Trending News
ક્રાઈમ

ગાંધીધામ બી-ડિવિઝન પોલીસનો સપાટોઃ ગુડ્‌સ શેડ પુલિયા  પાસેથી ૪.૫૩ લાખના દારૂ-કાર સાથે ૧ ઝડપાયો, બે ફરાર

16 November




રેલવેના વહીવટદાર ગણાતા ’રાજુ’એ દારૂ સપ્લાય કર્યો હોવાની અટકળો તેજ; પોલીસની કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ

ગાંધીધામઃ શહેરમાં દારૂની બદીને નેસ્તનાબૂદ કરવા ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે બાતમીના આધારે ગુડ્‌સ શેડ પુલિયા પાસે વોચ ગોઠવીને વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે સ્થળ પરથી એક શખ્સને દબોચી લઈને દારૂ, કાર અને મોબાઈલ સહિત કુલ ૪,૫૩,૦૨૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે દારૂ મંગાવનાર અને સપ્લાય કરનાર સહિત બે શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા છે.પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, ગાંધીધામ બી-ડિવિઝન પોલીસની ટીમે ગુડ્‌સ શેડ પુલિયા પાસેથી 
પસાર થઈ રહેલી ટાટા ઝેસ્ટ કારને અટકાવી તલાશી લીધી હતી. તપાસ દરમિયાન કારમાંથી અલગ-અલગ બ્રાન્ડની ૭૫૦ એમ.એલ.ની ૯૮ બોટલ (કિંમત ૧,૧૪,૨૨૦) તથા ૧૯૨ ક્વાર્ટરિયા (કિંમત ૨૮,૮૦૦) મળી કુલ ૧,૪૩,૦૨૦નો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ ઉપરાંત ૩,૦૦,૦૦૦ની કિંમતની ટાટા ઝેસ્ટ કાર અને ?૧૦,૦૦૦નો એક મોબાઈલ ફોન મળી કુલ ૪,૫૩,૦૨૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.આ દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી મયુર નામના આરોપીની ધરપકડ કરી છે, જ્યારે તેનો સાગરિત દિલીપ પોલીસને થાપ આપીને ફરાર થઈ ગયો હતો. પ્રાથમિક પૂછપરછમાં આ દારૂનો જથ્થો પ્રેમ કુમાર નામના શખ્સે આપ્યો હોવાનું સામે આવ્યું છે, જે પણ હાલ ફરાર છે.

........................

રેલવે કનેક્શનની ચર્ચાએ જોર પકડ્યું : વહીવટદાર રાજુ સપ્લાયર હોવાની ચર્ચા

ગાંધીધામ : પકડાયેલો દારૂનો આ જથ્થો રેલવે મારફતે આવ્યો હોવાની વિગતો સપાટી પર આવી છે. સ્થાનિક સ્તરે એવી પ્રબળ અટકળો વહેતી થઈ છે કે, રેલવેના વહીવટદાર તરીકે ઓળખાતા ’રાજુ’ નામના શખ્સે આ દારૂ સપ્લાય કર્યો છે. હાલ પોલીસે પકડાયેલા આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે અને ફરાર આરોપીઓ તેમજ આ નેટવર્કના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Comments

COMMENT / REPLY FROM