ભચાઉ પટ્ટામાં વહેલી સવારથી વીજ ચેકિંગનો સપાટોઃ હોટેલો-દુકાનોના શટર પડ્યા, વીજચોરોમાં ફફડાટ
જૂનાગઢ-જામનગરની ૩૦થી વધુ વીજ ટુકડીઓ ત્રાટકીઃ નાયબ કાર્યપાલક ઈજનેર શ્રી ચૌહાણના નેતૃત્વમાં વિવિધ વિસ્તારોમાં ક્રોસ ચેકિંગનો ધમધમાટ : અમુક રહેણાંક અને કોમર્શિયલ એકમોમાં દરોડા, સાંજ સુધીમાં વધુ ખુલાસાની શકયતા
ગાંધીધામ : pgvcl (પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ) દ્વારા ભચાઉ શહેર અને આસપાસના ગ્રામ્ય પટ્ટામાં વીજચોરી ડામવા માટે વહેલી સવારથી જ એક મેગા ચેકિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જૂનાગઢ અને જામનગર સર્કલની ૩૧ જેટલી સ્પેશિયલ વીજ ટુકડીઓ અચાનક ભચાઉ
પટ્ટામાં ત્રાટકતા વીજચોરી કરતા તત્વોમાં ભારે સન્નાટો અને ફફડાટ વ્યાપી ગયો છે.ભચાઉના નાયબ કાર્યપાલક ઈજનેર શ્રી ચૌહાણના સીધા માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ વહેલી સવારથી જ અલગ-અલગ વિસ્તારોમાં વીજ ટુકડીઓએ ક્રોસ તપાસ શરૂ કરી હતી. ટુકડીઓએ રહેણાંક મકાનો, વાણિજ્યિક એકમો, ઉદ્યોગો અને હોટેલોમાં વીજ કનેક્શનોની બારીકાઈથી ચકાસણી હાથ ધરી હતી.અચાનક શરૂ થયેલા આ દરોડાના પગલે ગેરકાયદેસર વીજ જોડાણ ધરાવતા અને વીજચોરી કરતા તત્વોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. કાર્યવાહીના ડરે અનેક વેપારીઓ પોતાની દુકાનો અને હોટેલોના શટર પાડીને ભાગી છૂટ્યા હતા, જ્યારે કેટલાક મકાનોમાં રહીશો તાળાં મારીને ગાયબ થઈ ગયા હોવાનું જોવા મળ્યું હતું pgvcl ની આ કડક કાર્યવાહીના કારણે સમગ્ર ભચાઉ પટ્ટામાં ભારે દોડધામ મચી ગઈ છે અને આગામી કલાકોમાં કરોડો રૂપિયાની વીજચોરી પકડાય તેમજ મોટો દંડ ફટકારાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

Comments