Trending News
સ્થાનિક સમાચાર

દિવાળીના તહેવારોમાં પણ એમએમપીજે લેવા પટેલ હોસ્પિટલની આરોગ્ય સેવાઓ અવિરત 

16 November


દરરોજ ૧૨૫થી વધુ દર્દીઓને ઇમરજન્સી સારવાર અપાઈ

ભુજ - કચ્છઉદય : કચ્છની અગ્રણી સેવાભાવી આરોગ્ય સંસ્થા કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ સંચાલિત માતુશ્રી મેઘબાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર (લેવા પટેલ હોસ્પિટલ), ભુજ દ્વારા દિવાળીના તહેવારો દરમિયાન પણ ૨૪ કલાક અવિરત આરોગ્ય સેવાઓ ચાલુ રાખવામાં આવી હતી. તહેવારોની જાહેર રજાઓ દરમિયાન હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં દરરોજ ૧૨૫થી વધુ દર્દીઓને તાત્કાલિક તબીબી સારવાર પૂરી પાડવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન ફટાકડા સહિતનાં વિવિધ કારણોસર દાઝેલા દર્દીઓને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી, જ્યારે અંદાજે ૧૧ અતિ ગંભીર દર્દીઓને વધુ સઘન સારવાર અને સતત દેખરેખ માટે આઈ.સી.યુ.માં દાખલ કરવામાં આવ્યા હતા.
હોસ્પિટલના વિવિધ વિભાગોએ પણ આ સમયગાળા દરમિયાન નોંધપાત્ર તબીબી સેવાઓ આપી હતી. ઓર્થોપેડિક વિભાગમાં અકસ્માતમાં ફ્રેક્ચર થયેલા ૫ દર્દીઓની સફળ સારવાર કરવામાં આવી હતી, જ્યારે જનરલ સર્જરી વિભાગમાં ૫ મેજર સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી હતી. આ ઉપરાંત ગાયનેકોલોજી વિભાગમાં પ્રસૂતિ તથા સ્ત્રીરોગ સંબંધિત અને પીડિયાટ્રિક વિભાગમાં બાળરોગ સંબંધિત દર્દીઓને પણ સમયસર સારવાર પૂરી પાડવામાં આવી હતી. આમ, ઇમરજન્સીથી લઈને જટિલ સર્જરી અને અન્ય વિશેષ તબીબી સેવાઓ સુધી હોસ્પિટલની ટીમે સતત કાર્યરત રહી દર્દીઓની સારવાર સુનિશ્ચિત કરી હતી.
દિવાળીના તહેવારો દરમિયાન પણ પોતાના પરિવારથી દૂર રહી દર્દીઓની નિષ્ઠાપૂર્વક અને અવિરત સેવા કરનાર હોસ્પિટલના તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ તથા વહીવટી કર્મચારીઓની કામગીરીને કચ્છી લેવા પટેલ સમાજ, ભુજના પ્રમુખ વેલજીભાઈ રામજી પિંડોરિયા, હોસ્પિટલ ટ્રસ્ટના અધ્યક્ષ ગોપાલભાઈ માવજી ગોરસિયા, મનજીભાઈ પિંડોરિયા, અરજણભાઈ પિંડોરિયા તેમજ ઇમરજન્સી વિભાગના દાતા વિશ્રામભાઈ જાદવા મેઘજી વરસાણી સહપરિવાર (વિજય કન્સ્ટ્રકશન સીસ્લ્સ) દ્વારા બિરદાવવામાં આવી હતી. આ તમામ અગ્રણીઓએ કર્મચારીઓને અભિનંદન પાઠવી તેમની સેવાભાવના, નિષ્ઠા અને સમર્પણની પ્રશંસા કરી હતી. ટ્રસ્ટીઓ તથા હોસ્પિટલ મેનેજમેન્ટે પણ તમામ કર્મચારીઓની સેવાભાવનાને બિરદાવી હતી. દિવાળીના પર્વમાં પણ અવિરત આરોગ્ય સેવાઓ જાળવી રાખીને લેવા પટેલ હોસ્પિટલે માનવસેવા અને દર્દી કલ્યાણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વધુ એક વખત સાર્થક કરી છે. 
------

Comments

COMMENT / REPLY FROM