સરલી આયુષ્માન આરોગ્ય મંદિરનો ઉદ્દઘાટન સમારોહ યોજાયો
સરલી ગામ સહિત આસપાસના વિસ્તારના લોકોને ઘરઆંગણે ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ બનશે
ભુજ - કચ્છઉદય : સરલી (તા. ભુજ) ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દહીસરા હેઠળના સરલી આયુષ્માન આરોગ્ય મંદિરની નવીન ઇમારતના ઉદ્દઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, આરોગ્ય સમિતિના ચેરમેન રણજીતસિંહ જાડેજા, જિલ્લા પંચાયત સભ્ય ધનબાઈ પિંડોરિયા, તાલુકા પંચાયત સભ્ય વનિતાબેન કારા, સરપંચ પ્રફુલ્લભાઈ ખીમાણી, ક્યુએમઓ ડો. અરોરા, ટીએચઓ ડો. રવિ, મેડિકલ ઓફિસર ડો. ક્રિષ્નાબેન, એએમઓ ડો. યસ્મિતાબા, ઇન્દુમતીબેન, રમેશભાઈ, રવજી ભાઈ, વિશ્રામ ભાઈ, કિશોર ભાઈ સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, ગામના આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ મહાનુભાવોના હસ્તે સરલી આયુષ્માન આરોગ્ય મંદિરની નવીન ઇમારતનું વિધિવત ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આરોગ્ય સમિતિના ચેરમેન રણજીતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આયુષ્માન આરોગ્ય મંદિર ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને તેમના ઘરઆંગણે જ ગુણવત્તાયુક્ત અને સુલભ આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. સરકારની વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે અને ગામના દરેક નાગરિકને સમયસર આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ સેવાભાવના સાથે કામગીરી કરવા અનુરોધ કર્યો હતો.
સરલી આયુષ્માન આરોગ્ય મંદિરની નવીન ઇમારત કાર્યરત થવાથી સરલી ગામ તેમજ આસપાસના વિસ્તારના લોકોને વધુ સારી પ્રાથમિક આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ બનશે. અહીં માતા અને બાળ આરોગ્ય સેવાઓ, રસીકરણ, બિનચેપી રોગોની તપાસ, આરોગ્ય તપાસણી, આરોગ્યલક્ષી માર્ગદર્શન સહિતની વિવિધ આરોગ્ય સેવાઓ સ્થાનિક સ્તરે મળી રહેશે. જેના પરિણામે ગ્રામ્ય વિસ્તારના લોકોને આરોગ્ય સેવાઓ માટે દૂર સુધી જવાની જરૂરિયાતમાં ઘટાડો થશે. કાર્યક્રમને સફળ બનાવવા આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ, ટીએમપીએચએસ રાજુભાઈ, એફએચએસ નયનાબેન, આશા બહેનો તથા ગ્રામજનો દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો.
-----

Comments