કચ્છ સહિત દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર
ઘાસચારા માટે અત્યાર સુધી ૧.૨૧ કરોડ કિલોનું રાહતદરે વિતરણ : પાક નુકસાન સામે હેક્ટરદીઠ રૂ. ૮,૫૦૦ની સહાય મળશે
ભુજ - કચ્છ ઉદય : ગુજરાતમાં ઓછા અને વિલંબિત વરસાદને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે કચ્છ સહિત દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, ખેડૂતો અને પશુપાલકોને મુશ્કેલીના સમયમાં રાહત આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ નિર્ણયનો અમલ ૧ નવેમ્બર, ૨૦૨૬થી કરવામાં આવશે. રાજ્યમાં આ વર્ષે સરેરાશ ૮૯ ટકા વરસાદ નોંધાયો છે, પરંતુ ચાર જિલ્લાઓમાં વરસાદની અછતને કારણે ખેતી અને પશુપાલન પર પ્રતિકૂળ અસર થઈ છે. ભારત સરકારની દુષ્કાળ નિર્ધારણ માર્ગદર્શિકા-૨૦૧૬ મુજબ જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરીને રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.
દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓમાં પાકને થયેલા નુકસાન સામે રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળના ધોરણો મુજબ હેક્ટરદીઠ રૂ. ૮,૫૦૦ની સહાય આપવામાં આવશે. આ સહાય વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર રહેશે. ખેડૂતોને રાહત આપવા ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારીની તકો જળવાઈ રહે તે માટે વી.બી.-જી રામ જી યોજના હેઠળ ૧૫૦ માનવદિનની રોજગારી આપવાનું પણ નક્કી કરાયું છે.
પશુપાલકોને રાહત આપવા રાજ્ય સરકારે ઘાસચારાની વ્યવસ્થા અગાઉથી જ શરૂ કરી દીધી હતી. જૂન-જુલાઈ, ૨૦૨૬થી રાજ્યભરમાં કિલોદીઠ રૂ. ૨ના રાહતદરે ઘાસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં ૧.૨૧ કરોડ કિલો ઘાસનું વિતરણ થયું છે, જ્યારે હાલ સરકાર પાસે ત્રણ કરોડ કિલો ઘાસનો જથ્થો ઉપલબ્ધ છે. જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વધારાના ઘાસની ખરીદીની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે.
દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં પશુ શિબિરોમાં રાખવામાં આવતાં પશુઓ માટે પશુદીઠ દરરોજ રૂ. ૮૦ની સહાય બે મહિના સુધી રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળમાંથી ચૂકવવામાં આવશે. ત્યારબાદ આ સહાયનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ખેડૂતો અને પશુપાલકોના હિતને પ્રાથમિકતા આપવાની વાત કરતાં મુખ્યમંત્રીએ મુશ્કેલીના સમયમાં જરૂરી મદદ ચાલુ રાખવાની ખાતરી આપી હતી.
દરમિયાન, રાજ્યમાં સિંચાઈ અને પીવાના પાણીના આયોજન અંગે પણ વિગતો આપવામાં આવી હતી. ચાલુ વર્ષે રાજ્યના ૨૦૬ મુખ્ય ડેમોમાં ૬૬ ટકા જળસંગ્રહ નોંધાયો છે. ખરીફ ઋતુમાં માંગ મુજબ ૪૪ ડેમોના કમાન્ડ વિસ્તારમાં સિંચાઈ માટે પાણી અપાયું છે, જ્યારે આગામી રવિ ઋતુમાં ૭૬ ડેમોના કમાન્ડ વિસ્તારમાં પાણી આપવાનું આયોજન છે. પીવાના પાણીની જરૂરિયાતને પ્રાથમિકતા આપીને ૩૦ જૂન, ૨૦૨૭ સુધીનો જથ્થો અનામત રાખવામાં આવ્યો છે.
કચ્છના પાંચ ડેમ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોના ડેમોમાં ઉપલબ્ધ જળજથ્થાના આધારે એકથી ચાર પિયત આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. દુષ્કાળની પરિસ્થિતિમાં ખેતી, પશુપાલન અને ગ્રામ્ય રોજગારીને ટેકો મળે તે દિશામાં રાજ્ય સરકારે આ રાહતલક્ષી પગલાં લીધાં છે.
------

Comments