દિવાળીના તહેવારોમાં બિદડા સર્વોદય ટ્રસ્ટે બાળકોની આંખોમાં દિપ પ્રગટાવ્યા
બે દિવસીય ત્રાંસી આંખ શિબિરનું કરાયું આયોજન
બિદડા - કચ્છઉદય : જન્મથી જ આંખ ત્રાંસી હોય તેવા બાળકો માટે ત્રાંસી આંખને સીધી કરી આપવા માટેનો ટ્રસ્ટ દ્વારા બે દિવસ ત્રાંસી આંખ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુંં, જેમાં ર૮ બાળકોની આંખની તપાસણી કરવામાં આવી હતી અને તે પૈકી ૭ બાળકોના આંખના ઓપરેશન અને ૩ બાળકોના બંને આંખના ઓપરેશન એવી રીતે કુલ ૧૦ ઓપરેશન કરવામાં આવ્યા હતા. આ શિબિરમાં પાંચ વર્ષના બાળકથી માંડી ૩૮ વર્ષની મહિલાની સંસ્થાનાં અતિ આધુનિક ઉપકરણોથી સજજ એવા એંકરવાલા આઈ ઓપરેશન થિયેટરમાં મુંબઈથી આવેલ નિષ્ણાંત ત્રાંસી આંખના સર્જન ડો. અતુલ શેઠ અને ડો. સૈયદ ફરાઝ હુસૈને ખૂબ જ કાળજીપૂર્વક આ જટીલ ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યા હતા.
નાના બાળકોને ઓપરેશન માટે એનેસ્થેસીયા આપેલ, જેમાં એનેસ્થેટીક ડો. જેસી એલિઝાબેથ વેનલ અને ડો. મૃણાલ લેંગોટેએ અગત્યની સેવાઓ આપી હતી. સંસ્થાના સ્થાનિક આંખના ડો. વિરલ રાણા પણ મદદરૂપ બન્યા હતા. ત્રાંસી આંખનાં નિષ્ણાંત સર્જન ડો. અતુલ શેઠના જણાવ્યાં મુજબ એક આંખમાં ઉપર-નીચે તથા આંખની બન્ને બાજુમાં કુલ ચાર સ્નાયુ હોય છે. આ સ્નાયુ નબળા થઈ ગયા હોય અથવા કામ કરતા ન હોય તો આ સ્નાયુને જીવંત કરી સ્નાયુની હલચલ વધારી ત્રાંસી આંખને કેન્દ્રમાં ગોઠવવી પડે છે. આ કઠીન ઓપરેશન ખૂબજ કાળજીપૂર્વક કરવામાં આવે છે.
સંસ્થાના ચેરમેન વિજય છેડાએ જણાવ્યું કે, આંખના ઓપરેશન તો ઘણી જગ્યાએ થાય છે, પરંતુ ત્રાંસી આંખ જેવા જટીલ ઓપરેશન વિનામૂલ્યે કચ્છમાં માત્ર બિદડા સર્વોદય ટ્રસ્ટ મધ્યે જ કરવામાં આવે છે. આ યોગદાન બદલ સ્થાનિક ટ્રસ્ટીઓ શાંતિભાઈ વીરા અને ડો. મયુર મોતાએ ડોકટરોની સેવાઓને બિરદાવી હતી. આ ત્રાંસી આંખ શિબિરમાં મોહન મહેશ્વરી, શંકર અદેપાલ, રાજેશ મહેશ્વરી, સતીષ મહેશ્વરી, મોહન પરમાર, અમુલ ગોર અને નિતીન ગોરે વ્યવસ્થા જાળવી હતી.
----------

Comments