કચ્છમાં દુષ્કાળની અમલવારી અને શિક્ષકોની ઘટ મુદ્દે કોંગ્રેસે ઉઠાવ્યો અવાજ
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલે કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક પગલાં ભરવા કરી રજૂઆત
ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લામાં દુષ્કાળની સ્થિતિને પગલે પશુઓ માટે ઘાસચારો અને પીવાના પાણીની વ્યવસ્થા તાત્કાલિક શરૂ કરવા સહિત ખેડૂતોને વધુ આર્થિક સહાય અને દેવા માફીની માંગ સાથે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વી.કે. હુંબલ તથા પ્રતિનિધિમંડળે જિલ્લા કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું. બીજી તરફ ભુજ તાલુકાના સુમરાસર શેખની શાળા નંબર-૧માં શિક્ષકોની ગંભીર ઘટ દૂર કરવા જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી.
દુષ્કાળ અંગેના આવેદનપત્રમાં જણાવાયું હતું કે, સરકાર દ્વારા કચ્છને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી પહેલી નવેમ્બરથી રાહત કામગીરી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ ૧૬ નવેમ્બર સુધી જરૂરી પરિપત્ર બહાર પડ્યો ન હોવાથી ઘાસડેપો અને રાહતભાવે ઘાસ વિતરણની કામગીરી શરૂ થઈ નથી. પશુઓ માટે ઘાસચારાના ભાવ આસમાને પહોંચ્યા છે અને માલધારીઓ હિજરત કરવા મજબૂર બન્યા છે. પશુઓનાં મોતની સ્થિતિને ધ્યાનમાં રાખી તાત્કાલિક ઘાસડેપો શરૂ કરવા, પીવાના પાણીનું આગોતરું આયોજન કરવા તેમજ મનરેગા હેઠળ રાહત કામો શરૂ કરવાની માંગ કરાઈ હતી.
ખેડૂતોના પાક નિષ્ફળ જતાં જાહેર કરાયેલી હેક્ટરદીઠ રૂ. ૮,૫૦૦ની સહાય બે હેક્ટરની મર્યાદામાં રૂ. ૧૭,૦૦૦ સુધી જ મળવાની જોગવાઈ સામે કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો હતો. વર્ષ ૨૦૧૮માં અતિવૃષ્ટિ વખતે બે હેક્ટરની મર્યાદામાં રૂ. ૪૪ હજાર ચૂકવાયા હોવાનો ઉલ્લેખ કરી હાલની પરિસ્થિતિમાં ખેડૂતોને ઓછામાં ઓછા રૂ. ૫૦ હજારની સહાય આપવા માંગ કરવામાં આવી હતી. સાથે ગુજરાતના ખેડૂતોનાં દેવા સંપૂર્ણ માફ કરવાની પણ અપીલ કરાઈ હતી.
આ ઉપરાંત ભુજ તાલુકાના સુમરાસર શેખની શાળા નંબર-૧માં ૪૬૦ જેટલા બાળકો અભ્યાસ કરે છે, જ્યારે મંજૂર ૧૨ શિક્ષકોના મહેકમ સામે માત્ર પાંચ શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે અને સાત જગ્યાઓ ખાલી છે. સરકારી કામગીરીમાં શિક્ષકોને જોડવામાં આવતા અભ્યાસ પર વધુ અસર થવાની ભીતિ વ્યક્ત કરાઈ હતી. આગામી શિક્ષક ભરતીમાં આ શાળાનો સમાવેશ કરી ખાલી જગ્યાઓ ભરવા રજૂઆત કરવામાં આવી હતી.
આ અંગે તાલુકા પંચાયતના સભ્ય ગીતાબેન, ગ્રામજનો, મહિલાઓ અને શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી હોવાનું જણાવાયું હતું. જો શિક્ષકોની ઘટ દૂર નહીં થાય તો વાલીઓ બાળકો સાથે જિલ્લા પંચાયત કચેરીએ આવી આંદોલન કરશે તેવી ચીમકી પણ રજૂઆતમાં દર્શાવવામાં આવી હતી. બંને આવેદનપત્રો દ્વારા વી.કે. હુંબલે દુષ્કાળની રાહત કામગીરી અને શિક્ષણના પ્રશ્ને તંત્ર તાત્કાલિક નિર્ણય લે તેવી માંગ કરી હતી.
---------

Comments