કચ્છ-વાગડના જૈન સમાજના ઘડતરમાં આચાર્ય કલાપ્રભસૂરિજીનું યોગદાન અવિસ્મરણીય
ભુજના આરાધના ભવન જૈન સંઘમાં છઠ્ઠી સ્વર્ગતિથિએ ગુણાનુવાદ સભા સહિત ધાર્મિક અનુષ્ઠાનો યોજાયાં
ભુજ - કચ્છઉદય : કચ્છ-વાગડના જૈન સમાજના માર્ગદર્શક અને ગચ્છાધિપતિ જૈનાચાર્ય શ્રીમદ્ વિજય કલાપ્રભસૂરીશ્વરજી મહારાજ સાહેબની છઠ્ઠી સ્વર્ગતિથિ ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવી હતી. શ્રી આરાધના ભવન જૈન સંઘ, ભુજના ઉપક્રમે ચાતુર્માસ નિશ્રાદાતા પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય આનંદવર્ધનસૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય આત્મદર્શનસૂરીશ્વરજી મહારાજ સાહેબ સહિત ૧૮ સાધુ-સાધ્વીજી ભગવંતોની પાવન નિશ્રામાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
કાર્યક્રમનો પ્રારંભ સ્નાત્ર મહોત્સવ અને ગુરુવંદનાથી થયો હતો. ત્યારબાદ યોજાયેલી ગુણાનુવાદ સભામાં આચાર્ય શ્રી આત્મદર્શનસૂરીશ્વરજી મહારાજ સાહેબે ગુરુદેવના જીવન અને સેવાકાર્યોને ભાવપૂર્વક યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, પૂજ્ય ગુરુદેવ મધુરભાષી, સરળ સ્વભાવના, અજાતશત્રુ અને વિરલ વ્યક્તિત્વના ધણી હતા. જિનશાસનના તેજસ્વી તારલા સમાન ગુરુદેવે ભૂકંપગ્રસ્ત કચ્છ-વાગડમાં સાધર્મિક પરિવારોને ફરી બેઠા કરવા તેમજ નષ્ટ પામેલાં જિનાલયો, ઉપાશ્રયો અને અન્ય ધાર્મિક સ્થળોના નવનિર્માણ તથા જીર્ણોદ્ધાર માટે અથાગ પરિશ્રમ કર્યો હતો. તેમના આ સેવાકાર્યો અને કચ્છ-વાગડ પ્રત્યેના યોગદાનને સમાજ ક્યારેય ભૂલી શકશે નહીં તેમ તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે સામૂહિક ઉપવાસ, પોષધ સહિતનાં ધાર્મિક અનુષ્ઠાનોમાં મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ જોડાયાં હતાં. ભાવિકોએ ગુરુદેવને નતમસ્તકે ભાવાંજલિ અર્પી હતી. પરમાત્માની અંગરચના, મંગળ આરતી અને પ્રભાવના સહિતના કાર્યક્રમો પણ યોજાયા હતા. આ પ્રસંગે સંઘના મેનેજિંગ ટ્રસ્ટી કમલભાઈ મહેતા, માનદ મંત્રી ચંદુલાલભાઈ ગઢેચા, સંઘના હોદ્દેદારો, ટ્રસ્ટીમંડળના સભ્યો, યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે સંઘના મીડિયા કન્વીનર વેલજીભાઈ ગણેશભાઈ મહેતાએ યાદીમાં જણાવ્યું હતું.
-------

Comments