કચ્છમાં ’બેટી બચાઓ બેટી પઢાઓ’ અંતર્ગત બાલિકા પંચાયતની દીકરીઓ માટે કરાશે તાલીમ કાર્યક્રમનું આયોજન
બાલિકા પંચાયતની ૬૦ દીકરીઓને સશક્ત કરવા કચ્છ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીની નવતર પહેલ
નિયત સમયમર્યાદા અરજી કરવા જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીનો અનુરોધ
ભુજ : કચ્છઉદય :બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અંતર્ગત કચ્છ જિલ્લાના દરેક ગામોમાં બાલિકા પંચાયત કાર્યરત કરવામાં આવી છે. આ બાલિકા પંચાયતની દીકરીઓમાં સશક્તિકરણ, નેતૃત્વ ગુણોનો વિકાસ અને સામાજિક જાગૃતિ આવે તેવા ઉમદા હેતુથી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, કચ્છ દ્વારા પ્રાયોગિક ધોરણે એક વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવનારું છે. આ તાલીમનો મુખ્ય હેતુ બાલિકા પંચાયતની સદસ્યોનો સર્વાંગી વિકાસ કરી તેમને સશક્ત બનાવવાનો છે. આ ઉપરાંત, દીકરીઓને સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને કાયદાઓ વિશે જાગૃત કરી લાભાન્વિત કરવા, જાતિગત ભેદભાવની નાબૂદી અંગેની સમજ આપવા, વિવિધ વિભાગો સાથે સંકલન સાધવા તેમજ સરકારશ્રી દ્વારા પ્રસ્થાપિત પ્રજાતાંત્રિક મૂલ્યો અને પંચાયતી રાજની વ્યવસ્થાથી સદસ્યોને અવગત કરાવવા માટે આ કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો છે.આ તાલીમમાં ભાગ લેવા માટે દીકરીઓની ઉંમર ૧૪ થી ૨૦ વર્ષની હોવી અનિવાર્ય છે. આ સાથે જ આ તાલીમમાં માત્ર બાલિકા પંચાયતના સદસ્ય હોય તે જ દીકરીઓ ભાગ લઈ શકશે. આ શરતો પૂર્ણ કરતી કચ્છ જિલ્લાની જે દીકરીઓ તાલીમ મેળવવા માંગતી હોય તેમણે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના સત્તાવાર વોટ્સએપ નંબર ૯૨૨૭૮૯૮૯૨૫ ઉપર પોતાનું નામ, ગામનું નામ, ઉંમર, સંપર્ક નંબર અને બાલિકા પંચાયતમાં પોતાનો હાલનો હોદ્દો વગેરે વિગતો મોકલી આપવાની રહેશે. જો આ મુજબની કોઈપણ માહિતી અધૂરી હશે તો તે સદસ્ય તાલીમમાં ભાગ લઈ શકશે નહીં.આ વિગતો મોકલવાની છેલ્લી તારીખ ૨૯ ઓક્ટોબર, ૨૦૨૬ નક્કી કરવામાં આવી છે. ખાસ નોંધનીય છે કે આ તાલીમ કાર્યક્રમમાં બેઠકો મર્યાદિત છે. વહેલા તે પહેલાના ધોરણે પ્રથમ ૬૦ દીકરીઓની જ તાલીમ માટે પસંદગી કરવામાં આવશે. આથી, રસ ધરાવતી તમામ પાત્રતા ધરાવતી દીકરીઓને સમયમર્યાદા પહેલાં પોતાની વિગતો ઉપરોક્ત વોટ્સએપ નંબર પર મોકલી આપવા જિલ્લા મહિલા અને બાળ અધિકારી, કચ્છ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
..............

Comments