કચ્છ જિલ્લો અછતગ્રસ્તઃ જિલ્લાના ખેડૂતો અને પશુપાલકો માટે રાહતની જાહેરાત કેટલી કારગર ?
રાહત પેકેજ આવકાર્ય, પણ કાયમી ઉકેલ ક્યારે? : પાણી વિના તરસતું કચ્છઃ સરકારે અછત જાહેર કરી, પણ શું સહાય પૂરતી છે? રાહત પેકેજની મર્યાદાઓ અને વાસ્તવિકતાઓ જોવી ચકાસવી પણ છે જરૂરી
કચ્છ સહિત ૪ જિલ્લા દુષ્કાળગ્રસ્તઃ રાહતની જાહેરાત ચોક્કસ, પણ લાંબા ગાળાના આયોજન વગર પશુપાલકો અને ખેડૂતોનો ઉદ્ધાર શક્ય છે?
ગાંધીધામ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ભારત સરકારની ૨૦૧૬ની માર્ગદર્શિકા મુજબ કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને એસડીઆરએફ હેઠળ સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં સરેરાશ ૮૯ ટકા વરસાદ નોંધાયો હોવા છતાં, પશ્ચિમ ગુજરાતના આ સરહદી અને દરિયાકાંઠાના જિલ્લાઓમાં વરસાદની તીવ્ર અછત સર્જાઈ છે. ૧ નવેમ્બર ૨૦૨૬થી અમલી બનનારા આ નિર્ણય હેઠળ ખેડૂતોને પ્રતિ હેક્ટર ૮,૫૦૦ (મહત્તમ ૨ હેક્ટર) સહાય, પશુદીઠ રોજની ૮૦ની સહાય અને ‘જી રામજી’ યોજના હેઠળ ગ્રામીણ રોજગારી આપવાનું વચન આપવામાં આવ્યું છે.પરંતુ સવાલ એ ઊભો થાય છે કે, શું આ સહાયથી કચ્છ જેવા વિષમ ભૌગોલિક સ્થિતિ ધરાવતા જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોનું સંકટ ખરેખર ટળશે? આવો કરીએ આ જાહેરાતના સારા-નરસા પાસાઓ પર પ્રબુદ્વવર્ગની ચર્ચાની ભીતરમાં ડોકીયુ.રાજ્ય સરકારે ઔપચારિક રીતે કચ્છને દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને અને એસડીઆરએફના ધોરણો લાગુ કરીને પોતાની પ્રાથમિક ફરજ બજાવી છે. પરંતુ કચ્છ જેવા રણપ્રદેશ અને પશુપાલન આધારિત જિલ્લા માટે આ સામાન્ય સહાય પેકેજ પર્યાપ્ત નથી તેવુ પ્રબુદ્ધ તજજ્ઞો માની રહ્યા છે. સરકારે સહાયની ૨ હેક્ટરની મર્યાદામાં વધારો કરવો જોઈએ અથવા ખાસ કેસ તરીકે કચ્છ માટે વિશેષ આર્થિક પેકેજ જાહેર કરવું જોઈએ. આ ઉપરાંત ઘાસચારો અને પશુ કેમ્પની સહાય કાગળ પર ન રહેતાં ખરેખર માલધારીઓ સુધી પારદર્શક રીતે પહોંચે તે માટે કલેક્ટર કચેરી સ્તરે સખત મોનિટરિંગ જરૂરી છે.સૌથી મહત્વનું એ છે કે, કચ્છને દર વર્ષે રાહત પેકેજની નહીં પણ સિંચાઈ અને પીવાના પાણીના કાયમી ઉકેલની જરૂર છે. જો સરકાર નર્મદાનું પાણી કચ્છના ખૂણે-ખૂણે પહોંચાડવાનું કામ ઝડપથી પૂરું કરે, તો જ કચ્છને આ વારંવાર આવતા અછતના વિષચક્રમાંથી કાયમી મુક્તિ મળી શકશે.
................
સરકારની જાહેરાતના સારા પાસા.!
૧.સમયસરની રાજકીય અને વહીવટી સંવેદનશીલતા : સામાન્ય રીતે દુષ્કાળની જાહેરાતોમાં વિલંબ થતો હોય છે, પરંતુ ચોમાસું પૂરું થતાં જ ઉચ્ચ સ્તરીય બેઠકો યોજીને સમયસર જાહેરાત કરવી એ આવકારદાયક પગલું છે.૨. પશુપાલન આધારિત કચ્છ માટે ઘાસચારાનું આગોતરું આયોજનઃ કચ્છ એ માત્ર ખેતી આધારિત જ નહીં, પરંતુ મોટા પ્રમાણમાં પશુપાલન પર નભતો જિલ્લો છે. ?૨ પ્રતિ કિલો રાહતદરે ૧.૨૧ કરોડ કિલો ઘાસનું વિતરણ અને ૩ કરોડ કિલો ઘાસનો સ્ટોક ઉપલબ્ધ હોવો તે પશુધનને ચાવવા માટે અત્યંત મહત્વનું સાબિત થશે.૩. પશુ કેમ્પ અને ઢોર ડીઠ રાહતઃ
પશુદીઠ રોજના ?૮૦ની બે મહિના માટે સહાય અને બે મહિના પછી પણ જરૂર પડ્યે રાજ્ય સરકાર ખર્ચ ઉપાડશે તેવી ખાતરી આપવી એ માલધારીઓ માટે મોટો ટેકો છે. ૪.રોજગારી અને સ્થળાંતર પર રોકઃ દુષ્કાળના સમયે ગ્રામીણ વિસ્તારમાંથી શહેરો તરફ થતું સ્થળાંતર રોકવા માટે ‘જી રામજી’ યોજના હેઠળ સ્થાનિક સ્તરે રોજગારી આપવાનો નિર્ણય ગ્રામીણ અર્થતંત્રને ટકાવી રાખશે.
