટ સટ્ટાકાંડનું સિન્ડીકેટનું નેટવર્ક કેટલુ ધમધમી રહ્યુ હશે?
ગાંધીધામ : દેશભરમાં ચકચાર મચાવનાર રૂ. ૯૪ હજાર કરોડના કથિત મહાદેવ ઓનલાઈન સટ્ટા-બેટિંગ કૌભાંડમાં હવે સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની તપાસનો રેલો ગુજરાત અને ખાસ કરીને કચ્છ સુધી લંબાયો છે. અમદાવાદ, વડોદરા, સુરત અને બનાસકાંઠાની સાથે સાથે કચ્છના પણ અમુક મોટા ગજાના બુકીઓ, ફાઇનાન્સરો અને હવાલા ઓપરેટરો કેન્દ્રીય તપાસ એજન્સીઓના રડાર પર આવી જતાં સટ્ટાબજારમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. આગામી દિવસોમાં કચ્છના કેટલાક પેનલ ઓપરેટરો અને બુકીઓ પર તવાઈ આવે તેવી પ્રબળ શક્યતા સેવાઈ રહી છે.તપાસ એજન્સીઓની વિગતો મુજબ, સપ્ટેમ્બર ૨૦૨૨માં દુબઈમાં યોજાયેલી મહાદેવ એપની સક્સેસ પાર્ટી અને ફેબ્રુઆરી ૨૦૨૩માં યુએઈના રાસ અલ ખૈમાહ ખાતે યોજાયેલા સૌરભ ચંદ્રાકરના શાહી લગ્નમાં કચ્છના ફાઇનાન્સરો, બુકિંગ ઓપરેટરો અને હવાલા ઓપરેટરો ચાર્ટર્ડ પ્લેન મારફતે પહોંચ્યા હોવાના ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે.સ્થાનિક વર્તુળોમાં ચાલતી ચર્ચા મુજબ, કચ્છના આ સટ્ટોડિયાઓએ ક્રિકેટ સટ્ટા અને ઓનલાઈન બેટિંગમાંથી કમાયેલા કરોડો રૂપિયાના કાળા નાણાંને સફેદ કરવા માટે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં મોટું રોકાણ કર્યું છે. ખાસ કરીને ગાંધીધામ-આદિપુર નજીક આવેલા સિણાય પાસે અમુક બુકીઓએ તો આખેઆખી રહેણાંક સોસાયટીઓ ઊભી કરી દઈને બિલ્ડર લોબીમાં
પગપેસારો કરી લીધો છે.જાણકારો કહી રહ્યા છે કે, સૌથી ચોંકાવનારી બાબત એ છે કે કચ્છમાં સટ્ટાનું આ નેટવર્ક કોઈપણ રોકટોક વગર ફૂલ્યુંફાલ્યું છે, તેની પાછળ ખાખી વર્દીના અમુક ભ્રષ્ટ અધિકારીઓના ‘આશીર્વાદ’ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સટ્ટોડિયાઓની મહેરબાનીથી પોલીસ તંત્રના અમુક અધિકારીઓ પણ રાતોરાત ‘બે પાંદડે’ થઈ ગયા છે. એટલું જ નહીં, બુકીઓ તરફથી અમુક ખાખીધારીઓને અંદાજે રૂ. ૨૦ લાખની કિંમતની મોંઘીદાટ ‘રોલેક્સ‘ ઘડિયાળો પણ ભેટમાં આપવામાં આવી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે, જે હાલ આ અધિકારીઓના કાંડા પર શોભી રહી છે.હાલમાં સીબીઆઈ દ્વારા ૧,૦૦૦થી વધુ બેંક ખાતાઓ, આંગડિયા પેઢીઓ અને હવાલા નેટવર્કની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. ત્યારે જો કેન્દ્રીય એજન્સીઓ કચ્છમાં ઊંડાણ
પૂર્વક તપાસ કરે, તો મોટા બુકીઓની સાથે સાથે તેમની સાથે સાંઠગાંઠ ધરાવતા અમુક ખાખીધારીઓના પગ નીચેથી પણ જમીન સરકી જાય તેમ છે.
.............

ટિપ્પણીઓ