શોભાયાત્રામાં માનકુવા નરનારાયણ દેવ યુવતી મંડળ બેન્ડ પાર્ટીએે આકર્ષણ જમાવ્યું
નેપાળ - કચ્છઉદય : નેપાળ દેશમાં હિમાલયમાં આવેલી મુક્તિનાથ ધામના માર્ગમાં મોદીબેની નદીના સંગમ તટે અતિ પ્રાચીન ભગવાન નરસિંહક્ષેત્ર તથા ગોપાલયોગી આશ્રમ આવેલું છે. આ આશ્રમમાં આજથી ૩૦૦ વર્ષ પહેલાં ભગવાન સ્વામિનારાયણ નીલકંઠવર્ણી રૂપે પધાર્યા હતા. તે સમયે આઆશ્રમમાં એક મહાન અષ્ટાંગ યોગસિદ્ધ ગોપાલયોગી નામના યોગી રહેતા હતા. તેમની પાસેથી નીલકંઠ વર્ણી એક વર્ષ રહીને અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો હતો. હિમાલયના અતિ ઉંચા ત્રણ પહાડોની વચ્ચે મોદી અને બેની નદીનો સંગમ છે. આ સંગમમાં આવેલ પરમ પાવન આશ્રમમાં નીલકંઠ વર્ણીએ જે સ્થાનમાં અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો હતો એ સ્થાનમાં નીલકંઠ વર્ણી તેમજ યોગીરાજ ગોપાલ યોગીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્થાનમાં મંદિરનું નિર્માણ કરતા પરમ પૂજ્ય શ્રીજી પ્રસાદ સ્વામીજી તેમજ નરનારાયણ પ્રસાદ સ્વામીજી આ બંને સંતો છેલ્લા ૩૦ વર્ષથી નેપાળમાં રહીને સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે તેમજ મોદીબેની જોમશન, મુક્તિનાથ, મહાશિલા, ગોમતીઘાટ જેવા અનેક સ્થાનોમાં સ્વામિનારાયણ ધર્મશાળાઓનું નિર્માણ કરીને યાત્રિકો માટે રહેવાની સારી સુવિધા તૈયાર કરી છે. આ બંને સંતોના અધ્યક્ષ સ્થાને મૂર્તિ પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવાયો હતો. આ ઉત્સવમાં ભુજ મંદિરના મહંત સદ્દગુરૂ પુરાણી સ્વામી ધર્મનંદનદાસજીની આજ્ઞા અને આશીર્વાદથી પરમ પૂજ્ય પાર્ષદવર્ય શાસ્ત્રી માવજી ભગતજી, શાસ્રી સ્વામી ગોવિંદ પ્રસાદ દાસજી, પુરાણી સ્વામી ઈશ્વર સ્વરૂપદાસજી, પુરાણી સ્વામી સરજુદાસજી, પુરાણી સ્વામી હરિમુકુંદદાસજી, પુરાણી સ્વામી પરમેશ્વર સ્વરૂપદાસજી, ડો. સ્વામી સત્યપ્રસાદદાસ, પુરાણી સ્વામી રામકૃષ્ણ દાસજી, સ્વામી સુખનંદનદાસજી, સ્વામી વિશ્વ સ્વરૂપદાસજી, સ્વામી ભગવાનદાસજી, સ્વામી પ્રેમ સ્વરૂપદાસજી, સ્વામી ધ્યાનેશ્વર દાસજી આદિક સંતો તેમજ ભુજ મંદિર અને માનકુવા મંદિરના સાંખ્યયોગી બહેનો તથા માનકુવા નરનારાયણ દેવ યુવતી મંડળની યુવતીઓ બેન્ડ પાર્ટી લઈને ઉત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ દિવસે આશ્રમમાં સવારે મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મોદીબેની શહેરમાં ભવ્ય નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માનકુવાથી નરનારાયણ દેવ યુવતી મંડળની યુવતીઓની બેન્ડ પાર્ટી જોડાઈ હતી, જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ નગરયાત્રામાં સંસ્કૃત પાઠશાળાના ૬૦ જેટલા વિદ્યાર્થીઓ, આચાર્યો અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. શોભાયાત્રા વિરામ બાદ એક વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નેપાળના નાણાકીય મંત્રી જીત બહાદુર શેરચંદ ઉપસ્થિત રહ્યા હતા. સભાના અધ્યક્ષ શ્રીજી પ્રસાદ સ્વામીએ જણાવ્યું હતું કે, નેપાળની યાત્રા કરવા આવતા શ્રદ્ધાળુ યાત્રિકો માટે સ્વામિનારાયણ ધર્મશાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં રહેવાની અને ભોજન બનાવવાની સારી સુવિધા ઉપલ્બધ કરાઈ છે. નેપાળના મંત્રીએ જણાવ્યું હતું કે, ભારત અને નેપાળ બંનેનો સંબંધ બે ભાઈ તથા બે મિત્ર જેવો છે. ભારતથી સંતો અહીંયા પધારીને નેપાળના લોકોને સત્સંગનો લાભ આપી રહ્યા છે, જે અતિ આનંદ અને ગૌરવની વાત છે. ભુજ સ્વામિનારાયણ મંદિરના ડો. સત્યપ્રસાદ સ્વામીએ નીલકંઠ વર્ણીની અષ્ટાંગ યોગવિદ્યા વિશે તેમજ ભારત અને નેપાળના લોકોનો સનાતન ધર્મ વિશે એક જ સિધ્ધાંત અને એક જ સંસ્કૃતિ અને સંસ્કારની એકતા વિશે જણાવ્યું હતું. આ ભવ્ય કાર્યક્રમમાં લંડનથી સુરેશભાઈ રાબડીયા, હરિભાઈ જાદવજી હાલાઈ, કપીલભાઈ રાબડીયા, ઉમંગભાઈ જેસાણી તેમજ સુખપરના કાંતિભાઈ મેપાણી, મુંબઈથી નિતિનભાઈ ખુથીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ટિપ્પણીઓ
હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.