...................
કચ્છ કલેક્ટર રહે સાવધઃ બોગસ સબસીડી ચાંઉ કરનારાઓ
પુનઃ ફાવી ન જાય, અગાઉ વિજિલન્સ ત્રાટકી ગઈ હતી.!
ર૦ લાખથી વધુની પશુધન સહાય સબસીડીની રકમ ચાંઉ થયા મામલે ચાલી હતી લંબાણપૂર્વક તપાસ : લખપત વહીવટીતંત્રથી લઈ જિલ્લા પંચાયત અને ગાંધીનગર સચિવાલય પશુપાલન વિભાગ સુધી થઈ હતી હલચલ
ગાધીધામ : કચ્છ જિલ્લામાં અછત જાહેર થતાં જ મુખ્યમંત્રી પોષણ યોજના અને પશુપાલન સહાય હેઠળ લાખો રૂપિયાની સબસીડી મેળવવા માટે સક્રિય થયેલા કેટલાક તત્વો સામે વહીવટી તંત્રએ અત્યારથી જ સતર્ક બનવું જરૂરી છે. અગાઉ લખપત પટ્ટામાં અમુક બની બેઠેલા લોકો દ્વારા બોગસ સબસીડી ચાંઉ કરી જવાના કારનામા સામે આવ્યા હતા, જેને પગલે ખેતીવાડી વિભાગની વિજિલન્સ ટીમ વહેલી પરોઢે અચાનક ત્રાટકીને મોટા ખુલાસા કર્યા હતા.
નિયમ અનુસાર સબસીડી ચૂકવણીની સમિતિના અધ્યક્ષ પદે હોદ્દાની રૂએ કલેક્ટરશ્રી હોય છે અને તેમની જ સહીથી આ ચૂકવણીઓ આખરી થતી હોય છે. અગાઉની જેમ આ વખતે પણ કેટલાક લોકો સીમાડામાં કે ચરિયાણમાં ફરતા મૂંગા પશુઓને કાગળ પર પોતાના કેટલ કેમ્પ કે ઢોરવાડામાં દર્શાવીને તંત્રને ઉલ્ટા ચશ્મા પહેરાવવાનો ખેલ ન રમે, તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને ખાસ કરીને કલેક્ટર કચેરીએ અત્યારથી જ સઘન તકેદારી રાખવી અનિવાર્ય બની ગઈ છે. અગાઉ થયેલી ગેરરીતિઓમાંથી બોધપાઠ લઈને જો શરૂઆતથી જ કડક મોનિટરિંગ કરવામાં આવે તો જ સરકારી સહાયનો સાચો લાભ ખરા અર્થમાં જરૂરિયાતમંદ પશુપાલકો સુધી પહોંચી શકશે.
.................
અછતની જાહેરાતો સામે પડકારો, મર્યાદાઓ અને ગેરફાયદ..!
૧. ખેડૂતો માટે પૂરતી નથી ૮,૫૦૦ ની રકમઃકચ્છ જેવા વિસ્તારમાં વિષમ આબોહવા અને મોંઘા બિયારણ-ખાતરના જમાનામાં પ્રતિ હેક્ટર ૮,૫૦૦ અને તે પણ માત્ર ૨ હેક્ટરની મર્યાદા (મહત્તમ ?૧૭,૦૦૦) ખૂબ ઓછી પડે છે. જમીન તૈયાર કરવાથી લઈને બિયારણ વાવવા સુધીનો ખેડૂતનો નિષ્ફળ ગયેલો ખર્ચ આ રકમ કરતાં ઘણો વધારે હોય છે. ૨. જમીનની સરેરાશ હોલ્ડિંગ અને વિસંગતતાઃ કચ્છમાં ખેડૂતો પાસે જમીનનું ક્ષેત્રફળ મોટા પ્રમાણમાં (મોટા ખાતેદારો) હોય છે. ૨ હેક્ટરની મર્યાદાના કારણે મોટા ભાગના ખેડૂતોને તેમના વાસ્તવિક નુકસાન સામે આંશિક રાહત જ મળશે. ૩. સરકારી અમલવારી અને અમલદારશાહીની ધીમી ગતિઃ દુષ્કાળ જાહેર થવો અને વાસ્તવિક રીતે ખેડૂતના ખાતામાં ડીબીટી મારફતે રકમ જમા થવી - આ બંને વચ્ચેનો સમયગાળો ખૂબ લાંબો હોય છે. ભૂતકાળના અનુભવો દર્શાવે છે કે સર્વે અને વિતરણની પ્રક્રિયામાં થતો વિલંબ ખેડૂતની કમર તોડી નાખે છે. ૪.પાણીના કાયમી ઉકેલનો અભાવઃ કચ્છ માટે અછત અને દુષ્કાળ કોઈ નવી વાત નથી. દર વર્ષે અછત પેકેજ આપવા એ ટેમ્પરરી પ્લાસ્ટર સમાન છે. નર્મદાના કેનાલ નેટવર્કને કચ્છના છેવાડાના વિસ્તારો સુધી પહોંચાડવામાં થતો વિલંબ જ દર વર્ષે કચ્છને દુષ્કાળની ગરતામાં ધકેલે છે.

Comments