બીકેટી દ્વારા ચપરેડી-અટલનગર ગામે વિવિધ કામોનું લોકાર્પણ કરાયું
ભુજ - કચ્છઉદય : બાલક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝ લિ. તરફથી સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે વર્ષ૨૦૨૫-૨૬ તેમજ ૨૦૨૬-૨૭ અંતર્ગત ચપરેડી - અટલનગર ગામે કુલ ૨૫,૨૩,૨૮૦ના ખર્ચે લોકોપયોગી કાર્યો કરવામાં આવ્યા છે, જેમાં વર્ષ ૨૦૨૫-૨૬ અંતર્ગત ગામ માટે સાર્વજનિક શેડ અને સીસીટીવી કેમેરાની સુવિધા ઊભી કરવામાં આવી છે. જ્યારે વર્ષ ૨૦૨૬-૨૭ અંતર્ગત શશેવારી તળાવ અને છેલેવારો તળાવને ઊંડા કરવામાં આવ્યા છે.
ચપરેડી ગામમાં વિવિધ સમાજ સ્થાયી થયા છે. દરેક સમાજ એમના સામાજિક, ધાર્મિક કે અન્ય પ્રસંગો સામૂહિક રીતે ઉજવતો હોય છે તેમજ સમગ્ર ગામના સાર્વજનિક કાર્યક્રમો પણ વર્ષ દરમિયાન યોજાતા હોય છે. આવા વખતે આ સાર્વજનિક શેડ ખૂબજ આશીર્વાદરૂપ બનશે, જેમાં ખાસ કરીને મંડપની વ્યવસ્થા અને રસોડાની વ્યવસ્થા મુખ્ય હોય છે. જેના માટે દર વર્ષે હંગામી વ્યવસ્થા ઊભી કરવામાં આવતી હોય છે અને ખર્ચ પણ વધી જતો હોય છે. આ બધી વ્યવસ્થાના ઉકેલના ભાગરૂપે શેડ એ બહુ મહત્વપૂર્ણ ભાગ ભજવતો હોય છે. સરપંચ તેમજ સમગ્ર ગામની જરૂરી માંગણીને ધ્યાને લઈને બીકેટીના વર્ષ ૨૦૨૫-૨૬ના સીએસઆર ભંડોળમાંથી આ સુંદર શેડ ઊભો કરવામાં આવ્યો છે તેમજ ગામની સુરક્ષા માટે ગામમાં ૧૬ જેટલા સીસીટીવી કેમેરા લાગાવવામાં આવ્યા છે. જે આજના સમયમાં ખૂબજ જરૂરી વ્યવસ્થા છે. વિશેષ જે કામગીરી ચપરેડી સમગ્ર પંથકમાં થઈ એ ૬૭ બોરવેલ રિચાર્જ કરવામાં આવ્યા હતા, જેના લીધે પાણીનું સ્તર ઊંચું આવ્યું અને ટીડીએસ પણ ઘટ્યા. એ વિસ્તારના ખેડૂતોને જેનાથી ગત વર્ષે સારો લાભ થયો હતો.
આ લોકાર્પણ ગુજરાત રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના મંત્રી ત્રિકમભાઈ બીજલભાઈ છાંગાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સામાજિક અને રાજકીય અગ્રણીઓ તેમજ વિવિધ ગામના સરપંચો તથા ચપરેડી ગામના અગ્રણીઓ અને ગ્રામજનો હાજર રહ્યા હતા. સીએસઆરના શ્રી ઝાલાએ બીકેટી કંપની દ્વારા સમાજને ઉપયોગી એવા કામો કરવા માટે સીએસઆર ફંડ હેઠળ મંજૂરી આપવા બદલ બીકેટીના મેનેજમેન્ટનો અભાર માન્યો હતો. આ પ્રસંગને અનુરૂપ મંત્રી શ્રી છાંગાએ સીએસઆર હેઠળ કંપનીના કામની સરાહના કરી હતી. બીકેટી દ્વારા જે ગામોમાં જરૂરી તેમજ લોકોપયોગી કામો કરવામાં આવી રહ્યા છે તે માટે પણ ધન્યવાદ પાઠવ્યા હતા. મહેમાનોનું શાબ્દિક સ્વાગત અશોકભાઈ ગાગલે કર્યું હતું. આભારવિધિ ભીમજીભાઈ કેરાસિયા કરી હતી. જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન હરિભાઈ કારાએ કર્યું હતું. બીકેટી કંપની તરફથી સીએસઆરના એજીએમ ડી.બી. ઝાલા અને સિનિયર ઓફિસર પ્રત્યંચ અંજારીઆ હાજર રહ્યા હતા.
--------

Comments